બિસ્કિટના પેકેટમાં છુપાવેલા 14 કરોડના ડ્રગ્સ સાથે પેડલર ઝડપાયો:રાજસ્થાનથી મુંબઈ જવા નીકળ્યો હતો, સીધી બસ ન મળતા અમદાવાદ આવ્યોને પોલીસે દબોચી લીધો
અમદાવાદના એસપી રીંગ રોડ પર નાના ચિલોડા પાસેથી રૂ . 14 કરોડના મેથાફેટામાઈન ડ્રગ્સ સાથે આરોપીની નરોડા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપી ડ્રગ્સ રાજસ્થાનથી મુંબઈ લઈ જતો હતો. કોઈને શંકા ન જાય તેના માટે આરોપીએ ડ્રગ્સને બિસ્કિટના પેકેટમાં પેક કરીને લઈ જતો હતો. આરોપી રાજસ્થાનથી મુંબઈ જવા અમદાવાદ બસમાં આ આવ્યો ત્યારે એસપી રીંગ રોડ પર નાના ચિલોડા પાસેથી બાતમીના આધારે આરોપીને પકડી પાડ્યો હતો. આરોપી પાસેથી 7 કિલો ડ્રગ્સ કબજે લઈ ડ્રગ્સ મંગાવનાર મુંબઈના નાઇજિરિયન શખ્સ અને રાજસ્થાનમાં ડ્રગ્સ આપનારની શોધખોળ શરૂ કરી છે. ઝડપાયેલા મેથાફેટામાઈન ડ્રગ્સની કિંમત રૂ. 14 કરોડ
સેક્ટર 2 જેસીપી જયપાલસિંહ રાઠોડે જણાવ્યું હતું કે નરોડા પોલીસના ઇન્ચાર્જ પીઆઈ એસ. એ કોટડીયાને માહિતી મળી હતી કે નાના ચિલોડા સર્કલ પાસેથી એક વ્યક્તિ હાથમાં બેગ લઈને પસાર થઈ રહ્યો છે અને શંકાસ્પદ વસ્તુ તેની પાસે હોઈ શકે છે જે બાતમીના આધારે યુવકને રોકી અને તપાસ કરતા તેની બેગમાંથી મેથાફેટામાઇન ડ્રગ્સ મળી આવ્યું હતું.ડ્રગ્સ અંદાજે સાત કિલો જેની બજાર કિંમત રૂપિયા 14 કરોડની થાય છે. રાજસ્થાનથી ડ્રગ્સ લઈ મુંબઈ પહોંચાડવાનું હતું
યુવકનું નામ મોહમ્મદ સાજીદ મહંમદ ઉસ્માન શેખ (રહે. અંધેરી વેસ્ટ, મુંબઈ) હોવાનું જણાવ્યું હતું. મુંબઈના ક્યુબેન નામના નાઇજીરીયનના કહેવાથી રાજસ્થાનના જયપુર ખાતે બસ સ્ટેન્ડ નજીક અજાણી વ્યક્તિ પાસેથી બેગ લઈને મુંબઈ લાવવાની હતી. જયપુર ખાતે જઈને તેણે બેગ લીધી હતી અને ત્યારબાદ મુંબઈ આવવા માટે નીકળ્યો હતો પરંતુ સીધી મુંબઈની બસ ન મળતા અમદાવાદ આવ્યો હતો અને નાના ચિલોડા સર્કલ પાસેથી પસાર થતો હતો ત્યારે બાતમીના આધારે ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં અગાઉ અમૃતસર ખાતેથી પણ ડ્રગ્સનુ પાર્સલ લઈને મુંબઈ ગયો હતો. NDPSની પ્રવૃત્તિ સાથે આ યુવક જોડાયેલો છે. કેરિયર તરીકે કામ કરે છે અગાઉ અમૃતસરથી લાવ્યો હતો અન્ય કોઈ જગ્યાએથી લાવ્યો છે કે કેમ તે અંગેની હજી ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. મુંબઈથી પાર્સલ મંગાવનાર ક્યુબેન અને રાજસ્થાનથી ડ્રગ આપનારની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
Read Original Article →