9 દિવસમાં ત્રીજી વખત પેટ્રોલ-ડિઝલના ભાવ વધતા અમદાવાદીઓએ પિતો ગુમાવ્યો:કહ્યું- સરકાર ફેલ ગઈ અને કોઈપણ પ્રકારનું પ્લાનિંગ કરી શકી નથી; પેટ્રોલના રૂ. 99.07 અને ડીઝલના 94.99 રૂપિયા

Gujarat5/23/2026, 8:21:07 AM
9 દિવસમાં ત્રીજી વખત પેટ્રોલ-ડિઝલના ભાવ વધતા અમદાવાદીઓએ પિતો ગુમાવ્યો:કહ્યું- સરકાર ફેલ ગઈ અને કોઈપણ પ્રકારનું પ્લાનિંગ કરી શકી નથી; પેટ્રોલના રૂ. 99.07 અને ડીઝલના 94.99 રૂપિયા
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એક વખત વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલના ભાવમાં 86 પૈસા અને ડીઝલના ભાવમાં 94 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા 9 દિવસમાં ત્રીજી વખત વધારો કરવામાં આવતા વાહન ચાલકોને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. કારણ કે સતત ભાવ વધારાના કારણે સામાન્ય નાગરિકો, વાહન ચાલકો અને નોકરિયાત વર્ગના લોકોનું બજેટ ખોરવાઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. અમદાવાદમાં પેટ્રોલના ભાવમાં 86 પૈસાનો વધારો હવે પેટ્રોલનો ભાવ 99.07 રૂપિયા અને ડીઝલના ભાવના 94 પૈસાનો વધારો થતા હવે ડીઝલનો ભાવ 94.99 રૂપિયા પહોંચી ગયો છે. 'સરકાર ફેલ ગઈ છે અને કોઈપણ પ્રકારનું પ્લાનિંગ કરી શકી નથી' વાહન ચાલક હિતેશ ઠક્કરે જણાવ્યું હતું કે, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થતા સામાન્ય નાગરિકને તેની ખૂબ જ અસર થવાની છે. તેમજ હજુ પણ મોંઘવારી વધે તેવી શક્યતા જોવાઈ રહી છે. સરકાર ફેલ ગઈ છે અને કોઈપણ પ્રકારનું પ્લાનિંગ કરી શકી નથી. દેશના યુવાનોને રોજગારી નથી મળી રહી, ખેડૂતોને લાઈનોમાં ઊભું રહેવું પડે છે તેમજ જ્યાં જોઈએ ત્યાં પેટ્રોલ અને ડીઝલ ભરાવવા માટેની લાઈન લાગી છે. વિકસિત ભારતની વાત કરવામાં આવે છે પરંતુ સામાન્ય નાગરિક પર રોજ આફત આવી રહી છે. મહિને કોઈપણ બચત થાય તેવું લાગતું જ નથી. 'પૂર્વ આયોજન ન કરાયું હોવાથી લોકો ડરી રહ્યા છે ' વધુમાં હિતેશ ઠક્કરે જણાવ્યું હતું કે, ઉપરના લેવલથી બેજવાબદાર નિવેદન આપવામાં આવે છે. તેમજ કોઈપણ પ્રકારનું પૂર્વ આયોજન ન કરાયું હોવાથી લોકો ડરી રહ્યા છે અને પેટ્રોલ પંપ પર લાઈન લગાવી રહ્યા છે. લોકોને સાચા માર્ગે દોરવાના બદલે ઊંધા માર્ગે દોરવામાં આવે છે. કોરોના વખતે જે રીતે લોકો વધારે સ્ટોરેજ કરવા માટે લાઈનમાં ઉભા હતા તેવી જ સ્થિતિ અત્યારે તમામ જગ્યા પર જોવા મળી રહી છે. 'છૂટથી વાહન ચલાવી શકતા હતા તે હવે નહીં ચલાવી શકીએ' વાહન ચાલક ધર્મેશભાઈએ જણાવ્યું હતું કે, સામાન્ય પબ્લિકને પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાની ખૂબ જ અસર થવાની છે. હવે વાહનો ઉપયોગ કેટલો કરવો તે પણ વિચારવું પડે તેવી સ્થિતિ સર્જાય છે. પહેલા જે રીતે છૂટથી વાહન ચલાવી શકતા હતા તે હવે નહીં ચલાવી શકીએ. હવે એવું લાગે છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ વધારે કરવો જોઈએ. વધતી જતી મોંઘવારીમાં કોઈપણ પ્રકારની બચત થાય તેવું લાગતું નથી.
Read Original Article →