અમદાવાદને 26મીએ મળશે નવા મેયર:સુરત, વડોદરા, રાજકોટમાં 28મીએ જાહેરાત; ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના પદાધિકારીઓની પણ વરણી કરાશે
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના 28મી એપ્રિલે પરિણામો જાહેર થયા બાદ સૌ કોઈની નજર રાજ્યની 15 મહાનગરપાલિકાના બનનારા મેયર સહિતના પદાધિકારીઓ પર છે. ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા તમામ નામો પર મંજૂરીની મહોર મારી દેવામાં આવી છે પરંતુ, જાહેરાત બાકી છે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકામાં પદાધિકારીઓની વરણી માટે 26મીએ સામાન્ય સભા બોલાવાવામાં આવી છે. જ્યારે સુરત, વડોદરા અને રાજકોટમાં 28મીએ વરણી કરવામાં આવશે. મેયર સહિત ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમન સહિતના પદાધિકારીઓની પણ વરણી કરાશે. અમદાવાદ મહાનગરપાલિકાની 26મીએ સામાન્ય સભા બોલાવવામાં આવી
મેયર સહિતના પદાધિકારીઓની ચૂંટણી માટે 26મી મેએ મ્યુનિસિપલ કમિશનર દ્વારા સામાન્ય સભા બોલાવવામાં આવી છે. ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હોવાના કારણે તમામ પદાધિકારીઓની વરણી બિનહરીફ થવાની પૂરી શક્યતા છે. મેયર ઉપરાંત ડેપ્યુટી મેયર, સ્ટન્ડિંગ ચેરમેન સહિતના પદાધિકારીઓની વરણી કરાશે. AMTS કમિટીના ચેરમેનની પણ નિમણૂક કરવામાં આવનાર છે. સતાવાર રીતે મોડી સાંજે કોર્પોરેશન દ્વારા એજન્ડા બહાર પાડવામાં આવશે જેમાં ચારેય મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ તેમજ amts કમિટીના ચેરમેનની નિમણુક અંગે ચૂંટણીની પ્રક્રિયા કરવા માટે જાણ કરવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 23 અથવા 24મે ના રોજ ઉમેદવારી જાહેર કરવામાં આવશે. જેમાં 15 જેટલા લોકો પોતાની ઉમેદવારી નોંધાવશે સ્ટેન્ડિંગ ચેરમેન સહિત બાર લોકોની કમિટી અંગે 26 મેના રોજ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે. 26 મેના રોજ બપોરે જ સ્ટેન્ડિંગ કમિટીની પ્રથમ બેઠક મળે તેવી શક્યતા છે. અમદાવાદમાં મેયર પદ OBC પુરુષ માટે અનામત
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. 160 બેઠકો મેળવીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપની સત્તા ફરી આવી છે ત્યારે સૌથી મોટી મહાનગરપાલિકા અમદાવાદમાં નગરપતિ એવા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક કોણ બનશે તે અંગે ચર્ચા શરૂ થઈ ચૂકી છે. પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે મેયર પદ OBC પુરુષ માટે અનામત છે. અનુભવી અને સિનિયર રહી ચૂકેલા કોર્પોરેટરને મેયર બનાવવામાં આવતા હોય છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પણ અનુભવી અને નિર્ણય લઇ શકે એવા લોકોને પદ મળે છે. મેયર પદ માટે થલતેજ વોર્ડના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મજબૂત દાવેદાર
ભાજપના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદ મહાનગરપાલિકામાં મુખ્ય પાંચ પદાધિકારીઓ માટે અનેક અનુભવી અને સિનિયર લોકોથી લઈને પ્રથમ વખત ચૂંટણી લડેલા લોકો પણ દાવેદાર છે. માત્ર મેયર પદ રોટેશન પ્રમાણે OBC પુરુષ માટે અનામત હોવાથી મેયર તરીકે પુરુષને સ્થાન મળશે. મેયર પદ માટે થલતેજ વોર્ડના કોર્પોરેટર અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ મજબૂત દાવેદાર છે. પ્રથમ વખત ચૂંટણી લડેલા બોડકદેવના કોર્પોરેટર ધરમશી દેસાઈ પણ દાવેદાર છે જ્યારે નિકોલ વોર્ડના સૌથી વધુ મત મેળવેલા દીપક પંચાલ પણ મેયર પદ માટે રેસમાં છે. વેજલપુર વોર્ડના સિનિયર કોર્પોરેટર રાજુ ઠાકોરને પણ દાવેદાર માનવામાં આવી રહ્યાં છે. સુરતમાં મેયર પદ માટે સામાન્ય મહિલા અનામત
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે સુરત ભાજપનો અજેય ગઢ છે. 120માંથી 115 બેઠકો જીતીને ભાજપે વિપક્ષના સૂપડા સાફ કરી દીધા છે. પરંતુ હવે ખરો ખેલ શરૂ થયો છે 'મેયર' પદ માટે. આ વખતે મેયર પદ 'સામાન્ય મહિલા' માટે અનામત હોવાથી અનેક નામો ચર્ચામાં છે. ખાસ કરીને વરાછા અને કતારગામ જેવા પાટીદાર બહુલ વિસ્તારોમાં ભાજપના શાનદાર પ્રદર્શનને જોતા પાટીદાર મહિલાને મેયર બનાવવાની પ્રબળ શક્યતા સેવાઈ રહી છે. જોકે, દક્ષિણ ગુજરાતના સ્થાનિક 'સુરતી' અને 'પરપ્રાંતીય' મતોને સાચવવા ભાજપ હાઈકમાન્ડ માટે આ નિર્ણય લોઢાના ચણા ચાવવા જેવો સાબિત થશે. વડોદરામાં પ્રથમ ટર્મમાં SC પુરુષ મેયર
વડોદરા મહાનગરપાલિકાના પરિણામો ભાજપની તરફેણમાં આવ્યા છે. 76 પૈકી 69 બેઠકો ભાજપને ફાળે ગઈ છે, ત્યારે હવે આગામી ટર્મ માટે મેયર, ડેપ્યુટી મેયર અને ચેરમેન પદે કોણ હશે તેની ચર્ચાએ જોર પકડ્યું છે. પ્રથમ ટર્મમાં મેયર પદ માટે એસસી પુરુષ અનામત બેઠક છે. જો કે, વડોદરા મહાનગરપાલિકામાં સ્થાયી સમિતિના ચેરમેન માટે વધુ પડાપડી જોવા મળી રહી છે. પાટીદાર કે બ્રાહ્મણને રાજકોટમાં મેયર પદ મળી શકે
રાજકોટ મહાનગર પાલિકામાં આ વખતે મેયર પદ માટે સામાન્ય અનામત હોવાથી ભારતીય જનતા પાર્ટી પાટીદાર અથવા બ્રાહ્મણ સમાજને સ્થાન આપે તેવી પુરી શક્યતા સેવાઈ રહી છે. તેમાં પણ આવનાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી મેયર પદ પર પ્રથમ પાટીદારને જ મહત્વ આપવામાં આવ તેવી શક્યતા સેવાઈ રહી છે. જો કે સરકાર અને સંગઠન દ્વારા અન્ય તમામ જગ્યા પર જ્ઞાતિ આધારિત સમીકરણો નક્કી કરી આ માટે ફાઇનલ નિર્ણય લેવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઓબીસી સમાજમાંથી બની શકે
રાજકોટમાં મેયર પદ માટે પાટીદાર સમાજમાંથી મેયર તરીકે જાહેરાત કરવામાં આવે તો કેતન પટેલ, દિલીપ લુણાગરિયા અથવા પરેશ પીપળીયાને સ્થાન આપવામાં આવી શકે છે અને બ્રાહ્મણ સમાજમાંથી બનાવવામાં આવે તો નેહલ શુકલા, પરેશ ઠાકર અને મનીષ ભટ્ટનું નામ ચર્ચામાં ચાલી રહ્યું છે. જયારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદ પર ઓબીસી સમાજને સ્થાન આપવામાં આવ તેવી શક્યતા સેવાઈ રહી છે અને તેમાં ઘનશ્યામ હેરભા અથવા પૂર્વ મેયર ડો. પ્રદિપ ડવને સ્થાન આપવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. ડેપ્યુટી મેયર પદ માટે કોઈ મહિલાને સ્થાન આપવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. ભાવનગરમાં મેયર પદ સામાન્ય મહિલા અનામત
ભાવનગર મહાનગરપાલિકામાં સત્તાનું સુકાન કોણ સંભાળશે તેને લઈને અટકળો તેજ બની છે, છેલ્લા ત્રણ દાયકાથી ભાજપના ગઢ ગણાતા ભાવનગરમાં આ વખતે મેયર પદ સામાન્ય સ્ત્રી અનામત ફાળવવામાં આવ્યું હોવાથી મહિલા કોર્પોરેટરોમાં આંતરિક સ્પર્ધાએ જોર પકડ્યું છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે ખેંચતાણ
માત્ર મેયર પદ જ નહીં, પણ મહાનગરપાલિકાની સૌથી પાવરફુલ ગણાતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે પણ સિનિયર નેતાઓએ લોબિંગ શરૂ કર્યું છે. આ રેસમાં મુખ્ય ચાર નામો મોખરે છે જેમાં ઉપેન્દ્રસિંહ ચુડાસમા, રાજુભાઇ રાબડીયા, અશોક બારૈયા તથા સંજયભાઈ વેગડના નામો ચર્ચામાં છે.
Read Original Article →