બીજા સમાજમાં લગ્ન, અફેર ને પત્નીનું ગળુ દબાવી હત્યા:અમદાવાદમાં પિતાની શંકાથી કરાયેલા PM રિપોર્ટે પતિની પોલ ખોલી, માતાએ કહ્યું-દીકરો બીચારો મમ્મી-મમ્મી કરી રહ્યો છે
અમદાવાદના ન્યુરાણીપ વિસ્તારમાં 4 એપ્રિલના રોજ કોમલ નામની પરિણીતાના શંકાસ્પદ મોત મામલે પોસ્ટમોર્ટમ રિપોર્ટે ભેદ ઉકેલી દીધો છે. કોમલનું મોત કુદરતી નહીં, પરંતુ પતિ હર્ષ પ્રજાપતિએ કર્યાનો ઘટસ્ફોટ થયો છે. પરસ્ત્રી સાથે અનૈતિક સંબંધો મામલે કોમલે છુટાછેડા માટે દબાણ કરતા હર્ષે પતિએ ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી હતી. આરોપી પતિએ જાહેરમાં વાર્તા કરી હતી કે, કોમલ બાથરૂમથી બહાર આવી હતી, ત્યારે તેને ચક્કર આવ્યા અને ઉલટી થઈ જતા તેનું મોત થયુું. શોકમગ્ન પિતા ઇશ્વરભાઈએ જણાવ્યુ કે, અમારી દીકરીએ પ્રેમલગ્ન કર્યા હતા. જમાઈને બીજી પત્ની લાવવી હતી, જેથી અમારી દીકરીને હેરાન કરતા હતા. અમારી દીકરીની હત્યા કરીને કુદરતી હોય તે રીતે બતાવ્યું, પરંતુ અમે રાહ જોયા વગર પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસ તપાસમાં જમાઈએ હત્યા કર્યાની કબૂલાત કરી છે. અમને અમારી દીકરી માટે ન્યાય જોઈએે. કોમલ પરિવારમાં નાની દીકરી હતી
એલીસબ્રિજ વિસ્તારમાં આવેલા ભુદરપુરા ખાતે ઘંટીવાળા વાસમાં રહેતા ઈશ્વરભાઈ ઠાકોરે સાબરમતી પોલીસ સ્ટેશનમાં હર્ષ પ્રજાપતિ (રહે, એ-601, પર્લ 78 રેસીડન્સી, સ્વામિનાયારણ મંદિર પાસે, ન્યુ રાણીપ) વિરૂદ્ધ હત્યાની ફરિયાદ કરી છે. ઈશ્વરભાઈ ઠાકોર સંયુક્ત પરિવારમાં રહે છે અને ડ્રાઈવરની નોકરી કરીને ગુજરાન ચલાવે છે. ઈશ્વરભાઈનો એક દીકરો લીવરની બીમારીના કારણે મૃત્યુ પામ્યો છે, જ્યારે બીજો દીકરો તેની પત્નિ સાથે અલગથી રહે છે. જ્યારે તેનાથી નાની દીકરી કોમલ હતી, જેની તેના પતિએ હત્યા કરી નાખી છે. 2022માં છુટાછેડા બાદ કોમલને હર્ષ સાથે પ્રમ થયો
કોમલના પ્રથમ લગ્ન ગોતા ગામમાં રહેતા વિષ્ણુ ઠાકોર સાથે 17 વર્ષ પહેલા સમાજના રીત-રીવાજ મુજબ થયા હતા. કોમલને વિષ્ણુ સાથે મનમેળ ન આવતા અંતે તેને 2022માં સમાજીક રીતે છુટાછેડા લઈ લીધા હતા. લગ્ન જીવન દરમિયાન કોમલને કોઈ સંતાન હતુ નહીં. છુટાછેડા બાદ કોમલ પિયરમાં રહેતી હતી, ત્યારે તેને ચાંદલોડીયાના રણછોડનગર ખાતે રહેતા હર્ષ પ્રજાપતિ સાથે મુલાકાત થઈ હતી. બન્ને એકબીજા સાથે વાતો કરતા હતા અને બાદમાં પ્રેમસંબંધ થઈ ગયો હતો. હર્ષે કોમલ સાથે લગ્ન કરવાનું કહ્યુ, જેથી બન્ને પરિવારોએ ભેગા થઈને તેમના લગ્ન 2022માં કરાવી દીધા હતા. લગ્ન બાદ કોમલ સાસરીમાં રહેવલા માટે ગઈ હતી. 2024માં કોમલે એક દીકરાને જન્મ આપ્યો હતો. દીકરાના જન્મબાદ નવુ મકાન લીધુ, પતિની કર્ણાવતી ડેન્ટલ યુનિ.માં નોકરી
દીકરાના જન્મ થતા કોમલના સસરાએ ન્યુ રાણીપમાં પર્લ 78 રેસેન્સીમાં નવુ મકાન ખરીદ્યુ હતું. દોઢ વર્ષ પહેલા કોમલ સહિત સાસરીયા નવા મકાનમાં રહેવા માટે જતા રહ્યા હતા. હર્ષ ઉવારસદ ખાતે આવેલી કર્ણાવતી ડેન્ટલ યુનિવર્સિટીમાં ઓટી આસિસટન્ટ તરીકે નોકરી કરે છે. આ સિવાય સાંજના 5 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી વંદેમાતરમ ખાતે પ્રાઈવેટ ક્લીનીકમાં કમ્પાઉન્ડર તરીકેની નોકરી કરે છે. ઈશ્વરભાઈના ઘરે જ્યારે સારો-નરસો પ્રસંગ હોય ત્યારે કોમલ અને હર્ષ આવતા હતા. પિયરમાં આવી રડતા-રડતા પતિના અફેરની વાત કરી, પિતાએ પરત મોકલી દીધી
20 દિવસ પહેલા કોમલ તેના દીકરાને લઈને પિયરમાં આવી હતી, જ્યાં તેણે રડતા માતા-પિતાને કહ્યુ હતું કે, હર્ષ ઉવારસદમાં જ્યા નોકરી કરે છે, ત્યારે કોઈ સ્ત્રી સાથે તેના આડા સંબંધ છે. કોમલે આ મામલે હર્ષ સાથે વાત કરી તો તે તેની સાથે ઝઘડો કરે છે. આ સિવાય હર્ષે ધમકી પણ આપી છે કે, જો આ વાતની જાણ કોઈને કરીશ તો તને શાંતિથી રહેવા નહીં દઉ. અવારનવાર ધમકીઓ આપતા કોમલ ચુપચાપ પતિનો ત્રાસ સહન કરતી હતી. ઈશ્વરભાઈએ કોમલને આશ્વાસન આપ્યુ હતું અને તેમણે વેવાઈ અને હર્ષને સમજાવવાનું કહીને સાસરીમાં પરત મોકલી દીધી હતી. 4 એપ્રિલે પિતાના ફોન આવ્યો તે કોમલ બીમાર તમે આવો
15 દિવસ પહેલા કોમલે તેના પિતાને ફોન કર્યો હતો અને કહ્યુ કે, હર્ષ મારીસાથે બોલાચાલી ઝઘડો કરે છે અને છુટાછેડા આપવાનું દબાણ કરીને જેમફાવે તેમ ગાળો બોલે છે. ગત 4 એપ્રિલના રોજ જ્યારે ઈશ્વરભાઈ નોકરી પર હાજર હતા, ત્યારે તેમના વેવાઈ મુકેશભાઈનો ફોન આવ્યો હતો અને કહ્યુ કે, તમારી દીકરી કોમલ બીમાર પડી ગઈ છે, તમે તાત્કાલીક ઘરે આવો. કોમલની વાત મળતાની સાથે જ ઈશ્વરભાઈ પત્ની હીરાબેન અને ભાઈ તેમજ સંબંધીઓને લઈને ન્યુરાણીપમાં પહોંચી ગયા હતા. પરિવારને શંકા જતાં પોલીસને જાણ કરી
ઠાકોર પરિવાર જ્યારે ન્યુરાણીપ પહોચ્યુ ત્યારે કોમલને મૃત હાલતમાં જોતાની સાથેજ તેમના પગનીચેથી જમીન સરકી ગઈ હતી. ઈશ્વરભાઈએ કોમલના મોત મામલે પૂછતા હર્ષ જણાવ્યું કે, કોમલ બાથરૂમમાંથી બહાર આવી ત્યારે તેને ચક્કર આવતા પડી ગઈ હતી અને ઉલટી થતા મોત થયુ છે. ઈશ્વરભાઈને હર્ષની વાત પર શંકા થતા તેમને પોલીસ કંટ્રોલમાં ફોન કરવા માટે દીકરાને કહ્યુ હતું. પોલીસની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને કોમલની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપી હતી. PM રિપોર્ટમાં હત્યા ખુલતા પોલીસે હર્ષની ધરપકડ કરી
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કોમલનું મોત ગળે દબાવવાથી થયું હોવાનો રિપોર્ટ આવતા અંતે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને હર્ષની ધરપકડ કરી છે. કોમલને હર્ષના અન્ય સ્ત્રી સાથેના અનૈતિક સંબંધોની જાણ થઈ જતા બબાલ શરૂ થઈ ગઈ હતી. હર્ષે કોમલને ધમકી આપી હતી કે, મારા આડા સંબંધોની જાણ કોઈને કરીશ તો તને જાનથી મારી નાખીશ અને શાંતિથી જીવવા પણ નહીં દઉ. જોકે કોમલના પિતા બંધુ સારુ થઈ જશે તેમ કહીને સમજાવી દીધી હતી.
Read Original Article →