અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે કોંગ્રેસે પહેલી યાદી જાહેર કરી:48 વોર્ડમાંથી 32 વોર્ડમાં 92 ઉમેદવારના નામની જાહેરાત કરાઈ, 42 મહિલા ઉમેદવારને મેદાને ઉતારવામાં આવી
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે. ફોર્મ ભરાવાની શરૂઆત થાય તે પહેલા જ ગુજરાત કોંગ્રેસ દ્વારા સાત જેટલી મહાનગરપાલિકાઓમાં ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કેટલાક નામની પહેલી યાદીમાં જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 32 વોર્ડમાં 92 ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. જે ઉમેદવારના નામની જાહેરાત બાદ કોઈ વિવાદ ન સર્જાય તેવા જ વોર્ડમાં ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. જે વોર્ડમાં ઉમેદવારની પસંદગીને લઈને ખેંચતાણ ચાલી રહી છે તેવા ઉમેદવાર નામની જાહેરાત હવે પછીના લિસ્ટમાં કરવામાં આવશે.
કોંગ્રેસે ભાજપ પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઉમેદવારના નામની જાહેરાત કરી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 48 વોર્ડમાંથી માત્ર 32 વોર્ડ પરના જ ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 12 વોર્ડમાં આખી પેનલ જાહેર કરી દેવામાં આવી છે. મહત્વની વાત છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ, ઉપનેતા નીરવ બક્ષી, દંડક જગદીશભાઈ રાઠોડ અને પૂર્વ કોર્પોરેટર રાજશ્રી કેસરીને રીપીટ કરવામાં આવ્યા છે. પહેલી યાદીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે કુલ 92 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે જેમાં 42 મહિલા ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 48 વૉર્ડમાંથી 32 વોર્ડમાં ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગોતામાં 2, ચાંદલોડિયા 3, ચાંદખેડા 1, સાબરમતી 2, રાણીપ 4, નવા વાડજ 4, ઘાટલોડીયા 4, થલતેજ 4, નારણપુરા 4, સરદાર પટેલ સ્ટેડિયમ 1, સરદાર નગર 4, નરોડા 2, સૈજપુર બોઘા 2, શાહીબાગ 3, નવરંગપુરા 3, બોડકદેવ 4, દરિયાપુર 1, ઇન્ડિયા કોલોની 2, ઠક્કરબાપાનગર 4, ખાડિયા 3, પાલડી 4, વેજલપુર 3, મણિનગર 3, અમરાઈવાડી 3, ઓઢવ 4, વસ્ત્રાલ 2, ઇન્દ્રપુરી 4, હાટકેશ્વર 4, લાંભા 1, વટવા 3, રામોલમાં 2 ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે.
આ તમામ બેઠક અને ઉમેદવાર એવા છે જેની જાહેરાત બાદ કોઈપણ વિવાદ સર્જાય તેમ નથી જેથી તેવા નામની જ જાહેરાત પહેલી યાદીમાં કરવામાં આવી છે. શહેર સંગઠન દ્વારા તમામ બેઠક પર પેનલ તૈયાર કરવામાં આવી છે. જે બાદ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને પ્રદેશ સહ પ્રભારીની ઉપસ્થિતિમાં બેઠક યોજીને નિર્વિવાદિત બેઠક પરના ઉમેદવારના નામ નક્કી કરવામાં આવ્યા હતા. મહત્વનું છે કે અમિત શાહના મત વિસ્તારમાં આવતા વોર્ડમાં આખી પેનલની જાહેરાત કરવામાં આવી છે. જો કે તે તમામ બેઠક પર સૌથી ઓછા ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. જેથી ઉમેદવારના નામને લઈને કોઈ વિવાદ ન હોવાથી તેવા નામની જાહેરાત પહેલા કરવામાં આવી છે. હવે વિવાદિત બેઠક પરના નામ પર ફરી ચર્ચા કરી તેની જાહેરાત આગામી દિવસમાં કરવામાં આવશે.
Read Original Article →