કલેક્ટર કચેરી ખાતે સંકલન સમિતિની બેઠક:ધારાસભ્યો કામ ટ્રેસ કરી શકે તેવી એપ બનાવવા રજૂઆત, મકરબા બ્રિજ ટૂંક સમયમાં શરૂ કરાશે, કાર પુલિંગનો ફિયાસ્કો
અમદાવાદ કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ભવ્ય વર્માના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી.જિલ્લા કલેક્ટરે સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું આચારસંહિતાના અમલના કારણે પડતર રહેલાં માર્ગ અને મકાન વિભાગનાં વિવિધ કામો સત્વરે હાથ ધરવામાં આવે. ધારાસભ્યો દ્વારા અલગ અલગ પડતર પ્રશ્નોને લઈ રજૂઆત
આ બેઠકમાં અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી દ્વારા પીવાના તેમજ સિંચાઈના પાણીના પ્રશ્નો, જંગલ કટીંગ, કેનાલમાંથી કાંપ કાઢી તેને ઊંડી કરવી, વરસાદી પાણીનો નિકાલ, કિસાન સન્માન નિધિ, ગૌચરની જમીન, તળાવના પાણીના પ્રશ્નો, ડેટા એન્ટ્રી, ગટરના પ્રશ્નો, હાઈવે આસપાસનાં દબાણો દૂર કરવા, રેલવે સ્ટોપેજ સહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. મકરબા બ્રિજ ટૂંક સમયમાં વાહનો માટે ખુલ્લો મૂકાશે
અમદાવાદ શહેર અંતર્ગત આવતી વેજલપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય અમિત ઠાકર દ્વારા તેમના વિસ્તારમાં રાશનની ઓફિસની કામગીરીનો અહેવાલ માંગવામાં આવ્યો હતો. જેમાં ઓફિસનું ભૂમિ પૂજન થઈ ચૂક્યું છે તેમજ ટેન્ડર પાસ થઈ ચૂક્યું હોવાની માહિતી મળી હતી. તેમના વિસ્તારમાં નવી પોસ્ટ ઓફિસ માટે જગ્યા મેળવવા માંગ કરવામાં આવી છે. સરખેજ ગામની સંવેદનશીલ ટાઉન પ્લાનિંગ સ્કીમ ઝડપથી પૂરી કરવા જાણ કરવામાં આવી છે. મહમ્મદપુરાનું સ્મશાનનું કામ પૂર્ણ કરવા જણાવાયું છે. મકરબાના બ્રિજની કામગીરી પૂર્ણતાના આરે છે, આ બ્રિજ મકરબા ગામને કોર્પોરેટ રોડ સાથે જોડશે. કામગીરીનો રેકોર્ડ રહે તે માટે એપ બનાવવાની રજૂઆત
ધારાસભ્ય અમિત ઠાકરે એક મહત્વપૂર્ણ રજૂઆત કરી હતી કે સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્યો દ્વારા જે કામગીરીના પ્રશ્નો રજૂ કરવામાં આવે છે. તે કામગીરી જે અધિકારીઓ કરતા હોય તેમની પાસેથી જ સીધું ફોલોઅપ લઈ શકાય તે માટે એક એપ બનાવવામાં આવે. જેનાથી કામગીરીનો ટ્રેક રેકોર્ડ રાખી શકાય. આ સંદર્ભે જિલ્લા કલેકટરે હકારાત્મક અભિપ્રાય દાખવ્યો હતો. નારણપુરાના ધારાસભ્ય જીતેન્દ્ર પટેલ દ્વારા પ્રોપર્ટી કાર્ડની ટેકનીકલ બાબતોમાં સુધારો કરવા અને તેમના વિસ્તારમાં રી ડેવલપમેન્ટ ની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં રાજ્યસભા સાંસદ નરહરિ અમીન, ધારાસભ્યો કિરીટસિંહ ડાભી, કાળુભાઈ ડાભી, બાબુભાઈ પટેલ, કનુભાઈ પટેલ, અમિત ઠાકર, પાયલ કુકરાણી, જીતુભાઈ પટેલ, અમૂલ ભટ્ટ, હર્ષદ પટેલ, અમિત શાહ, દિનેશસિંહ કુશવાહ, જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, જિલ્લા પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ, અમદાવાદ શહેરના પોલીસ અધિકારીઓ, નિવાસી અધિક કલેક્ટર ભાવિન સાગર સહિત સંકલનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કાર પુલિંગનો અભિગમ કેળવવા જે અપીલ કરી છે. તેનો સંકલન સમિતિની બેઠકમાં છેદ ઊડતો જોવા મળ્યો હતો. ધારાસભ્યો અને અધિકારીઓ પોતાની અપાયેલી સરકારી ગાડીમાં આવ્યા હતા. ધારાસભ્યો સાથે તેમના પર્સનલ આસિસ્ટન્ટ, ડ્રાઈવર અને સુરક્ષા કર્મીઓ જોવા મળ્યા હતા.
Read Original Article →