ભણવાની ઉંમરે મજૂરીકામ કરાવ્યું:મેડિકલ વેસ્ટના ગોડાઉનમાં 9થી 14 વર્ષના બાળકો મજૂરી કરતા મળી આવ્યા, હાથ પગમાં ચીરા પડી ગયા

Gujarat5/20/2026, 8:28:13 AM
ભણવાની ઉંમરે મજૂરીકામ કરાવ્યું:મેડિકલ વેસ્ટના ગોડાઉનમાં 9થી 14 વર્ષના બાળકો મજૂરી કરતા મળી આવ્યા, હાથ પગમાં ચીરા પડી ગયા
અમદાવાદ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલ અને એસોસિએશન ફોર વોલેન્ટરી એક્શનની ટીમ દ્વારા શહેરના નારોલ વિસ્તારમાં તલાવડી પાસે આવેલા વણઝરવાસમાં મેડિકલ વેસ્ટના ગોડાઉનમાં દરોડો પાડી સાત જેટલા નાના બાળકોને બાળમજૂરીમાંથી મુક્ત કરાવવામાં આવ્યા છે. છેલ્લા બે વર્ષથી બાળકો પાસે બાળ મજુરી કરાવવામાં આવતી હતી. દર્દીઓ માટે ઉપયોગ કરવામાં આવેલા ઇન્જેક્શનની સીરીઝ અને દવાની બોટલો સહિતનો મેડિકલ વેસ્ટ અલગ કરાવવાનું કામ બાળકો પાસે કરાવવામાં આવતું હતું. જેના કારણે થઈને બાળકોના હાથમાં અને પગમાં ચીરા પણ પડી ગયેલા જોવા મળ્યા હતા. તમામ બાળકોને ઓઢવ ખાતે નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપવામાં આવ્યા છે અને બાળમજૂરી કરાવનાર શખ્સ વિરુદ્ધ નારોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. મેડીકલ વેસ્ટમાંથી બોટલ અને સિરિન્જ દૂર કરવા બાળકોને કામે લગાવ્યા મળતી માહિતી મુજબ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલની ટીમને માહિતી મળી હતી કે નારોલ વિસ્તારમાં તલાવડી પાસે આવેલા વણઝારવાસમાં મેડિકલ વેસ્ટ જેમાં સિરીન્જ અને દવાઓની સીસીઓ વગેરે દૂર કરવા માટે બાળકો પાસે બાળ મજૂરી કરાવવામાં આવી રહી છે. જેના આધારે એસોસિએશન ફોર વોલેન્ટરી એક્શનની ટીમને પણ જાણ કરવામાં આવી હતી. જેથી શીતલબેન પ્રદીપ તેમની સાથે નારોલ ખાતે આવેલા વણઝરવાસના મેડિકલ વેસ્ટ ગોડાઉનમાં પહોંચ્યા હતા. ગોડાઉનમાં જ્યારે પહોંચ્યા ત્યારે પોલીસ અને એસોસિએશનના માણસો બાળકોને બાળ મજૂરી કરતા જોઈને ચોકી ઉઠ્યા હતા. દવાની બોટલનો બુચ ખોલતા અને રિંગ કાઢતા મેડિકલ વેસ્ટનું ગોડાઉન આવેલું હતું. જેમાં અનેક ઇન્જેક્શનની સિરિન્જ અને દવાની બોટલો મળી આવી હતી. જેમાં બાળકો દવાની બોટલ ઉપર જે બુચ આવેલું છે અને તેની ઉપરની એલ્યુમિનિયમની રીંગ કાઢવાનું કામ કરતા હતા. દવાની જે કાચની ઇન્જેક્શન ની સીરીઝ અને શીશીઓ આવતી હતી તે તમામને તોડવાનું અને કાચનો ભૂકો કરવાનું કામ કરતા હતા. સાત જેટલા નાના બાળકો મળી આવ્યા હતા. જે તમામ બાળકોની પૂછપરછ કરતા નારોલના વણઝરવાસમાં બાળકો રહેતા હતા અને તેમની ઉંમર 9 વર્ષથી લઈને 14 વર્ષની હતી. બાળકોની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે છેલ્લા બે વર્ષથી તેઓ અહીંયા કામ કરે છે અને એક કિલો બોટલ તોડવાના તેમને 17 રૂપિયા આપવામાં આવે છે. ચાર સગા ભાઈ-બહેન મળી આવ્યા ચાર જેટલા સગા ભાઈ બહેન પણ જેમની ઉંમર 9થી 14 વર્ષની આસપાસ છે તેઓ પણ અહીંયા કામ કરતા મળી આવ્યા હતા દિવસના આશરે 20 કિલો જેટલું કામ નાના બાળકો કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. બાળકો દિવસ દરમિયાન સવારે 10:00 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી કામ કરતા હતા. તમામ બાળકોના હાથમાં જોતા હાથ પગ અને પંજામાં ચીરા પડી ગયેલા જોવા મળ્યા હતા. પોલીસે ગોડાઉનના માલિક અને સંચાલક અંગે પૂછપરછ કરતા ફિરોજભાઈ નામનો વ્યક્તિ બાળ મજુરી કરાવતો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ અને એસોસિએશન ફોર વોલન્ટરી એક્શનના શીતલ પ્રદીપ દ્વારા તમામ બાળકોનો કબજો બાળ સમિતિના ચેરમેનની ટેલીફોનિક મંજૂરી મેળવીને તમામને ઓઢવ ખાતે આવેલા નારી સંરક્ષણ ગૃહ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલ દ્વારા નારોલ પોલીસ સ્ટેશનમાં ફિરોજભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપવા તજવીજ હાથ ધરી છે.
Read Original Article →