મેયર-ડેપ્યુટી મેયર માટે ફોર્મ 25 મે સુધી જમા કરાવી શકાશે:26મીએ પદાધિકારીઓની જાહેરાત થશે, હોદ્દેદારોની નિમણૂક માટે આજે એજન્ડા બહાર પાડી દેવાયો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામોના 28 દિવસ બાદ મેયર સહિતના પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવનાર છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સેક્રેટરી દ્વારા સત્તાવાર રીતે 26 મેના રોજ સવારે 11 વાગ્યે કોર્પોરેશનના મહાત્મા ગાંધી હોલમાં મેયર, ડેપ્યુટી મેયરની ચૂંટણી તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત 12 સભ્યો અને ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન સહિત 8 સભ્યોની નિમણૂક માટે એજન્ડા બહાર પાડી દેવામાં આવ્યો છે. ચૂંટણીના ઉમેદવારી ફોર્મ 25 મે સુધીમાં ઓફિસ સમય દરમ્યાન સેક્રેટરી ઓફિસમાંથી મેળવી લેવા જણાવવામાં આવ્યું છે. આજે 20 મેએ સત્તાવાર એજન્ડા બહાર પડ્યો
મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી માટે સામાન્ય સભા બોલાવવા સેક્રેટરીને સૂચના આપ્યા બાદ આજે 20 મેના રોજ સત્તાવાર રીતે એજન્ડા બહાર પાડી દેવામાં આવ્યો છે. 26 મેના રોજ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રથમ સભા 11 વાગ્યે કોર્પોરેશનની મુખ્ય ઓફિસના મહાત્મા ગાંધી હોલમાં મળશે. જેમાં મેયર માટે ચૂંટણી કરવામાં આવશે રોસ્ટર શિડયુલ મુજબ પછાત વર્ગના મેયરની નિમણૂક કરવામાં આવનાર છે. ડેપ્યુટી મેયરની પણ ચૂંટણી કરવામાં આવશે. 25 મે સુધી ફોર્મ જમા કરાવવાના રહેશે
જે પણ કોર્પોરેટર ઉમેદવારી કરવા ઇચ્છતા હોય તો પોતાના ઉમેદવારી પત્ર યોગ્ય રીતે ભરી અને પ્રમુખ સત્તા અધિકારી દ્વારા સામાન્ય સભામાં જાહેરાત કર્યા બાદ 15 મિનિટમાં આપવાનું રહેશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત 12 સભ્યોની નિમણૂક કરવામાં આવશે. જેના માટેના ફોર્મ પણ મ્યુનિસિપલ કોર્પોરેશનની સેક્રેટરી ઓફિસ ખાતેથી કોર્પોરેટર દ્વારા મેળવી લેવાના રહેશે. 25 મેના રોજ સાંજે 5:00 વાગ્યા સુધીમાં સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોના ફોર્મ જમા કરાવવાના રહેશે. AMTS કમિટીના ચેરમેન અને સભ્યોની પણ નિમણૂક કરવામાં આવનાર છે. જેથી આગામી દિવસોમાં ભાજપના કોર્પોરેટરો દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા કરવામાં આવશે.
Read Original Article →