Live Updates

ગુગલ મેપની મદદથી ટ્રાફિક પોલીસને રિયલ ટાઈમ ડેટા મળશે:SG હાઈવે, SP રીંગ રોડ, નારોલ, નરોડા સહિત 13 મુખ્ય રસ્તા પર ટ્રાફિક કે પાણી ભરાશે તો મિનિટોમાં ખબર પડી જશે

Gujarat5/21/2026, 12:35:00 AM
ગુગલ મેપની મદદથી ટ્રાફિક પોલીસને રિયલ ટાઈમ ડેટા મળશે:SG હાઈવે, SP રીંગ રોડ, નારોલ, નરોડા સહિત 13 મુખ્ય રસ્તા પર ટ્રાફિક કે પાણી ભરાશે તો મિનિટોમાં ખબર પડી જશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા Google Mapsના 'Road Management Insights (RMI)' નામના અદ્યતન ટ્રાફિક ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રોડ ઉપર વધતા જતા ટ્રાફિક માટે ટ્રાફિક મેનેજમેન્ટ અને ભવિષ્યના માર્ગ આયોજન માટે લાઇવ ટ્રાફિક ડેટા તથા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ટેક્નોલોજીનો ઉપયોગ કરવામા આવશે. ટ્રાફિકની સ્થિતિની લાઈવ માહિતી મળશે આ પ્રોજેક્ટ અંતર્ગત શહેરના પસંદગીના વ્યસ્ત માર્ગો પર ટ્રાફિકની વાસ્તવિક સ્થિતિ અંગે લાઇવ માહિતી પ્રાપ્ત થશે. તેમાં રસ્તા પર કલાકવાર વાહનોની સંખ્યા, વાહનોની ગતિ, ટ્રાવેલ ટાઇમ, અચાનક બ્રેકિંગ થતી જગ્યાઓ તથા અકસ્માત, પાણી ભરાવા, ખાડા અથવા રોડ પર અવરોધ જેવી ઘટનાઓ અંગે રિયલ-ટાઇમ માહિતી ઉપલબ્ધ બનશે. આ તમામ માહિતી Google Mapsમાં રોજિંદા કરોડો યુઝર્સ દ્વારા ઉપયોગમાં લેવાતી અનામી ટ્રાફિક માહિતી પરથી તૈયાર કરવામાં આવશે. આ સમગ્ર સિસ્ટમ માટે શહેરમાં નવા કેમેરા, સેન્સર અથવા અન્ય કોઈ હાર્ડવેર સ્થાપિત કરવાની જરૂર નહીં રહે. Google Maps દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવતી આ માહિતી TraffiCure પ્લેટફોર્મ મારફતે અમદાવાદ શહેરને સરળ અને ઉપયોગી ડેશબોર્ડ, લાઇવ એલર્ટ તથા આયોજન સાધનોના સ્વરૂપમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. ટ્રાફિક વ્યવસ્થાપન વધુ ઝડપી બનશે આ નવી વ્યવસ્થા દ્વારા શહેરને ટ્રાફિક જામ થતી જગ્યાઓ અને તેના મૂળ કારણોની ચોક્કસ ઓળખ કરવામાં મદદ મળશે. ટ્રાફિક જામનું કારણ સિગ્નલ ટાઈમિંગ, પાણી ભરાવા, દબાણ, અકસ્માતનું સ્થળ અથવા અન્ય કોઈ સમસ્યા છે કે નહીં તે સરળતાથી જાણી શકાશે. પરિણામે માત્ર ટ્રાફિક નિયંત્રણ નહીં પરંતુ સમસ્યાના મૂળ કારણોનું અસરકારક નિરાકરણ શક્ય બનશે. ટ્રાફિક પોલીસને પણ આ સિસ્ટમથી મોટી મદદ મળશે. TraffiCure ડેશબોર્ડ મારફતે લાઇવ એલર્ટ મળતા જ ટ્રાફિક પોલીસ તાત્કાલિક અસરથી જરૂરી સ્થળે કર્મચારીઓને મોકલી શકશે, જેના કારણે ટ્રાફિક વ્યવસ્થાપન વધુ ઝડપી અને અસરકારક બનશે. જોખમી જંક્શન પર સુધારો થઈ શકશે આ ઉપરાંત શહેરમાં ભવિષ્યના માર્ગ વિકાસ અને ટ્રાફિક આયોજન માટે AI અને Machine Learning આધારિત સિમ્યુલેશન ટેક્નોલોજીનો પણ ઉપયોગ થશે. નવા ફ્લાયઓવર, રોડ ક્લોઝર અથવા સિગ્નલ ફેરફાર જેવા નિર્ણયોના ટ્રાફિક પર શું પ્રભાવ પડશે તે પહેલાંથી જ ડિજિટલ સિમ્યુલેશન દ્વારા જાણી શકાશે. જેના કારણે ખર્ચ બચત સાથે વધુ વૈજ્ઞાનિક અને અસરકારક આયોજન શક્ય બનશે. રસ્તા સુરક્ષાના ક્ષેત્રે પણ આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ સાબિત થશે. અચાનક બ્રેકિંગ થતી જગ્યાઓ તથા અકસ્માતોની માહિતીના આધારે શહેરના જોખમી જંક્શન અને અકસ્માતપ્રવણ વિસ્તારોની ઓળખ કરીને ત્યાં યોગ્ય સાઇનેજ, રોડ માર્કિંગ, સિગ્નલ અથવા ડિઝાઇન સુધારણા કરી શકાશે. પ્રોજેક્ટની સફળતા બાદ સમગ્ર શહેરમાં અમલી થઈ શકે પાયલોટ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ શહેરને ટ્રાફિક જામ અને અકસ્માતના મુખ્ય હોટસ્પોટ્સની ચોક્કસ યાદી પ્રાપ્ત થશે. સાથે સાથે ટ્રાફિક પોલીસ માટે મિનિટોમાં નિર્ણય લઈ શકાય તેવી લાઇવ સિસ્ટમ ઉપલબ્ધ બનશે અને પસંદગીના માર્ગો પર ટ્રાવેલ ટાઇમ તથા ટ્રાફિક વિલંબમાં ઘટાડો જોવા મળશે. સફળતા મળ્યા બાદ આ મોડલ સમગ્ર અમદાવાદ શહેરમાં અમલમાં મૂકી શકાય તેવી શક્યતા છે. આ પહેલ દ્વારા અમદાવાદ પરંપરાગત ફરિયાદ આધારિત ટ્રાફિક વ્યવસ્થાપનથી આગળ વધી ડેટા આધારિત સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ તરફ આગળ વધી રહ્યું છે.
Read Original Article →