લંડનના સ્ટુડન્ટ વિઝાના નામે ₹10 લાખથી વધુની ઠગાઈ:ક્રિષ્ના ચૌધરીએ ઇન્ટરવ્યૂમાં ફેલ થયા બાદ પણ પૈસા ન આપ્યા, સેટેલાઇટ પોલીસ મથકે ફરિયાદ
શહેરમાં વિઝા અપાવવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શ્યામલ ચાર રસ્તા પાસે આવેલી એક ઇમિગ્રેશન ઓફિસના કર્મચારીએ મહિલાના પુત્રને લંડનના સ્ટુડન્ટ વિઝા અપાવવાના બહાને રૂ. 10 લાખથી વધુની રકમ પડાવી લીધી હતી. નાણાં પરત ન આપીને વિશ્વાસઘાત કરાતાં આખરે પીડિત મહિલાએ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં કર્મચારી વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. વિઝા પ્રોસેસ અને ટ્રેનિંગના નામે વિશ્વાસ જીત્યો
પ્રાપ્ત વિગતો અનુસાર, પાલડી વિસ્તારમાં રહેતા સંગીતાબેન પટેલને તેમના 23 વર્ષના દીકરાને ઉચ્ચ અભ્યાસ માટે લંડન મોકલવો હતો. આ માટે તેમણે શ્યામલ ખાતે આવેલી 'જીપ્સી ઇમિગ્રેશન સર્વિસ'નો સંપર્ક સાધ્યો હતો. ત્યાં કામ કરતા કર્મચારી ક્રિષ્ના ચૌધરીએ વિઝા પ્રક્રિયા શરૂ કરતાં પહેલાં વિદ્યાર્થીને 6 મહિના સુધી તેમની કંપનીમાં જ ટ્રેનિંગ અને અભ્યાસ કરવા જણાવ્યું હતું. આથી સંગીતાબેનનો દીકરો નિયમિત રીતે ત્યાં ક્લાસ લેવા જતો હતો. ઇન્ટરવ્યૂમાં ફેલ થયા બાદ પણ પૈસા ન આપ્યા
6 મહિનાનો અભ્યાસ પૂર્ણ થયા બાદ, કર્મચારી ક્રિષ્ના ચૌધરીએ લંડનની યુનિવર્સિટીમાં એડમિશન મેળવવા અને ફી પેટે રૂ. 10.07 લાખ ભરવા માટે જણાવ્યું હતું. સંગીતાબેને વિશ્વાસ રાખીને ક્રિષ્નાએ આપેલા બેંક એકાઉન્ટમાં રૂ. 10.07 લાખ ઓનલાઇન ટ્રાન્સફર કરી દીધા હતા. નાણાં મેળવ્યા બાદ ક્રિષ્નાએ યુનિવર્સિટી માટે ઓનલાઇન ઇન્ટરવ્યૂ ગોઠવ્યો હતો, પરંતુ સંગીતાબેનનો દીકરો આ ઇન્ટરવ્યૂમાં નાપાસ (ફેલ) થયો હતો. ઇન્ટરવ્યૂમાં અસફળ રહેતાં ક્રિષ્ના ચૌધરીએ નિયમ મુજબ તમામ રકમ પરત કરી દેવાની ખાતરી આપી હતી. જોકે, ત્યારબાદ તે પૈસા ચૂકવવામાં સતત વાયદા કરતો રહ્યો હતો. કર્મચારી નોકરી છોડી ફોન બંધ કરી ફરાર
થોડા સમય બાદ સંગીતાબેનને જાણવા મળ્યું કે ક્રિષ્ના ચૌધરીએ ઇમિગ્રેશન ઓફિસમાંથી નોકરી છોડી દીધી છે અને પોતાનો મોબાઈલ ફોન પણ બંધ કરી દીધો છે. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં સંગીતાબેને સેટેલાઇટ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પોલીસે ક્રિષ્ના ચૌધરી વિરુદ્ધ ગુનો નોંધીને તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Read Original Article →