કરાટે શિક્ષકને 3 વર્ષની સાદી કેદ:ધો.5ની વિદ્યાર્થિનીઓને અશ્લીલ વીડિયો બતાવ્યા હતા, આરોપીના મોબાઈલમાંથી 154 અશ્લીલ સામગ્રી મળી હતી
અમદાવાદના રામોલ પોલીસ મથકે 2023માં નારોલના રહેવાસી અને મૂળ ઉત્તર પ્રદેશના 20 વર્ષથી આરોપી આર્ય દુબે સામે IPC અને POCSO એક્ટની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. જેનો કેસ અમદાવાદ સીટી સેશન્સ કોર્ટ ખાતે આવેલ પોક્સોની વિશેષ અદાલતમાં ચાલી જતા કોર્ટે આરોપીને 3 વર્ષ સાદી કેદની સજા ફટકારી છે. વિદ્યાર્થિનીઓને અશ્લીલ વીડિયો બતાવ્યા હતા
કેસને વિગતે જોતા આરોપી અમદાવાદની એકલવ્ય સ્કૂલમાં કરાટે શિક્ષક તરીકે કામ કરતો હતો. દિવાળી 2023 પહેલાં તેણે કરાટે ક્લાસ દરમિયાન સ્કૂલના ભોંયરામાં ધો. 5ની સગીર બાળકીઓને બોલાવીને પોતાના મોબાઈલ પર અશ્લીલ વીડિયો અને ફોટા બતાવ્યા હતા. આ સાથે જ તેણે છોકરીઓને ધમકી આપી હતી કે જો તેઓ આ વાત બહાર કોઈને અથવા તેમના માતા-પિતાને કહેશે, તો તેમને કરાટે ક્લાસમાં આવવા દેશે નહીં અને કરાટે શીખવશે નહીં. 8 ડિસેમ્બરે રામોલમાં પોલીસ ફરિયાદ નોંધાઈ
એક ભોગ બનનાર બાળકી સતત 5 દિવસથી ગભરાયેલી અને શાંત રહેતી હોવાથી તેની માતાએ પ્રેમથી પૂછપરછ કરતાં બાળકીએ આખી હકીકત જણાવી હતી. ત્યારબાદ અન્ય બાળકીઓના માતા-પિતા સાથે વાત કરીને 8 ડિસેમ્બર, 2023ના રોજ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. કોર્ટ સમક્ષ રજૂ કરાયેલા બોનાફાઈડ સર્ટિફિકેટ્સ અને સ્કૂલના પુરાવાઓ પરથી સાબિત થયું કે ઘટના સમયે બાળકીઓની ઉંમર આશરે 9 વર્ષ અને 7 મહિના જેટલી હતી, જેથી તેઓ પોક્સો કાયદા હેઠળ બાળકની વ્યાખ્યામાં આવે છે. મોબાઈલમાંથી 154 અશ્લીલ સામગ્રી મળી હતી
પ્રોસિક્યુશન દ્વારા ભોગ બનનાર બાળકીઓ અને અન્ય સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. આરોપીના જપ્ત કરાયેલા મોબાઈલને FSL માં તપાસ માટે મોકલવામાં આવ્યો હતો, જેમાં તેની કેચ મેમરીમાંથી 154 જેટલી વાંધાજનક અને અશ્લીલ સામગ્રી મળી આવી હતી. આરોપીના વકીલે દલીલ કરી હતી કે, આ એક ઉપજાવી કાઢેલી વાર્તા છે અને સ્કૂલના CCTVમાં આવી કોઈ ઘટના કેમેરામાં કેદ થઈ નથી. જો કે તપાસ અધિકારીએ સ્પષ્ટ કર્યું હતું કે સમય વીતી જવાથી CCTV ફૂટેજ ઓવરરાઈટ થઈ ગયા હોવાથી ઉપલબ્ધ નહોતા. આરોપીએ જાતીય શોષણ- હેરેસમેન્ટ કર્યું
કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, શિક્ષકની ફરજ બાળકોને સુરક્ષિત રાખવાની અને તેમનું સામાજિક-માનસિક ઘડતર કરવાની હોય છે. આરોપીએ પોતાના પદ અને સત્તાનો દુરુપયોગ કરીને નાની બાળકીઓ પર નકારાત્મક માનસિક અસર કરી છે અને તેમનું જાતીય શોષણ- હેરેસમેન્ટ કર્યું છે. 3 વર્ષ સાદી કેદની સજા અને 24 હજારનો દંડ
આથી કોર્ટે આરોપીને 18 સાહેદ અને 18 પુરાવાઓ તપાસીને 3 વર્ષ સાદી કેદની સજા અને આરોપીને કરેલા દંડમાંથી 24 હજાર રૂપિયા બાળકીઓને માનસિક યાતના અને બહાદુરી બતાવવા અપાયા છે.
Read Original Article →