ચોરીની ઘટના CCTVમાં કેદ:જ્વેલર્સની નજર સામેથી ₹1.50 લાખનું સોનાનું કડું ચોરીને ગઠિયો રફુચક્કર

Gujarat5/20/2026, 5:19:26 AM
ચોરીની ઘટના CCTVમાં કેદ:જ્વેલર્સની નજર સામેથી ₹1.50 લાખનું સોનાનું કડું ચોરીને ગઠિયો રફુચક્કર
અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી એક જ્વેલર્સની શોપમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા એક ગઠિયાએ વેપારીની નજર ચૂકવી ₹1,50,000ની કિંમતનું સોનાનું કડું ચોરી લીધું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. વેપારી દાગીના લેવા અંદર ગયા ત્યારે ડિસ્પ્લેમાં વજન કાંટા પર મૂકેલું કડું લઈને ગઠિયો વેપારીની નજર સામે જ ભાગી છૂટ્યો હતો. ચોરીની આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ મામલે ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધી CCTV ફૂટેજના આધારે ગઠિયાને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે. દાગીના ખરીદવાના બહાને રેકી કરી ગયો મળતી માહિતી મુજબ, ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા કેતનભાઈ પટેલ નામના વેપારી નારણપુરા ટેલિફોન એક્સચેન્જ પાસે 'અંબિકા જ્વેલર્સ' નામે સોના-ચાંદીના દાગીનાની દુકાન ચલાવે છે. તેમની દુકાને એક અજાણ્યો વ્યક્તિ ગ્રાહક બનીને આવ્યો હતો. તેણે સોનાની વીંટી અને ચેન ખરીદવી છે તેમ કહીને દાગીના જોયા હતા અને બંને વસ્તુઓના ભાવ પણ નક્કી કર્યા હતા. ત્યારબાદ તે ગઠિયો 'હું પૈસાની સગવડ કરીને થોડીવારમાં આવું છું' તેમ કહીને ત્યાંથી નીકળી ગયો હતો. બપોરે વેપારીને એકલા જોઈ ફરીથી આવ્યો બપોરના સમયે જ્યારે વેપારી કેતનભાઈ દુકાનમાં એકલા હતા, ત્યારે આ ગઠિયો ફરીથી ત્યાં આવ્યો હતો. તેણે આવીને વેપારીને કહ્યું કે, અગાઉ હું જે ચેન અને વીંટી જોઈ ગયો હતો તે ફરીથી બતાવો. તેણે સોનાનો આજનો ભાવ પૂછતાં વેપારીએ જણાવ્યું કે આજે સોનાનો ભાવ વધી ગયો છે. આ સાંભળી ગઠિયાએ પેંતરો બદલ્યો અને કહ્યું કે, ભાવ વધી ગયો હોવાથી હવે મારે વીંટી નથી લેવી, માત્ર ચેન જ ખરીદવી છે. નજર ચૂકવીને રિપેરિંગનું કડું ચોરી ભાગ્યો વેપારી કેતનભાઈ વીંટીને પાછી ડિસ્પ્લેમાં મૂકીને અંદરથી સોનાની ચેન લેવા માટે વળ્યા, બરાબર તે જ સમયે કાઉન્ટર પર વજન કાંટા પાસે એક અન્ય મહિલા ગ્રાહકનું રિપેરિંગમાં આવેલું 11 ગ્રામનું સોનાનું કડું પડ્યું હતું. વેપારીની નજર ચૂકવીને ગઠિયાએ ઝડપથી એ કડું ઊઠાવ્યું અને દુકાનની બહાર દોડ મૂકી હતી. વેપારીની નજર પડતાં જ તેઓ પણ 'ચોર-ચોર'ની બૂમો પાડતા ગઠિયાની પાછળ દોડ્યા હતા, પરંતુ ગઠિયો ભાગી જવામાં સફળ રહ્યો હતો. વેપારીની ફરિયાદના આધારે ઘાટલોડિયા પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ એકત્રિત કરીને શંકાસ્પદ શખસની શોધખોળ હાથ ધરી છે.
Read Original Article →