અમદાવાદમાં કરોડોના IPL બેટિંગ નેટવર્કનો પર્દાફાશ:ક્રાઈમ બ્રાન્ચ અને SMCએ મોટું નેટવર્ક પકડ્યું, બુકીના દુબઈ સહિતના કનેક્શનની તપાસ તેજ
અમદાવાદમાં IPL સટ્ટાબાજીનું મોટું રેકેટ ઝડપાઈ ગયું છે. ક્રાઇમ બ્રાંચ, એલસીબી અને સ્ટેટ મોનિટરિંગ સેલે ચાંદખેડા, સોલા અને સેટેલાઇટ વિસ્તારમાં એકસાથે દરોડા પાડી અનેક બુકીઓને ઝડપી લીધા છે. સોલાના બ્લોસમ લક્ઝુરિયા ફ્લેટમાંથી ઝડપાયેલા અશ્વિન ઠક્કરના છેડા દુબઈ સુધી જોડાયેલા હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે. બીજી તરફ સેટેલાઇટના લક્ઝુરિયસ ફ્લેટમાંથી દારૂ-બીયર સાથે ત્રણ બુકીઓ ઝડપાતા IPL સટ્ટાના કરોડોના નેટવર્કનો પર્દાફાશ થયો છે. ઓનલાઇન સટ્ટાબાજી ચલાવતા બુકીઓ ઝડપાયા
IPLની દરેક મેચ સાથે કરોડો રૂપિયાનો સટ્ટો રમાતો હોવાની ચર્ચા વચ્ચે શહેર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સોલા, ચાંદખેડા અને સેટેલાઇટ વિસ્તારમાં દરોડા પાડી ઓનલાઇન સટ્ટાબાજી ચલાવતા બુકીઓને ઝડપી લેવામાં આવ્યા છે. સૌથી મોટી કાર્યવાહી સોલા વિસ્તારમાં કરવામાં આવી હતી. જ્યાં ક્રાઇમ બ્રાંચના સબ ઇન્સ્પેક્ટર આર.એલ. ઓડેદરાની ટીમે મંગલદીપ પાર્ટી પ્લોટ પાસે આવેલા બ્લોસમ લક્ઝુરિયા ફ્લેટમાં દરોડો પાડ્યા હતા. જ્યાંથી અશ્વિન ઠક્કરને ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસને બાતમી મળી હતી કે અશ્વિન પોતાના ફ્લેટમાંથી જ IPL મેચ પર ઓનલાઇન સટ્ટો ચલાવી રહ્યો છે અને જુદા જુદા મોબાઇલ ફોન મારફતે ગ્રાહકો સાથે સોદા કરતો હતો. અશ્વિન ઠક્કરના સંપર્ક દુબઈ સુધી હોવાની શંકા
દરોડા દરમિયાન પોલીસને અનેક મોબાઇલ ફોન અને સટ્ટા સંબંધિત ડેટા મળ્યો હતો. તપાસમાં સામે આવ્યું કે અશ્વિન માત્ર સ્થાનિક સ્તરે નહીં પરંતુ મોટા નેટવર્ક સાથે જોડાયેલો હતો અને તેના સંપર્કો દુબઈ સુધી પહોંચતા હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે મોબાઇલ ડેટા અને ચેટ્સના આધારે આ એંગલ પર તપાસ શરૂ કરી છે. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે તેણે નિર્ણયનગરનો દિલીપ પંચાલ, સામખ્યારીનો ઘનશ્યામ ઠક્કર, પાલડીનો રોહિત શાહ અને ડીસાનો જીતુ ઠક્કરને ઓનલાઇન સટ્ટો ચલાવવા માટે માસ્ટર આઇડી અને પાસવર્ડ આપ્યા હોવાનું સામે આવ્યું છે. આ તમામ આરોપીઓને હાલ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ચાંદખેડામાંથી LCB ઝોન-2એ એકને ઝડપ્યો
તો બીજી તરફ ચાંદખેડા વિસ્તારમાં એલસીબી ઝોન-2 સ્ક્વોડે સત્યમેવ હોસ્પિટલ પાસે આવેલા કબીર પાન પાર્લર બહારથી એક બુકીને રંગેહાથ ઝડપી લીધો હતો. જાહેરમાં ઉભા રહી મોબાઇલ પર IPL સટ્ટો ચલાવતા રૂપેન કીર્તિકુમાર લાખાણીની ધરપકડ કરવામાં આવી હતી. મૂળ દ્વારકાના ભાણવડનો રહેવાસી અને હાલ ઝુંડાલ ખાતે રહેતો રૂપેન મોબાઇલ મારફતે ગ્રાહકો પાસેથી સટ્ટો સ્વીકારતો હતો. પૂછપરછ દરમિયાન તેણે રાકેશ નામના બુકી પાસેથી ઓનલાઇન આઇડી અને પાસવર્ડ મેળવ્યા હોવાનું સ્વીકાર્યું હતું. પોલીસ હવે રાકેશ સુધી પહોંચવા માટે ટેક્નિકલ સર્વેલન્સ અને કોલ ડિટેઇલ્સના આધારે તપાસ હાથ ધરી છે. સેટેલાઈટમાંથી હોટેલના માલિક સહિત 3 ઝડપાયા
તો સેટેલાઇટ વિસ્તારમાં થયેલી કાર્યવાહી પણ એટલી જ ચોંકાવનારી રહી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલને મળેલી બાતમીના આધારે ઇસ્કોન ક્રોસ રોડ પાસે આવેલા મારૂતિ સેલેડ્રોન ફ્લેટમાં દરોડો પાડવામાં આવ્યો હતો. અહીંથી રાજકોટના હોટલ માલિક દિવ્યરાજસિંહ ઝાલા, અમદાવાદના ધવલ પંડ્યા અને સુરતના ઘનશ્યામ કાનાણીને ઝડપી લેવામાં આવ્યા હતા. ફ્લેટમાંથી સાત મોબાઇલ ફોન ઉપરાંત દારૂની 17 બોટલ અને બિયરની 9 બોટલ પણ મળી આવી હતી. IPL દરમિયાન અમદાવાદમાંથી કરોડો રૂપિયાનું ઓનલાઇન બેટિંગ ઓપરેટ થઈ રહ્યું છે અને તેમાં રાજ્ય બહાર તેમજ વિદેશી કનેક્શન પણ હોઈ શકે છે. બે વિદેશી નાગરિક ગેરકાયદે રહેતા હોવાનો ભાંડો ફૂટ્યો
બોપલ વિસ્તારમાં એનડીપીએસ ગુનાની તપાસ દરમિયાન બે વિદેશી નાગરિકોના ગેરકાયદે રીતે ભારતમાં રહેતા હોવાનો ભાંડો ફૂટ્યો છે. બોપલ પોલીસ દ્વારા ચાલી રહેલી તપાસ દરમિયાન વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલા શાંતિગ્રામમાં રહેતા બે શંકાસ્પદ વિદેશી નાગરિકોની પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા પાસપોર્ટ અને વિઝા દસ્તાવેજોની ચકાસણી કરતા બંનેના વિઝાની સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં તેઓ સ્થાનિક પોલીસ કે ફોરેનર્સ રીજિયોનલ રજીસ્ટ્રેશન ઓફિસને જાણ કર્યા વગર ભારતમાં જ રહેતા હોવાનું સામે આવ્યું હતું. જેમાં તાન્ઝાનિયાનો નાગરિક મોહમદ ઉર્ફે રીક અબદી ઓમારનો સમાવેશ થાય છે. જે 12 ડિસેમ્બર 2022થી 19 સપ્ટેમ્બર 2025 સુધીના મેડિકલ વિઝા પર ભારતમાં આવ્યો હતો. જ્યારે કેન્યાની નાગરિક મહિલા મેરસી ઉર્ફે સાંડ્રા એડમ્બા ઇગ્ડવા ઇ-ટૂરિસ્ટ વિઝા પર ભારતમાં આવી હતી. બંને અગાઉ એનડીપીએસ ગુનામાં સંડોવાયેલા હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે. બોપલ પોલીસે બંને સામે ફોરેનર્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે અને તેઓ કોઈ રાષ્ટ્રવિરોધી અથવા અન્ય શંકાસ્પદ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે કે નહીં તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે.
Read Original Article →