પતિને 660 દિવસની જેલની સજા યથાવત રાખતી હાઇકોર્ટ:પત્ની અને બાળકોનું 66 મહિનાનું 3.97 લાખનું ભરણપોષણ ચઢ્યું હતું

Gujarat4/9/2026, 4:24:23 PM
પતિને 660 દિવસની જેલની સજા યથાવત રાખતી હાઇકોર્ટ:પત્ની અને બાળકોનું 66 મહિનાનું 3.97 લાખનું ભરણપોષણ ચઢ્યું હતું
પત્નીને ભરણપોષણ ન આપવા બદલ પતિને 660 દિવસની જેલની સજા અમદાવાદ ફેમિલી કોર્ટ દ્વારા આપવામાં આવી હતી. જેને હાઈકોર્ટે પણ યથાવત રાખી છે. એક પતિને તેની પત્ની અને બે બાળકોને ભરણપોષણ પેટે 3.97 લાખ રૂપિયા ચૂકવવામાં નિષ્ફળ રહેવા બદલ 660 દિવસની જેલની સજા ફટકારવાના ફેમિલી કોર્ટના આદેશને હાઇકોર્ટે માન્ય રાખ્યો છે. આ મામલે પતિ દ્વારા ફેમિલી કોર્ટના આદેશને પડકારવામાં આવ્યો હતો. જે અરજી હાઇકોર્ટે રદ્દ કરી છે, હાઇકોર્ટે અવલોકન કર્યું છે કે ફેમિલી કોર્ટે આદેશ પસાર કરતી વખતે યોગ્ય કારણો આપ્યા છે અને તેથી સમવર્તી તારણોમાં દખલગીરી માટે કોઈ કેસ બનતો નથી. પતિને લાદવામાં આવેલી જેલની સજા અપ્રમાણસર નહોતી હાઇકોર્ટે વધુમાં અવલોકન કર્યું કે, પતિને લાદવામાં આવેલી જેલની સજા અપ્રમાણસર નહોતી. કારણ કે પુરુષે ભરણપોષણનો બાકીનો ખર્ચ ચૂકવવામાં નિષ્ફળ રહેવા બદલ દરેક મહિના માટે દસ દિવસનો સમય હતો. કોર્ટે નોંધ્યું હતું કે ડિફોલ્ટ 66 મહિનાનો હોવાથી, સેટ-ઓફનો લાભ આપ્યા પછી કુલ 660 દિવસની સજા ફટકારવામાં આવી હતી. ઉપરોક્ત હકીકતોને ધ્યાનમાં લેતા ડિફોલ્ટના દરેક મહિના માટે દસ દિવસની સજા અપ્રમાણસર કહી શકાય નહીં. અરજદારે પોતે શરણાગતિ સ્વીકારી હતી અને પોતાની જવાબદારી અને ચૂકવણી કરવામાં અસમર્થતા સ્વીકારી હતી. તેથી ફેમિલી કોર્ટ દ્વારા કોઈ અનિયમિતતા કરવામાં આવી નથી અને રિવિઝનલ અધિકારક્ષેત્રમાં દખલગીરી માટે કોઈ કેસ બનાવવામાં આવતો નથી. પત્નીએ ભરણપોષણ મેળવવા કોર્ટનો સંપર્ક કર્યો હતો માર્ચ 2002 માં પતિ-પત્નીના લગ્ન થયા હતા. જેનાથી દંપતીને બે બાળકો હતા. પતિના મતે તેમનો સંબંધ ધીમે ધીમે બગડતા ગયા હતા અને પત્ની ઓગસ્ટ 2007 માં ઘર છોડી ગઈ હતી. અલગ થયા પછી પત્નીએ Crpc ની કલમ 125 હેઠળ ભરણપોષણ મેળવવા માટે કોર્ટનો સંપર્ક કર્યો હતો. મે 2013 માં, ફેમિલી કોર્ટે તેની અરજીને આંશિક રીતે મંજૂર કરી અને પતિને પત્નીને દર મહિને 2,500 રૂપિયા એક બાળકને 2,000 અને બીજા બાળકને 1,500 રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો. સાથે જ કેસનો ખર્ચ પણ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. ભરણપોષણની બાકી રકમ લગભગ ₹3.97 લાખ ત્યારબાદ પત્ની અને બાળકોએ કલમ 125(3) CrPC હેઠળ વસૂલાતની કાર્યવાહી શરૂ કરી હતી. તે તબક્કે ભરણપોષણની બાકી રકમ લગભગ ₹3.97 લાખ થઈ ગઈ હતી. આ રકમની વસૂલાતની કાર્યવાહી દરમિયાન પતિ સ્વેચ્છાએ ફેમિલી કોર્ટ સમક્ષ હાજર થયો બકો અને સ્વીકાર્યું હતું કે રકમ બાકી છે. તેણે એમ પણ કહ્યું કે તેની પાસે કોઈ મિલકત નથી અને તે જરૂરી રકમ ચૂકવવામાં અસમર્થ છે. તેણે કોર્ટને ઓછી સજા ફટકારવા માટે વિનંતી કરી. ફેમિલી કોર્ટે તેનું નિવેદન નોંધ્યું અને ખાતરી કરી કે તે ભરણપોષણ ચૂકવવામાં નિષ્ફળ રહેવાના કાનૂની પરિણામોને સમજે છે. ત્યારબાદ કોર્ટે દરેક મહિનાના ડિફોલ્ટ માટે દસ દિવસની સાદી કેદની સજા ફટકારી હતી. ડિફોલ્ટ 66 મહિનાથી વધુ લંબાયો હોવાથી કુલ સજા 660 દિવસ થઈ હતી.
Read Original Article →