અરવલ્લી-બનાસકાંઠામાં કાળા વાદળો ઘેરાયા, ચોમાસા જેવો માહોલ:ચાર દિવસ અસહ્ય અકળામણની ચેતવણી; લોકોએ કહ્યું– ‘ઘર તપેલા રહે છે, AC કામ નથી કરી રહ્યાં, હાર્ટ ફેલ થઈ જશે!’
રાજ્યમાં ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે, જેના કારણે વિવિધ સાત શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. અમદાવાદ 43°C મહત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું છે. જ્યારે ગાંધીનગર અને રાજકોટમાં 42.5°C તેમજ સુરેન્દ્રનગરમાં 42.3°C મહત્તમ તાપમાન નોંધાયું છે. મે મહિનાની આકરી ગરમી અને અસહ્ય બફારાના કારણે લોકોને રાત્રિના સમયે પણ રાહત મળી રહી નથી. ઉકળાટભર્યા વાતાવરણને લીધે વડીલો (સિનિયર સિટીઝન્સ)ના સ્વાસ્થ્ય પર જોખમ વધ્યું છે અને હાર્ટ ફેલિયર જેવી ગંભીર સ્થિતિ સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. રાત્રિના સમયે પવન સાવ ઠપ થઈ જતાં (ઝાડનું એક પણ પાન ન હલવાના કારણે) સોસાયટીઓમાં લોકોને ઘરની બહાર પંખો લગાવીને બેસવાની નોબત આવી છે. કાળઝાળ ગરમીને લીધે ઘરો પણ 'તપેલા' જેવા થઈ ગયા છે, જેના કારણે એસીની અસર પણ અડધી થઈ ગઈ હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી ચાર દિવસ સુધી લોકોને આવી જ અસહ્ય અકળામણ અને ગરમીનો સામનો કરવો પડશે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજવાળા પવનો ફૂંકાવાના કારણે ભારે ડિસ્કમ્ફર્ટ (અકળામણ) અનુભવાશે અને રાજ્યભરમાં રાત્રે પણ બફારો યથાવત રહેશે. જો કે, આ દિવસોમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેશે, પરંતુ ગરમી અને ભેજનું ઊંચું પ્રમાણ સામાન્ય જનજીવનને પ્રભાવિત કરતું રહેશે. બીજી તરફ, વહેલી સવારથી અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. અહીંના ગ્રામ્ય પંથકોમાં કાળાડિબાંગ વાદળો ઘેરાતાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ઉનાળાની સીઝનમાં અચાનક વરસાદી વાતાવરણ બનવાના કારણે ખેડૂતોની ચિંતામાં ભારે વધારો થયો છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોની સ્થિતિ
અમદાવાદ શહેરમાં ગરમીનો પ્રકોપ યથાવત છે, જ્યાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1.1 ડિગ્રી વધુ એટલે કે 43.0°C નોંધાયું છે. જ્યારે લઘુત્તમ તાપમાન 28.4°C રહ્યું છે. શહેરમાં સવારે હવામાં ભેજનું પ્રમાણ 63% અને સાંજે 27% નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી દિવસોમાં પણ અમદાવાદ શહેરમાં આકાશ મુખ્યત્વે ચોખ્ખું રહેશે અને મહત્તમ તાપમાન 43°Cની આસપાસ જ રહેવાની શક્યતા છે. વડોદરામાં ગરમીથી રાત્રે પણ રાહત નહીં, જનજીવન પ્રભાવિત
બીજી તરફ, વડોદરા શહેરમાં મહત્તમ તાપમાન 40.4°C નોંધાવાની સાથે-સાથે લઘુત્તમ (રાત્રિનું) તાપમાન પણ 30.6°C જેટલું ઊંચું નોંધાયું છે. રાત્રિના તાપમાનમાં થયેલા આ અસાધારણ વધારાને કારણે લોકોને રાત્રે પણ અસહ્ય બફારા અને ઉકળાટમાંથી મુક્તિ મળી રહી નથી. કાળઝાળ ગરમીને લીધે ઘરો પણ 'તપેલા' જેવા ભાસી રહ્યા છે, જેને કારણે સામાન્ય જનજીવન ભારે પ્રભાવિત થયું છે. વડીલો પંખા વિના બેસે તો હાર્ટ ફેલ પણ થઈ શકે: હરેશભાઈ
વડોદરાના વડસર રોડ પર આવેલી વલ્લભ રેસિડેન્સીમાં રહેતા સ્થાનિક રહીશ હરેશભાઈ કનાડાએ ગંભીર ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, છેલ્લા 3 દિવસથી અસહ્ય ગરમી પડી રહી છે. સ્થિતિ એટલી ખરાબ છે કે રાત્રિના સમયે પણ લોકોએ સોસાયટીમાં ઘરની બહાર પંખો લગાવીને બેસવું પડે છે, કારણ કે પવન સાવ ઠપ થઈ જતાં ઝાડનું એક પણ પાન હલતું નથી. જો સિનિયર સિટીઝન્સ પંખાની ઠંડક વિના બેસે, તો કદાચ તેમને હાર્ટ ફેલિયર જેવી ગંભીર સ્થિતિનો સામનો કરવો પડી શકે છે. હાલ હોસ્પિટલોમાં પણ નાના બાળકો અને વૃદ્ધોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. આ ગંભીર પરિસ્થિતિને જોતાં અત્યારે વડીલો, બાળકો તેમજ યુવા પેઢીએ પણ બપોરના સમયે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું જોઈએ. ઘરો તપેલા જેવા ભાસે છે, ACની અસર પણ અડધી થઈ ગઈ: કમલેશભાઈ
તે જ વિસ્તારના અન્ય એક રહીશ કમલેશભાઈ બ્રહ્મભટ્ટે ગરમીની ગ્રાઉન્ડ રિયાલિટી વિશે વાત કરતાં કહ્યું કે, સખત ઉનાળાને કારણે ઘરો પણ જાણે તપેલાની જેમ ધગી રહ્યા છે. અતિશય ગરમીને લીધે ઘણીવાર ઘરોમાં ACની અસર પણ અડધી થઈ ગઈ હોય તેવો અહેસાસ થાય છે. આ કાળઝાળ ગરમીમાં ઘરમાં રહેવું પણ મુશ્કેલ બન્યું છે અને બહાર પણ ગરમ લૂ (પવન) ફૂંકાઈ રહી છે. બપોરે ડામરના રોડ-રસ્તા એટલા તપી જાય છે કે વાહનચાલકો આકુળ-વ્યાકુળ થઈ જાય છે. દિન-પ્રતિદિન વાહનોના કારણે વધતું પ્રદૂષણ જ ગરમીમાં આ અસાધારણ વધારા માટે જવાબદાર છે. જો લોકો સમજીને વાહનોનો જરૂર પૂરતો જ ઉપયોગ કરે, તો પર્યાવરણમાં થોડો સુધારો થઈ શકે છે. ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો, જગતનો તાત ચિંતિત
વહેલી સવારથી જ અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. બનાસકાંઠાના પાલનપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું છે. ઉનાળાની સીઝનમાં કમોસમી વરસાદની આશંકા સેવાતાં જ ખેડૂતોની ચિંતામાં ભારે વધારો થયો છે. હાલ ખેતરોમાં ઊભા રહેલા શક્કરટેટી, બાજરી અને મગફળી સહિતના ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ છે. સમગ્ર પંથકમાં હાલ ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ, અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી અને ભિલોડા તાલુકા સહિતના આસપાસના વિસ્તારોમાં પણ હવામાન બદલાયું છે. સવારથી જ આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા છે. અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે અચાનક વાતાવરણ પલટાતાં સ્થાનિક લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે. વામાન વિભાગની આગાહી: દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે અકળામણ થશે
હવામાન વિભાગે આગામી 4 દિવસ (25 મેથી 28 મે) માટે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં 'હોટ એન્ડ હ્યુમિડ એર' (ગરમ અને ભેજવાળું વાતાવરણ)ની ચેતવણી જાહેર કરી છે. આ ભેજવાળા પવનોને કારણે સ્થાનિક લોકોને અસહ્ય અકળામણ અને ગરમીનો સામનો કરવો પડશે. જોકે, આગામી 4 દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી, પરંતુ ત્યારપછીના દિવસોમાં તાપમાનમાં 2થી 3°Cનો ધીમો ઘટાડો થઈ શકે છે. મધ્ય પ્રદેશ અને પાકિસ્તાન તરફ સક્રિય થયેલા વેધર ડિસ્ટર્બન્સની અસર આગામી દિવસોમાં જોવા મળી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવનને કારણે ભારે ડિસ્કમ્ફર્ટ (અકળામણ) અનુભવાશે. આ વિસ્તારોમાં પવન દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશા તરફ ફૂંકાશે અને દરિયામાં તેની ગતિ 25થી 35 નોટ્સ (Knots) સુધી પહોંચી શકે છે. જોકે, આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40°Cથી વધુ જ રહેશે અને ગુજરાતના તમામ જિલ્લાઓ, દીવ, દમણ તેમજ દાદરા નગર હવેલીમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના છે. ચોમાસું અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અપડેટ
દક્ષિણ-પશ્ચિમ ચોમાસું (Southwest Monsoon) હાલમાં માલદીવ અને કોમોરિન વિસ્તારના કેટલાક ભાગો, દક્ષિણ બંગાળની ખાડીના વધુ વિસ્તારો, નિકોબાર ટાપુઓ અને દક્ષિણ આંદામાન સમુદ્ર તરફ આગળ વધી રહ્યું છે. આગામી 2-3 દિવસમાં તે આંદામાન સમુદ્ર, આંદામાન ટાપુઓ અને બંગાળની ખાડીના બાકીના ભાગોમાં આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. જોકે, હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર, આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં વરસાદની કોઈ ખાસ આગાહી નથી અને હાલ રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી પણ નહિવત છે. આ ઉપરાંત, પંજાબથી પશ્ચિમ પાકિસ્તાન અને ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર સુધી 1.5 કિલોમીટરની ઊંચાઈએ એક ટ્રફ (Weather Trough) સર્જાયેલો છે, જે 28 મે, 2026થી ઉત્તર-પશ્ચિમ ભારતને અસર કરે તેવી શક્યતા સેવાઈ રહી છે.
Read Original Article →