ગુજરાત આજે પણ અગનગોળો- અસહ્ય ઉકળાટ:સાત શહેરોનું તાપમાન 41 ડિગ્રીને પાર, અમદાવાદમાં હાઈએસ્ટ 42.2 ડિગ્રી તાપમાન; દેશમાં આજથી નવતપાની શરૂઆત

Gujarat5/25/2026, 5:07:30 AM
ગુજરાત આજે પણ અગનગોળો- અસહ્ય ઉકળાટ:સાત શહેરોનું તાપમાન 41 ડિગ્રીને પાર, અમદાવાદમાં હાઈએસ્ટ 42.2 ડિગ્રી તાપમાન; દેશમાં આજથી નવતપાની શરૂઆત
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત્ જોવા મળી રહ્યો છે. રવિવારે સાત શહેરનું મહત્તમ તાપમાન 41 ડિગ્રીથી વધુ રહ્યું. અમદાવાદમાં સૌથી વધુ 42.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જેના કારણે લોકોને ભારે ઉકળાટનો સામનો કરવો પડી રહ્યો છે. ગરમીના કારણે લોકો બપોરના સમયે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, સમગ્ર ગુજરાત રાજ્ય, સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં આગામી 7 દિવસ સુધી હવામાન સંપૂર્ણપણે સૂકું રહેવાની સંભાવના છે. આ સાથે જ રાજ્યના જુદા-જુદા ભાગોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાઈ શકે છે. જોકે આગામી 7 દિવસ દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. દેશમાં આજથી નવતપાની શરૂઆત થઈ ગઈ છે. એનો મતલબ છે કે આગામી 9 દિવસ વધુ ગરમી રહેશે. હીટવેવ અને તાપમાન પણ વધશે. તાપમાન 45°Cથી વધુ રહી શકે છે. મહારાષ્ટ્રનું બ્રહ્મપુરી 47.2°C સાથે દેશમાં સૌથી ગરમ રહ્યું. MP-UPના 8 શહેરોમાં ગરમીનો પારો 45°C પાર પહોંચી ગયો છે. રાજ્યના મુખ્ય શહેરોમાં નોંધાયેલ મહત્તમ-લઘુત્તમ તાપમાન અમદાવાદમાં મહત્તમ તાપમાન 42.2°C અને લઘુત્તમ તાપમાન 29.6°C નોંધાયું છે, જ્યારે ગાંધીનગરમાં મહત્તમ 42°C અને લઘુત્તમ 28.5°C તાપમાન રહ્યું છે. આ ઉપરાંત, સુરેન્દ્રનગરમાં મહત્તમ 41.8°C અને લઘુત્તમ 29.4°C, રાજકોટમાં મહત્તમ 41.5°C અને લઘુત્તમ 27.4°C, તેમજ અમરેલીમાં મહત્તમ 41.3°C અને લઘુત્તમ 27.6°C તાપમાન નોંધાયું છે. ભાવનગરમાં મહત્તમ તાપમાન 41°C અને લઘુત્તમ તાપમાન 29.6°C રહ્યું છે, જ્યારે વડોદરામાં મહત્તમ 40.2°C અને લઘુત્તમ 30.8°C, ડીસામાં મહત્તમ 39.8°C અને લઘુત્તમ 28.5°C, ભુજમાં મહત્તમ 39.4°C અને લઘુત્તમ 27.6°C તેમજ સુરત શહેરમાં મહત્તમ 36.6°C અને લઘુત્તમ 29.1°C તાપમાન નોંધાયું છે. આગામી 7 દિવસ માટે કોઈ ચેતવણી નથી હવામાન વિભાગના અહેવાલ મુજબ, આગામી 7 દિવસ એટલે કે તારીખ 31 મે, 2026 સુધી રાજ્યના કોઈપણ જિલ્લા માટે ભારે પવન, હીટવેવ કે વરસાદની કોઈ જ ચેતવણી જાહેર કરવામાં આવી નથી. તમામ વિસ્તારોમાં શુષ્ક વાતાવરણ યથાવત્ રહેશે. બીજી તરફ, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આગામી 2થી 3 દિવસમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના કેટલાક વધુ ભાગોમાં આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. જ્યારે તારીખ 28 મે, 2026 થી ઉત્તર-પશ્ચિમ ભારતને એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર કરે તેવી સંભાવના સેવાઈ રહી છે. અમદાવાદમાં પારો 42.2 ડિગ્રી પર પહોંચ્યો, વાદળછાયું વાતાવરણ રહેશે રાજ્યના પાટનગર ગાંધીનગર અને અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત તથા કચ્છના ભાગોમાં તાપમાન સામાન્ય કરતાં ઊંચું નોંધાયું છે. અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 42.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 0.3 ડિગ્રી વધુ છે. જ્યારે લઘુત્તમ તાપમાન 29.6 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું, જે સામાન્ય કરતાં 1.7 ડિગ્રી વધુ છે. આગામી દિવસોમાં અમદાવાદમાં આકાશ આંશિક રીતે વાદળછાયું રહેવાની તેમજ મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. 5 વર્ષમાં આ વખતે મેની રાતો સૌથી ગરમ, મેમાં 23માંથી 17 રાત્રે લઘુતમ તાપમાન 28 ડિગ્રીથી વધુ રહ્યું શહેરમાં મે દરમિયાન મોટા ભાગે દિવસે અને રાત્રિનું તાપમાન સામાન્યથી વધુ નોંધાયું છે. મેમાં શહેરનું રાતનું સરેરાશ લઘુતમ તાપમાન 27 ડિગ્રી આસપાસ રહે છે, પરંતુ આ વર્ષે 1થી 23 મે દરમિયાન રાતનું સરેરાશ તાપમાન 28.5 ડિગ્રી નોંધાયું છે. એટલે કે સામાન્ય કરતાં 1.5 ડિગ્રી વધુ રહ્યું છે. છેલ્લાં 5 વર્ષમાં વર્ષ- 2024 બાદ આ વર્ષે સૌથી વધુ ગરમી રાતે નોંધાઈ છે. મેના 23 દિવસમાંથી 17 રાતનું તાપમાન 28 ડિગ્રીથી ઉપર અને 7 દિવસ 29 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. 11 મેએ લઘુતમ તાપમાન 30 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. મે 2024માં રાત સૌથી વધુ ગરમ રહી હતી. 2025માં પ્રી મોન્સૂનને કારણે થોડો ઘટાડો નોંધાયો હતો, પરંતુ 2026માં ફરીથી મેની રાતોનું લઘુતમ તાપમાન ગત વર્ષો કરતાં વધુ નોંધાયું છે. સામાન્ય કરતાં દોઢ ડિગ્રી વધુ તાપમાન નોંધાયું શનિવારે રાજ્યમાં શરૂ થયેલા પશ્ચિમના ગરમ પવન અને ભેજને કારણે મહત્તમ તાપમાન શુક્રવારની સરખામણીએ 1 ડિગ્રી ગગડીને 42.3 ડિગ્રી અને લઘુતમ તાપમાન 29.2 ડિગ્રી નોંધાયું હતું છતાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે 8.30 કલાકે 61 ટકાથી ઘટી સાંજે 5.30 કલાકે 30 ટકા નોંધાતાં 42 ડિગ્રીએ 46 ડિગ્રી ગરમીનો અનુભવ થયો હતો. હજુ બે દિવસ રાત્રિનું તાપમાન 1થી 2 ડિગ્રી વધુ રહી શકે છે. 5 વર્ષનું રાતનું તાપમાન 1થી 23 મેની ગરમ રાત્રિ મેમાં રાતનું સરેરાશ લઘુત્તમ તાપમાન 28.5 ડિગ્રી નોંધાયું છે. જેમાં સૌથી વધુ લઘુતમ તાપમાન 30 ડિગ્રી 11 મેની રાતે નોંધાયું હતું, જ્યારે સૌથી ઓછું લઘુત્તમ તાપમાન 3 મેએ 27.2 ડિગ્રી તાપમાન હતું, જોકે ત્યાર પછીની રાતોનું તાપમાન 27થી ઉપર જ ગયું છે. આ મેમાં 17 રાતનું તાપમાન 28 ડિગ્રીથી વધુ નોંધાયું છે, જ્યારે 7 રાતમાં 29 ડિગ્રીથી વધુ તાપમાન ધરાવતી રાતો રહી. બે દિવસ રાત્રિનું તાપમાન 31થી 32 ડિગ્રી રહી શકેઃ એ. ટી. દેસાઈ હવામાન વિશેષજ્ઞ એ. ટી. દેસાઈના જણાવ્યાં અનુસાર, રાત્રિનું તાપમાન લાંબા ગાળાની સરેરાશ કરતાં નોંધપાત્ર ઊંચું રહે તેને ગરમ રાત (વોર્મ નાઇટ) કહે છે, જેનાં કારણોમાં અર્બન હીટ આઇલેન્ડ અસર, હરિયાળીનું ઘટતું જતું પ્રમાણ અને ક્લાઇમેટ ચેન્જ છે. આ ત્રણ કારણથી સતત વધી રહેલાં કોંક્રીટના જંગલમાં દિવસ દરમિયાન સંગ્રહાયેલી ગરમી રાત્રે ધીમે ધીમે બહાર આવે છે. વૃક્ષ અને ખુલ્લી જમીનનું પ્રમાણ ઘટતાં કુદરતી ઠંડક ઓછી થાય છે. વૈશ્વિક તાપમાન વધારાની અસર હવે રાત્રિના તાપમાનમાં પણ થઈ રહી છે. આગામી બે દિવસ અમદાવાદનું રાત્રિનું તાપમાન 31થી 32 ડિગ્રી આસપાસ રહી શકે છે. શરીરને કૂલિંગ બ્રેક ન મળે તો શારીરિક સમસ્યા થઈ શકેઃ ડો. પ્રવીણ ગર્ગ એમડી ફિઝિશિયન ડો. પ્રવીણ ગર્ગના જણાવ્યાં અનુસાર, દિવસે ગરમી હોય છે પણ સામાન્ય રીતે રાત્રે તાપમાન ઘટતાં શરીરને ઠંડક મળે છે, પણ જ્યારે રાત્રિનું તાપમાન 28થી 30 ડિગ્રી વચ્ચે રહે છે ત્યારે શરીરને પૂરતી ઠંડક (કુલિંગ બ્રેક) મળતી નથી. પરિણામે થાક, ઊંઘમાં ખલેલ, ડિહાઇડ્રેશન, બ્લડ પ્રેસર, હૃદય સંબંધિત તકલીફોનું જોખમ વધી શકે છે. વૃદ્ધો, બાળકો, ગર્ભવતી મહિલા, હૃદય રોગ, ડાયાબિટીસ દર્દીઓ માટે જોખમી મનાય છે. આ પણ વાંચો… દેશમાં આજથી નવતપા, ગરમી-હીટવેવ વધશે, મહારાષ્ટ્રનું બ્રહ્મપુરી 47.2°C સાથે દેશમાં સૌથી ગરમ; MP-UPના 8 શહેરોમાં પારો 45°C પાર દેશમાં આજથી નવતપાની શરૂઆત થઈ ગઈ છે. એનો મતલબ છે કે આગામી 9 દિવસ વધુ ગરમી રહેશે. હીટવેવ અને તાપમાન પણ વધશે. તાપમાન 45°Cથી વધુ રહી શકે છે. રવિવારે મહારાષ્ટ્રના વિદર્ભ ક્ષેત્રનું બ્રહ્મપુરી સતત ત્રીજા દિવસે દેશનું સૌથી ગરમ શહેર રહ્યું. અહીં તાપમાન 47.2°C રહ્યું, જે સામાન્ય કરતાં 4.6°C વધુ છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં બાંદા 46.8°C તાપમાન સાથે સૌથી ગરમ જિલ્લો રહ્યો. આ ઉપરાંત, પ્રયાગરાજ અને ઉરઈમાં 45.6°C, ઝાંસીમાં 45.6°C, આગ્રામાં 45.4°C અને હમીરપુરમાં 45.2°C તાપમાન નોંધાયું. MPના બે શહેરો, નૌગાંવ અને ખજુરાહોમાં સૌથી વધુ તાપમાન 45.8°C નોંધાયું. હવામાન વિભાગ મુજબ ઉત્તર અને મધ્ય ભારતમાં 29 મેથી હવામાન બદલાઈ શકે છે. વરસાદની સંભાવના છે. વાંચો સંપૂર્ણ સમાચાર ઉનાળા માટે વર્કઆઉટ સેફ્ટી ટિપ્સ, 9 સંકેતોને અવગણશો નહીં, ડૉકટર પાસેથી જાણો 11 જરૂરી સાવચેતીઓ ઉનાળામાં ફિટનેસ રૂટિન જાળવી રાખવું પડકારજનક હોય છે. આ સમયગાળા દરમિયાન વધુ પડતો પરસેવો થાય છે, ઝડપથી થાક લાગે છે અને ડિહાઇડ્રેશનનું જોખમ વધી જાય છે, જેનાથી વર્કઆઉટ મુશ્કેલ બને છે. કેટલાક લોકો આ કારણોસર કસરત કરવાનું ટાળે છે, જ્યારે કેટલાક સાવચેતી વગર વર્કઆઉટ કરે છે. આનાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. આવી સ્થિતિમાં, વર્કઆઉટનો સમય, રીત અને ખોરાકને હવામાન અનુસાર ગોઠવવા જરૂરી છે. સાચી માહિતી અને નાની-નાની સાવચેતીઓથી આપણે ઉનાળામાં પણ ફિટ અને ઊર્જાવાન રહી શકીએ છીએ. આથી 'કામના સમાચાર' માં આજે ઉનાળામાં સુરક્ષિત વર્કઆઉટ ટિપ્સ વિશે વાત કરીશું. સાથે જ જાણીશું કે, ઉનાળામાં વર્કઆઉટ કરવાનો યોગ્ય સમય કયો છે? ઉનાળામાં વર્કઆઉટ દરમિયાન કઈ સાવચેતીઓ રાખવી જોઈએ? સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો
Read Original Article →