અમદાવાદમાં સરેરાશ 1.5 ઈંચ વરસાદ પડ્યો:ભારે પવન અને વરસાદથી 45 ઝાડ પડ્યા, અનેક જગ્યાએ પાણી ભરાયા

Gujarat6/2/2026, 2:29:42 PM
અમદાવાદમાં સરેરાશ 1.5 ઈંચ વરસાદ પડ્યો:ભારે પવન અને વરસાદથી 45 ઝાડ પડ્યા, અનેક જગ્યાએ પાણી ભરાયા
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી આપવામાં આવી હતી તેના પગલે ગઈકાલે 1 જૂનના રોજ રાત્રે અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. ત્યારબાદ મોડી રાત્રે 2.30 વાગ્યે ફરી પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો. શહેરમાં સરેરાશ 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. સૌથી વધારે શહેરના પશ્ચિમ વિસ્તારમાં પાલડી, સરખેજ અને જુહાપુરા વિસ્તારમાં એક ઇંચ જેટલો પડ્યો હતો. જ્યારે પૂર્વ વિસ્તારના રામોલમાં પોણો ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. પશ્ચિમ વિસ્તારમાં અડધો ઇંચ વરસાદ શહેરમાં મોડી રાત્રે બે વાગ્યા બાદ ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. શહેરના પશ્ચિમ વિસ્તારમાં બોપલ, સરખેજ, એસજી હાઇવે, જુહાપુરા, પાલડી, વાસણા, આશ્રમરોડ, મકતમપુરા, ગોતા, ચાંદલોડિયા, જગતપુર, બોડકદેવ, વસ્ત્રાપુર જેવા વિસ્તારોમાં એકથી લઈને અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે ઉસ્માનપુરા, ચાંદખેડા, થલતેજ, જોધપુર, સેટેલાઈટ, રાણીપ, સાબરમતી જેવા વિસ્તારોમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, જ્યારે પૂર્વ વિસ્તારમાં સૌથી વધારે રામોલ, જશોદાનગર અને સીટીએમ વિસ્તારમાં અડધો ઇંચ પડ્યો હતો. ઓઢવ રિંગરોડ, મણિનગર, કોતરપુર, નરોડા, હંસપુરા, સૈજપુર, મેમ્કો, માધુપુરા, શાહપુરમાં અડધો ઇંચથી પણ ઓછો વરસાદ પડ્યો હતો. વટવા અને ચંદ્રનગર સહિતના વિસ્તારમાં ઝાડ પડ્યા શહેરમાં રાત્રે 10 વાગ્યા બાદ અને મોડી રાત્રે બે વાગ્યા બાદ ભારે પવન અને વરસાદના કારણે શહેરમાં અનેક જગ્યાએ ઝાડ પડવાની ઘટના બની છે. અમદાવાદ ફાયર બ્રિગેડમાં 45 જગ્યાએ ઝાડ પડ્યા હોવા અંગેની ફરિયાદ મળી હતી. જેમાં સોનીની ચાલી, શાહઆલમ, બોડકદેવ, બોપલ, ઇસનપુર, વટવા, જોધપુર, ખાડિયા, નિકોલ, નવરંગપુરા, સરસપુર, નિર્ણયનગર, ઘાટલોડીયા, ગોમતીપુર, બાપુનગર, કાલુપુર, મીઠાખળી અને ચંદ્રનગર વિસ્તારમાં ઝાડ પડ્યા હતા. ઝાડ પડવાના કરાણે બે ગાડીઓને નુકસાન શહેરના જોધપુર સેટેલાઈટ રોડ પર ઝાડ પડવાની ઘટના બની હતી. જેમાં બે ગાડી ઉપર ઝાડ પડ્યું હોવાના કારણે ગાડીઓને નુકસાન થયું હતું. ઝાડ રોડ પર પડ્યું હોવાના કારણે રોડ પણ બંધ થઈ ગયો હતો. વહેલી સવારે વાહનચાલકોને BRTS કોરિડોરમાંથી પસાર થવું પડે તેવી સ્થિતિ જોવા મળી હતી. બાપુનગર અનિલ સ્ટાર્ચ રોડ પર અરવિંદ મીલ પાસે એક સ્ટ્રીટ લાઈટનો પોલ પડી ગયો હતો. જો કે આ તમામ ઘટનામાં ક્યાંય જાનહાનિ નથી. વરસાદમાં રસ્તો ભીનો થયા બાદ ટ્રક ફસાયો શહેરના જોધપુર વિસ્તારમાં પણ પસાર થતો ટ્રક રોડમાં ફસાયો હતો. રોડ પરથી ટ્રક પસાર થતો હતો ત્યારે જે જગ્યાએ ટ્રક ફસાયો ત્યાં થોડા દિવસ પૂર્વે જે સમારકામ થયું હતું. સામાન્ય સમારકામ કરી રસ્તો ખુલ્લો મૂકી દીધો હતો. વરસાદમાં રસ્તો ભીનો થયા બાદ ટ્રક પસાર થતા જ ફસાયો હતો. થોડા દિવસ પૂર્વે અહીંયા ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું.
Read Original Article →