AMCના હીટ એક્શન પ્લાનનો ફિયાસ્કો, નાગરિકો રામભરોસે:43 ડિગ્રી ગરમીમાં બસ સ્ટેન્ડ પર સ્પ્રિન્કલર-કુલર બંધ; બગીચાઓમાં પાણીની વ્યવસ્થા નહીં
રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 15 મે સુધી અમદાવાદમાં ‘હીટવેવ’ની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર કરવાની શક્યતા વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કરવામાં આવેલા હીટ એક્શન પ્લાનના દાવા પોકળ સાબિત થયા છે. દિવ્ય ભાસ્કરના આજના રિયાલિટી ચેકમાં સામે આવ્યું છે કે, શહેરના બસ સ્ટેન્ડો અને બગીચાઓમાં ગરમીથી રાહત આપતી સુવિધાઓ માત્ર કાગળ પર જ સીમિત છે. સ્માર્ટ સિટીના ‘કૂલ’ બસ સ્ટોપ બન્યા ‘હીટ’ સેન્ટર
મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે શહેરીજનોને આકરી ગરમીમાંથી રાહત આપવા બસ ડેપો પર કુલર્સ અને સ્પ્રિન્કલર્સ લગાવવાની જાહેરાત કરી હતી. જોકે, વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી છે: શહેરના સૌથી વ્યસ્ત લાલ દરવાજા બસ ટર્મિનસ પર એક પણ સ્પ્રિન્કલર કાર્યરત નથી. પ્રવાસીઓને ઠંડક આપવા માટે બનાવેલા 'કૂલ બસ સ્ટોપ' અસહ્ય ગરમીના કારણે 'હીટ સેન્ટર'માં ફેરવાઈ ગયા છે. તો સારથી બંગલોઝ (ચાંદખેડા), નવા વાડજ, જૂના વાડજ અને RTO સર્કલ જેવા મહત્વના બસ સ્ટેન્ડો પર મુકાયેલા તમામ કુલરો બંધ હાલતમાં મળી આવ્યા હતા. RTO સર્કલના BRTS સ્ટેન્ડ પર પાણીની પરબ અને સ્પ્રિન્કલર ગાયબ
RTO સર્કલ સ્થિત BRTS બસ સ્ટેન્ડ પર તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. અહીં મુસાફરો માટે પીવાના પાણીની કોઈ વ્યવસ્થા નથી કે ગરમીથી બચવા માટે લગાવેલા સ્પ્રિન્કલર્સ ચાલુ નથી. જો મુસાફરોને તરસ લાગે તો તેમણે બહારથી પાણી ખરીદવા મજબૂર થવું પડે છે. તંત્ર દ્વારા ORSના પેકેટ વિતરણના દાવા પણ પોકળ સાબિત થયા છે, કારણ કે સ્ટેન્ડ પર માત્ર પાણીના જગ મૂકીને સંતોષ માની લેવામાં આવ્યો છે. બગીચાઓમાં પીવાના પાણીની તંગી
હીટ એક્શન પ્લાન હેઠળ શહેરના જાહેર બગીચાઓમાં પીવાના પાણીની સુવિધા આપવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ ઉસ્માનપુરા ગાર્ડન સહિતના અનેક બગીચાઓમાં રિયાલિટી ચેક દરમિયાન પીવાના પાણીની કોઈ સગવડ જોવા મળી નહોતી. બગીચામાં આવતા મુલાકાતીઓએ પીવાનું પાણી ઘરેથી લાવવું પડે છે અથવા બહારથી ખરીદવું પડે છે. આમ બગીચાઓમાં ક્યાય પણ પાણીની વ્યવસ્થા જોવા મળી નહોંતી. નાગરિકોનો રોષ, ‘વ્યવસ્થા માત્ર દેખાવ પૂરતી’
નવા વાડજ બસ સ્ટેન્ડ પર જગદીશભાઈ શાહ નામના પ્રવાસીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, બસ સ્ટેન્ડ ઉપર મૂકવામાં આવેલું કુલર બંધ છે. મેં જ્યારે કહ્યું, કે કુલર બંધ છે તો કહે અત્યારે પાણી નથી, આવશે ત્યારે ચાલુ કરી દઈશું. ખૂબ જ ગરમી પડી રહી છે, આ વ્યવસ્થા યોગ્ય નથી. અન્ય હિતેશભાઈ નામના પ્રવાસીએ જણાવ્યું કે, જે કુલર મૂકવામાં આવ્યું છે તે બંધ હાલતમાં છે. અત્યારે ભયાનક ગરમીમાં પાણીનો સોસ પડે છે, છતાં કુલરો બંધ છે. તંત્રએ માત્ર દેખાવ ખાતર સાધનો મૂક્યા હોય તેવું લાગે છે. વ્યવસ્થા નહીં સુધરે તો હીટસ્ટ્રોકના કેસોમાં મોટો ઉછાળો આવશે
AMCના આરોગ્ય વિભાગની નિષ્ક્રિયતાને કારણે હીટ એક્શન પ્લાનનો ફિયાસ્કો થયો છે. કાગળ પરની મોટી વાતો અને વાસ્તવિકતા વચ્ચેનો આ તફાવત અત્યારે અમદાવાદીઓ માટે જીવલેણ સાબિત થઈ શકે છે. જો આગામી દિવસોમાં આ વ્યવસ્થા સુધારવામાં નહીં આવે, તો હીટસ્ટ્રોકના કેસોમાં મોટો ઉછાળો આવવાની ભીતિ સેવાઈ રહી છે.
Read Original Article →