ગુજરાત હાઇકોર્ટના બનાવટી ઓર્ડરનો કેસ:ગ્રામ્ય કોર્ટે આરોપીને 3 વર્ષની કેદની સજા ફટકારી, હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટીસના આદેશ પર સોલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી
ગુજરાત હાઇકોર્ટનો નકલી ઓર્ડર બનાવવા મુદ્દે આરોપી નિરવ જેબલિયાને અમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટે સરકારી વકીલ એમ.પી.ભરવાડની દલીલો, 10 સાહેદ અને 14 પુરાવા તપાસીને 3 વર્ષની સાદી કેદ તેમજ 5 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. પોલીસને અરજદારની ફરિયાદ નોંધવા હાઇકોર્ટ નિર્દેશ આપે તેવી માંગ કરી હતી
મૂળ આ કેસમાં અમદાવાદના દિનેશભાઇ રાણાએ એડવોકેટ ગૌરાંગ ચૌહાણ મારફતે ગુજરાત હાઇકોર્ટમાં એક અરજી કરી હતી. આ અરજીમાં પોલીસને અરજદારની ફરિયાદ નોંધવા હાઇકોર્ટ નિર્દેશ આપે તેવી માંગ કરાઈ હતી. આ અરજી જજ સમીર દવેની કોર્ટ સમક્ષ ઉપસ્થિત થઈ હતી.દિનેશભાઈ રાણા અમદાવાદમાં રહે છે. તેઓ એક મિત્રના માધ્યમથી નિરવ જેબલિયાના સંપર્કમાં આવ્યા હતા. જેઓ કોર્ટનું કામકાજ કરતા હોય તેવું જાણવા મળ્યું હતું. નિરવે સ્ટે ઓર્ડર કરાવવા 5 લાખ રૂપિયા ફી નક્કી કરી હતી
આ દરમિયાન અરજદારના મિત્ર રાજીવ મેવાડાનો ફોન અરજદાર પર આવ્યો હતો. જેમણે જણાવ્યું હતું કે તેમના નાના ભાઈ મેહુલ મેવાડા પર બનાસકાંઠામાં ડીસા પોલીસ મથકે NDPS(ડ્રગ્સ) સંબંધિત કેસ થયો છે. જે મુદ્દે તેની વારે તહેવારે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવે છે. પોલીસ આવી અટકાયત ન કરે તે માટે કોર્ટનો સ્ટે ઓર્ડર લાવવા સારા વકીલની જરૂર છે. આથી અરજદારે આ કેસ માટે નિરવ જેબલિયાનો સંપર્ક કર્યો હતો. નિરવે હાઇકોર્ટ સામે આવેલ સત્યમેવ કોમ્પ્લેક્ષમાં એક વકીલના ઓફિસે તેમને બોલાવ્યા હતા. જ્યાં વકીલ નહીં પણ તેમનો વિજય નામનો આસિસ્ટન્ટ હાજર હતો. જેને અરજદારની એક કાગળ પર સહી લીધી હતી. તેમજ નિરવે સ્ટે ઓર્ડર કરાવવા 5 લાખ રૂપિયા ફીના નક્કી કર્યા હતા. પિટિશનની તારીખમાં વર્ષ 2023ના બદલે વર્ષ 2013નો ઉલ્લેખ
નિરવે બાદમાં અરજદારને ગુજરાત હાઇકોર્ટનો મેહુલ મેવાડા તરફી સ્ટે ઓર્ડર વોટ્સએપ કર્યો હતો. જેમાં પિટિશનની તારીખમાં વર્ષ 2023ના બદલે વર્ષ 2013નો ઉલ્લેખ હતો. આથી અરજદારે નિરવને જણાવતા બે દિવસ બાદ 2023ના વર્ષનો સુધારેલ ઓર્ડર મોકલી આપ્યો. પરંતુ તે ઓર્ડર હાઇકોર્ટમાં ઓનલાઈન જોવા ન મળતા અરજદારે નિરવને જણાવતા નિરવે ત્રણ દિવસ બાદ ગુજરાત હાઇકોર્ટના રજિસ્ટ્રારના સ્ટેમ્પ અને સહી કરેલો ઓર્ડર અરજદારને આપ્યો હતો. અરજદારને પોતાની સાથે છેતરપિંડી થયાનું ધ્યાને આવ્યું
આ દરમિયાન ડીસા પોલીસ મેહુલ મેવાડાની અટકાયત કરવા ગયેલ ત્યારે નિરવે ફોન કરીને પોતાની ઓળખ રીટાયર્ડ IG ના પુત્ર તરીકે આપી હતી. તેને પોલીસને કહ્યું હતું કે હાઇકોર્ટનો સ્ટે ઓર્ડર છે પોલીસને મળી જશે તેમ કહીને મેહુલને છોડાવ્યો હતો. પરંતુ ઓર્ડર હાઇકોર્ટની વેબસાઈટ પર ઓનલાઈન જોવા ન મળતા આરોપીએ અરજદારને ઓનલાઈન ઓર્ડર નંબરનો સ્ક્રીન શોટ મોકલ્યો હતો. પરંતુ તે ઓનલાઈન ના દેખાતા અરજદાર હાઇકોર્ટ સામે આવેલ સત્યમેવ કોમ્પ્લેક્ષમાં વકીલને ત્યાં ગયા હતા. વકીલે આવો કોઈ ઓર્ડર નહીં થયો હોવાનું જણાવ્યું હતું. આમ અરજદારને પોતાની સાથે છેતરપિંડી થયાનું ધ્યાને આવ્યું હતું. પરંતુ નિરવને અરજદાર વકીલને મળવા ગયા હોવાની જાણ થઈ હતી. તેમજ નિરવે અરજદારને આ અંગે પોલીસને જાણ કરાશે તો ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. અરજદારે ફરિયાદ નોંધવા જતા પોલીસે FIR નોંધી નહોતી
આ અંગે અરજદારે સોલા પોલીસ મથકે ફરિયાદ નોંધવા જતા પોલીસે FIR નોંધી નહોતી. વળી અરજદારને પોલીસે નિરવ જેબલિયા સાથે સેટલમેન્ટ કરવા કહ્યું હતું. આથી અરજદારે હાઇકોર્ટમાં સોલા પોલીસ નિરવ વિરુદ્ધ FIR નોંધે તે સંદર્ભે અરજી કરી હતી. જો કે આ કેસમાં હાઇકોર્ટના ખોટા ઓર્ડર ઉભા કરાયેલ હોવાથી જજ સમીર દવેએ હાઇકોર્ટ દ્વારા આ વિશે કોઈ પોલીસ ફરિયાદ થઈ છે કે કેમ? તેવું અરજદારના વકીલને પૂછ્યું હતું. જે સંદર્ભે સોલા પોલીસ મથકે આવી કોઈ ફરિયાદ ન થઈ હોવાનું જાણવા મળ્યું હતું. હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલને પક્ષકાર તરીકે જોડાવવા હુકમ કર્યો હતો
આથી જજ સમીર દવેએ આ કેસમાં વર્ષ 2023 માં હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલને પક્ષકાર તરીકે જોડાવવા હુકમ કર્યો હતો. તેમજ સોલા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર અને DCP ઝોન 1ને કોર્ટમાં ઉપસ્થિત રહેવા હુકમ કર્યો હતો. કેસની આગળની સુનવણીમાં સોલા પોલીસ મથકના ઇન્સ્પેકટર અને ACP ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે DCPની માતાનું ઓપરેશન હોવાથી તે ઉપસ્થિત થયા નહોતા. સરકારી વકીલ મિતેષ અમીને કોર્ટને 3 ઓગસ્ટના સાંજના 4.30 કલાક સુધીમાં FIR નોંધાઇ જવાની ખાતરી આપી હતી. કોર્ટે કહ્યું હતું કે પોલીસ કર્મચારીઓને ડિસ્ટર્બ કરવામાં કોર્ટને કોઈ રસ નથી. પરંતુ પોલીસ જેવી રીતે સામાન્ય નાગરિકોને ટ્રીટ કરી રહી છે તે ચિંતાજનક છે. હાઇકોર્ટના ખોટા ઓર્ડર બન્યા છે તે વિશે તમે શું પગલાં લીધા છે?
આ દરમિયાન પક્ષકાર તરીકે જોડાયેલ હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલને જજ સમીર દવેએ પૂછ્યું હતું કે, હાઇકોર્ટના ખોટા ઓર્ડર બન્યા છે તે વિશે તમે શું પગલાં લીધા છે? આ મુદ્દે જવાબ આપતા રજિસ્ટ્રાર જનરલે કોર્ટને જણાવ્યું હતું કે તે સમયે એક્ટિંગ ચીફ જસ્ટિસના ધ્યાને આ મુદ્દો મુકાતા ચીફ જસ્ટિસે વર્ષ 2023 માં પોલીસ ફરિયાદ કરવા નિર્દેશ આપ્યા હતા. જો કે હાઇકોર્ટના અધિકારીઓ સોલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા જતા PI સાહેબ ઉપસ્થિત નથી. તેમ કહીને ત્રણ વખત ધક્કો ખવડાવ્યો હતો. છેલ્લે 30 જુલાઈ, 2023 એ હાઇકોર્ટના અધિકારીઓની ફરિયાદ લીધી હતી, પરંતુ FIR નહોતી નોંધી. પોલીસ પગલાં લેશે અને જણાવશે તેમ કહ્યું હતું પરંતુ પોલીસે બાદમાં કોઈ જવાબ આપ્યો નહોતો. ઉપરાંત અન્ય એક આવા કેસમાં હાઇકોર્ટના ખોટા ઓર્ડર આપીને એક અરજદાર પાસેથી 6.5 લાખ રૂપિયા લેવામાં આવ્યા છે જેની પણ પોલીસે ફરિયાદ નોધી નથી. પોલીસ હાઇકોર્ટના ઓફિસરોને ધક્કા ખવડાવે છે?
આ મુદ્દે કોર્ટે પોલીસને એફિડેવિટ ફાઈલ કરવા કહ્યું હતું. જેથી સરકારી વકીલે પોતે અને પોલીસે કોર્ટની માફી માંગી હતી. પરંતુ કોર્ટે જવાબદાર પોલીસ અધિકારીઓને કંટેમ્પટનો સામનો કરવા જણાવ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે આરોપી એક ઉચ્ચ અધિકારીનો દીકરો હોવાથી પોલીસ હાઇકોર્ટની FIR પણ નહીં નોંધે? સોલા પોલીસ અરજદારની ફરિયાદ નોંધવાની અરજી સીધી ડીસા પોલીસ મથકે મોકલી પોતાનું ભારણ ઘટાડવા માંગે છે? શું આ ફરિયાદ તેમના ક્ષેત્રમાં નથી આવતી? પોલીસને કાયદાની ખબર નથી? પોલીસ હાઇકોર્ટના ઓફિસરોને ધક્કા ખવડાવે છે? રીટાયર્ડ થયા પછી પણ IGનું આટલું ચાલે છે? 3 ઓગસ્ટ, 2023 સાંજ સુધીમાં સોલા પોલીસે ચાર FIR નોંધી હતી
જો કે સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, મંત્રીઓએ પણ કોર્ટની કાર્યવાહીનો સામનો કરવો પડતો હોય તો રીટાયર્ડ ઓફિસર શું છે? પોલીસને એક તક આપવામાં આવે. કોર્ટને જાણ થઈ હતી કે માર્ચ મહિનાથી આ પ્રશ્ન ચાલી રહ્યો છે. અરજદાર 1 અને 8 જૂન, 2023 ના એમ બે વખત ફરિયાદ આપવા સોલા પોલીસ મથકે જાય છે પણ પોલીસ FIR નોંધતી નથી. પરંતુ સરકારી વકીલ કોર્ટને ખાતરી આપતા કોર્ટે પોલીસને FIR નોંધવા સમય આપ્યો હતો. 3 ઓગસ્ટ, 2023 સાંજ સુધીમાં સોલા પોલીસે ચાર FIR નોંધી હતી. જેમાં નિરવ જેબલિયા વિરુદ્ધ પોલીસે કોર્ટના સૂચનો પ્રમાણે IPC ની કલમ 193, 420, 465, 467,468 અને 471 મુજબ ગુનો નોંધ્યો હતો. વકીલ નિલકેશ દેસાઈએ 6.50 લાખ રૂપિયા પડાવ્યા હતા
જ્યારે સુરતના આવા જ એક કેસમાં મકસુદ કુરેશીના પુત્રનાં નામના હાઇકોર્ટના ખોટા જામીન ઓર્ડર બનાવનાર વકીલ નિલકેશ દેસાઈએ 6.50 લાખ રૂપિયા પડાવ્યા હતા. તેની સામે પણ પોલીસે ઉપરોક્ત કલમ મુજબ ગુન્હો નોંધ્યો હતો. અરજદાર દિનેશ રાણાને ગન પોઇન્ટ પર કોરા કાગળ પર હસ્તાક્ષરના કેસમાં આરોપી સામે આર્મ્સ એક્ટ અંતર્ગત ગુન્હો નોંધ્યો હતો. જ્યારે ચોથી ફરિયાદ મકસુદ કુરેશીના કેસમાં અન્ય એક વકીલને આરોપીના વકીલ તરીકે દર્શાવી ખોટા ઓર્ડરનો કેસ નોંધ્યો હતો. હાઇકોર્ટની જ નહીં સામાન્ય નાગરિકની ફરિયાદ પણ લેવાવી જ જોઈએ
વળી અરજદારના વકીલ તરફથી તત્કાલીન સોલા પોલીસ ઇન્સ્પેકટર જીજ્ઞેશકુમાર અગ્રાવતને ઇનવેસ્ટીગેશન ઓફિસર બનાવતા વાંધો ઉઠાવ્યો હતો અને જણાવ્યું હતું કે, PI એ જ તેમને નિરવ જેબલિયા સાથે સમાધાન કરવા કહ્યું હતું અને બે મહિના સુધી ફરિયાદ લીધી નહોતી. અરજદાર પક્ષે વકીલે તપાસ સક્ષમ અધિકારીને આપવા માંગ કરાઈ હતી. જો કે કોર્ટે તપાસ PI ને કરવા દેવા અને આગળ એવું લાગે તો તપાસની ટ્રાન્સફર માટેની અરજી આપવા કહ્યું હતું. ઉપરાંત હાઈકોર્ટે સરકારી વકીલને પૂછતાં તેમને કોર્ટને જણાવ્યું હતું કે સોલા પોલીસને કડક શબ્દોમાં સમજાવી દેવાઈ હતી. ત્યારે કોર્ટે કહ્યું હતું કે ફક્ત સોલા પોલીસ જ નહીં સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટને સમજવું જરૂરી છે કે હાઇકોર્ટની જ નહીં સામાન્ય નાગરિકની ફરિયાદ પણ લેવાવી જ જોઈએ.
Read Original Article →