વિશ્વશાંતિ માટે ગુંજ્યો નવકાર મંત્ર:અમદાવાદ સહિત વિશ્વના 100 શહેરોમાં અહિંસા અને વિશ્વશાંતિ માટે મહા અભિયાન યોજાયું; 27 મિનિટમાં 1.08 કરોડ જાપનો ઐતિહાસિક વિક્રમ
વિશ્વમાં શાંતિ, સૌહાર્દ અને સકારાત્મક ઊર્જાનો સંચાર કરવાના ઉમદા હેતુ સાથે ‘વ્રતો’ (VRATO) દ્વારા એક ભવ્ય આધ્યાત્મિક આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરમાં આજે માત્ર 27 મિનિટના ટૂંકા ગાળામાં 1.08 કરોડ નવકાર મંત્રના જાપ કરીને એક નવો ઇતિહાસ રચાયો છે. આ પવિત્ર અવસરમાં જૈન સમાજના શ્રાવક-શ્રાવિકાઓ, યુવાનો, મહિલાઓ અને વડીલોએ અત્યંત ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઘર-ઘર અને જિનાલયો બન્યા ભક્તિના કેન્દ્ર
આ આયોજનની વિશેષતા એ હતી કે તે કોઈ એક ચોક્કસ સ્થળ પૂરતું મર્યાદિત ન રહેતા સમગ્ર શહેરમાં વ્યાપેલું હતું. અમદાવાદના વિવિધ જિનાલયો, ઘરો, સામાજિક કેન્દ્રો અને વિવિધ સંગઠનો દ્વારા એક જ સમયે સામૂહિક મંત્ર જાપ કરવામાં આવ્યા હતા. આ મંત્ર જાપ દ્વારા વાતાવરણમાં અભૂતપૂર્વ સકારાત્મકતા જોવા મળી હતી. વૈશ્વિક સ્તરે 2.5 કરોડ લોકોની સહભાગિતા
વ્રતો દ્વારા આ આયોજન માત્ર અમદાવાદ પૂરતું સીમિત નહોતું, પરંતુ દેશ-વિદેશના કુલ 100 શહેરોમાં 25,000 થી વધુ સ્થળો પર એકસાથે યોજાયું હતું. આ વૈશ્વિક મહાકુંભમાં અંદાજે 2.5 કરોડ લોકો જોડાયા હતા. સમગ્ર દેશમાં એક જ સમયે કુલ 25 કરોડ નવકાર મંત્રનો જાપ કરવામાં આવ્યો હતો. દિલ્હીથી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતશાહ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા અને તેમણે નવકાર મહામંત્રની મહાનતા અને તેની શક્તિ વિશે સમજૂતી આપી હતી. GMDC ઓડિટોરિયમ ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિ
અમદાવાદમાં વ્રતો પરિવાર માટે GMDC ઓડિટોરિયમ ખાતે મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ધારાસભ્ય કૌશિક જૈન, જૈન શાસનરત્ન શ્રીપાલભાઈ, દેવલ શેઠ, દીપક શેઠ, દીપક બારડોલીવાળા, ભાવેશઈ શાહ અને પીયૂષ જૈન જેવા વ્રતો સ્ટીયરિંગ કમિટીના સભ્યો અને અનેક જૈન અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય કેવળ ધાર્મિક અનુષ્ઠાન જ નહીં, પરંતુ માનવ કલ્યાણ, અહિંસા અને આંતરિક શાંતિનો સંદેશ વિશ્વભરમાં પહોંચાડવાનો હતો.
Read Original Article →