અમદાવાદના કોટેશ્વર રોડથી એરપોર્ટ વચ્ચે મેટ્રો દોડશે:6 કિમીના નવા ફેઝને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી, 1 અંડરગ્રાઉન્ડ સહિત પાંચ સ્ટેશન બનશે; મેટ્રો નેટવર્કની લંબાઈ વધીને 78 કિમી થશે
અમદાવાદમાં વર્ષ 2030માં યોજાનારા કોમનવેલ્થ ગેમ્સ પહેલા અમદાવાદ મેટ્રોલના ફેઝ-2Aને કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટ બેઠકમાં ફેઝ 2(A)ને મંજૂરી આપી દીધી છે. કોટેશ્વર રોડથી એરપોર્ટ સુધીના આ ફેઝની લંબાઈ 6 કિમીની હશે. જેમાં 4 એલિવેટેડ અને એક અંડરગ્રાઉન્ડ સ્ટેશન હશે. ફેઝ 2(A) કાર્યરત થતાં, અમદાવાદ-ગાંધીનગર પાસે 77.63 કિમીનું સક્રિય મેટ્રો રેલ નેટવર્ક હશે. ફેઝ 2(A) કોરિડોરમાં સ્ટેશનોના નામ - આશ્રમ રોડ, કોટેશ્વર પ્રાચીન મંદિર, સાબરમતી રિવર, સરદાર નગર અને એરપોર્ટ છે.આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. 2,168 કરોડ છે. મંજૂર થયેલા કોરિડોરનો રૂટ
આજે જે મંજૂર થયો છે, તે કોટેશ્વરથી લઈને એરપોર્ટ સુધીનો કોરિડોર છે.આશ્રમ રોડ, કોટેશ્વર પ્રાચીન મંદિર, સાબરમતી, સરદાર નગર અને એરપોર્ટ. આમાં પાંચ સ્ટેશન હશે અને આ આખો રૂટ 6 કિલોમીટરનો છે. નવો ફેઝ કાર્યરત થતા એરપોર્ટ સુધી કેનેક્ટિવિટી મળશે
અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટના ફેઝ 2(A)માં આશરે 6.032 કિમીના નવા મેટ્રો કોરિડોરના વિકાસની પરિકલ્પના કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય એરપોર્ટ સુધી અવિરત કનેક્ટિવિટી પ્રદાન કરીને અને હાલમાં કાર્યક્ષમ પરિવહન સુવિધાનો અભાવ ધરાવતા મુખ્ય રહેણાંક અને વ્યાપારી વિસ્તારોને જોડીને જાહેર પરિવહનને નોંધપાત્ર રીતે વધારવાનો છે. આ તબક્કાનો ઉદ્દેશ્ય હાલના અમદાવાદ-ગાંધીનગર કોરિડોર સાથે રહેણાંક અને વ્યાપારી હબ સહિતના મુખ્ય વિસ્તારોને સીમલેસ રીતે સંકલિત કરવાનો છે. વધુમાં, વર્લ્ડ પોલીસ ગેમ્સ 2029 અને કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે આસપાસના વિસ્તારમાં રમતગમતની સુવિધાઓ પણ વિકસાવવામાં આવે તેવી શક્યતા છે.આ મહત્વપૂર્ણ વિસ્તારોને મેટ્રો નેટવર્ક સાથે જોડીને, ફેઝ 2(A) માત્ર કનેક્ટિવિટીમાં જ વધારો નહીં કરે પરંતુ આર્થિક પ્રવૃત્તિઓ, પ્રવાસન અને સ્થાનિક રહેવાસીઓ તેમજ મુલાકાતીઓ બંને માટે શહેરી ગતિશીલતાને સરળ બનાવશે. 'પ્રોજેક્ટના DPR એપ્રુવલમાં યોગદાન આપતા તમામ વિભાગનો આભાર'
મેટ્રો રેલ કોર્પોરેશનના પ્રોજેક્ટ ડાયરેક્ટર આનંદ સિંઘ બીસ્ટે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીનું હંમેશા એ વિઝન રહ્યું છે કે, ભારતના શહેરોમાં વિશ્વસ્તરીય મેટ્રો સેવાઓનો વિસ્તાર થાય. આ વિઝનને સાકાર કરવાના પ્રયાસો થકી અને મુખ્યમંત્રી ગુજરાતના માર્ગદર્શનમાં, આજે કેબિનેટની બેઠકમાં કોટેશ્વરથી એરપોર્ટ કોરિડોર માટે કેબિનેટની મંજૂરી આપી દેવામાં આવી છે.આ માટે અમે ગુજરાત સરકાર અને ભારત સરકારના તમામ વિભાગોના આભારી છીએ, જેમણે આ પ્રોજેક્ટના ડીપીઆર (DPR) એપ્રુવલમાં યોગદાન આપ્યું. ખાસ કરીને ગુજરાત સરકારનો શહેરી વિકાસ વિભાગ, ભારત સરકારનું આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય, નીતિ આયોગ, આર્થિક બાબતોનો વિભાગ અને અન્ય તમામ વિભાગોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. 'એરપોર્ટની કનેક્ટિવિટી ગાંધીનગર અને ગિફ્ટ સિટી સાથે જોડાશે'
આ કોરિડોરની કુલ લંબાઈ 6 કિલોમીટર છે, જેમાં 5 કિલોમીટર એલિવેટેડ છે અને લગભગ 1 કિલોમીટર જેટલો ભાગ અંડરગ્રાઉન્ડ છે. આમાં કુલ પાંચ સ્ટેશન છે. આ કોરિડોરની અંદાજિત કિંમત ₹2169 કરોડ છે. આ પ્રોજેક્ટથી એરપોર્ટની કનેક્ટિવિટી ગાંધીનગર, અમદાવાદ અને ગિફ્ટ સિટી સાથે જોડાશે. આ ઉપરાંત, મોટેરામાં બની રહેલા કોમનવેલ્થ ગેમ્સ સ્ટેડિયમ સાથે પણ તેની કનેક્ટિવિટી થશે. સાબરમતી નદીની આસપાસ વિકસિત થઈ રહેલા નવા કોમ્પ્લેક્સ અને સરદારનગર જેવા જૂના રહેણાંક વિસ્તારોને પણ મેટ્રો કનેક્ટિવિટી મળશે. આનાથી એરપોર્ટના મુસાફરો સીધા એરપોર્ટથી ગાંધીનગર કે અમદાવાદના કોઈપણ સ્થળે મેટ્રો દ્વારા જઈ શકશે. શહેરીજનોને ટ્રાફિક્માં રાહત મળશે
મેટ્રો રેલ એક કાર્યક્ષમ વૈકલ્પિક માર્ગ પરિવહન તરીકે અને એરપોર્ટ સુધી મેટ્રો રેલ નેટવર્કના વિસ્તરણ તરીકે ફેઝ 2(A) સાથે, અમદાવાદની અંદર ખાસ કરીને પ્રભાવશાળી સાબિત થશે. રોડ ટ્રાફિકમાં ઘટાડો થવાથી વાહનોની અવરજવર સરળ બની શકે છે, મુસાફરીના સમયમાં ઘટાડો થઈ શકે છે, એકંદર માર્ગ સુરક્ષામાં વધારો થઈ શકે છે. મુસાફરીના સમયમાં ઘટાડો અને એરપોર્ટ, રેલવે સ્ટેશનો અને બસ ડેપો જેવા શહેરના વિવિધ ભાગોમાં સુધારેલી પહોંચ વ્યક્તિઓને તેમના કાર્યસ્થળો અને ગંતવ્ય સ્થાનો પર વધુ કાર્યક્ષમ રીતે પહોંચવાની મંજૂરી આપીને ઉત્પાદકતામાં વધારો કરી શકે છે. ઉપરાંત, ઉન્નત કનેક્ટિવિટી સ્થાનિક વ્યવસાયોને પ્રોત્સાહિત કરી શકે છે, ખાસ કરીને નવા મેટ્રો સ્ટેશનો નજીકના વિસ્તારોમાં, જે અગાઉ ઓછા સુલભ પ્રદેશોમાં રોકાણ અને વિકાસને પણ આકર્ષિત કરી શકે છે. અમદાવાદમાં રિંગરોડની માફક મેટ્રોનો સર્કયુલર રૂટ બનાવવાનું આયોજન
ઈસ્ટ-વેસ્ટ, નોર્થ-સાઉથ કોરિડોર અને ગાંધીનગર સુધી પહોંચ્યા બાદ મેટ્રોનો હવે ત્રીજો ફેઝ વધુ વિસ્તરશે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન શહેરનાં ત્રણ નવા અને ખૂબ જ મહત્ત્વપૂર્ણ કોરિડોર માટે ડિટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ (ડીપીઆર) બનાવડાવી રહી છે. 1) થલતેજ ગામથી ગોધાવી
મેટ્રો થલતેજ ગામ સુધી પહોંચી ચૂકી છે. અહીંથી હવે તે શહેરના દક્ષિણ ભાગમાં ઝડપી ગતિએ વિકસી રહેલા રહેલા બોપલ, શેલા, શીલજ જેવા વિસ્તારોને કવર કરી ગોધાવી સુધી જશે.ડીપીઆર બન્યા પછી 2030-31 સુધી ત્રીજો ફેઝ પૂરો કરવાનો પ્લાન 2) શીલજ સર્કલથી સનાથલ
આ કોરિડોર નવા ડેવલપ થઈ રહેલારહેણાક વિસ્તારને ઔદ્યોગિક વિસ્તાર સનાથલ સાથે જોડશે. તેનાથી નોકરિયાતો અને ઇન્ડસ્ટ્રીમાં કામ કરનારા લોકોનેસરળતાથી કનેક્ટિવિટી મળશે. 3) RTO-જીવરાજ-નારોલ-મેમ્કો
આ સૌથી લાંબો અને મહત્ત્વપૂર્ણ રૂટ હશે. તે આરટીઓથી જીવરાજ પાર્ક, જીવરાજ પાર્કથી નારોલ અને નારોલથી મેમ્કોને જોડશે. તેનાથી આખા શહેરના મધ્યમાં મેટ્રો રૂટની એક રિંગ બની જશે. તેનાથી શહેરના મધ્યમાં ટ્રાફિકનો ભાર ઓછો થશે અને હજારો લોકોને ટ્રાન્સપોર્ટેશનનો સસ્તો વિકલ્પ મળશે. આ સમાચાર પણ વાંચોઃ
સુરત મેટ્રોને ડાયરેક્ટ બુલેટ ટ્રેન સાથે જોડાશે
સુરત શહેરમાં પરિવહન વ્યવસ્થાને વધુ સરળ, ઝડપી અને અત્યાધુનિક બનાવવા માટે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. ડાયમંડ સિટીના ટ્રાન્સપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આગામી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન (HSR) પ્રોજેક્ટ સાથે સીધું કનેક્ટ કરવા માટે મેટ્રો નેટવર્કનો વ્યાપ વધારવાની વ્યુહાત્મક યોજના તૈયાર કરવામાં આવી છે. આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ સુરત મેટ્રો હવે સીધી બુલેટ ટ્રેન સ્ટેશન સુધી દોડશે, જેનાથી મુસાફરો આંતરરાષ્ટ્રીય કક્ષાની અદભુત કનેક્ટિવિટીનો લાભ મેળવી શકશે.(સંપૂર્ણ સમાચાર વાંચો)
Read Original Article →