પરિણામ સુધારણા અભિયાન શરૂ:પૂરક પરીક્ષા માટે 10 સેન્ટર પર મફત કોચિંગ અપાશે, નાપાસ વિદ્યાર્થીઓને પાસ કરાવવા શિક્ષકો ઘરે-ઘરે જઈ સેન્ટર સુધી લાવશે
આ વર્ષે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અમદાવાદ શહેરનું પરિણામ સૌથી ઓછું આવ્યું છે. ત્યારે હવે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12માં નાપાસ અથવા પરિણામથી સંતુષ્ટ ન હોય તેવા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા જૂન મહિનામાં યોજાવાની છે. જેથી મોટા ભાગના વિદ્યાર્થીઓ પાસ થાય અને શહેરનું પરિણામ સુધરે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પરિણામ સુધારણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે માટે 10 સેન્ટર પર વિષયના નિષ્ણાત દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવશે. જે માટે ઓછું પરિણામ લાવનાર શાળાઓના આચાર્યને વિદ્યાર્થીઓને સેન્ટર સુધી લાવવા માટેની સૂચના આપવામાં આવી છે. નાપાસ વિદ્યાર્થીઓને પાસ થવા માટેની તક
ગુજરાત બોર્ડમાં પેહલી વખત બેસ્ટ ઓફ ટુ પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે. જેથી હવે જૂન મહિનામાં નાપાસ વિદ્યાર્થીઓ અને પરિણામ સુધારવા માંગતા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જેથી બેસ્ટ ઓફ ટુ આપનાર અને નાપાસ થયેલા વિદ્યાર્થીઓ વધુમાં વધુ પાસ થાય તે માટેનું આયોજન અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા કરવામાં આવ્યું છે. શહેરના 10 સેન્ટર પર વિદ્યાર્થીઓને મફત શિક્ષણ આપવામાં આવશે. વિષય નિષ્ણાત શિક્ષકો પણ વિદ્યાર્થીઓને પરીક્ષા લક્ષી માર્ગદર્શન આપશે. આચાર્ય-શિક્ષકને નાપાસ વિદ્યાર્થીઓના ઘરે જવા સૂચના
તેમજ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ઓછું પરિણામ લાવનાર શાળાઓના ઉધડો લેવામાં આવ્યો હતો. 50 ટકા અથવા તેના કરતા ઓછું પરિણામ લાવનાર શાળાઓના સંચાલક અને આચાર્ય સાથે બેઠક કરવામાં આવી હતી. પૂરક પરીક્ષામાં વધુમાં વધુમાં વિદ્યાર્થીઓ પાસ થાય અને પરિણામ સુધરે તેવા પ્રયાસ કરવા કડક સૂચના આપવામાં આવી છે. તેમજ આચાર્ય અને શિક્ષકને વિદ્યાર્થીઓના ઘરે ઘરે જઈને વાલીઓ સાથે મુલાકાત કરી વિદ્યાર્થીઓને સેન્ટર સુધી લાવવા માટેની પણ સૂચના આપવામાં આવી છે. વધુમાં વધુ વિદ્યાર્થીઓ સેન્ટર પર આવે નિષ્ણાત શિક્ષકો પાસેથી માર્ગદર્શન લે તેવું આયોજન કરવા શાળાઓને કડક આદેશ કરવામાં આવ્યા છે. 10 સેન્ટર પર મફત શિક્ષણ અપાશે
અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, શહેરના 10 સેન્ટર પર મફતમાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવશે. કારણ કે કેટલીક જગ્યાએ શિક્ષકોની ઘટના કારણે પરિણામ પર અસર થઈ છે. જેથી 15 દિવસ સુધી વિદ્યાર્થીઓ સારી રીતે તાલીમ લઈ શકે તે માટે આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસથી ફાયદો થશે
વધુમાં રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, વેકેશન હોવા છતાં શિક્ષકો સમય દાન આપીને વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાના છે. તેમજ ડિજિટલ માધ્યમથી પણ ઓનલાઈન વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી રહ્યા છીએ. નિષ્ણાત શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને વીડિયો બનાવી ઓનલાઇન અભ્યાસ કરાવવામાં આવે છે. તેમજ બીજા જિલ્લાઓને પણ તેનો ડિજિટલ માધ્યમથી લાભ થઈ રહ્યો છે. અત્યારે હજુ પણ ઘણા વિદ્યાર્થીઓને અમે શરૂ કરેલા કેન્દ્રનો ખ્યાલ નથી જેથી તેને માહિતી પહોંચાડવા માટે આચાર્યને સૂચના આપવામાં આવી છે. આચાર્ય અને સંચાલકને વિદ્યાર્થીઓના ઘરે વિઝિટ કરીને પરિણામ સુધારવા પ્રયાસ કરી સેન્ટર સુધી લાવવા માટે આચાર્યને સૂચના આપવામાં આવી છે.
Read Original Article →