ડેટિંગ એપ પર યુવતીને ક્રાઈમ બ્રાંચના PSIની ઓળખ આપી:રોકી પંચાલે ઇન્સ્યોરન્સ કંપનીની મેનેજર સાથે ડેટ કરી; 80 હજાર રૂપિયા પણ પડાવ્યા

Gujarat5/20/2026, 3:52:30 AM
ડેટિંગ એપ પર યુવતીને ક્રાઈમ બ્રાંચના PSIની ઓળખ આપી:રોકી પંચાલે ઇન્સ્યોરન્સ કંપનીની મેનેજર સાથે ડેટ કરી; 80 હજાર રૂપિયા પણ પડાવ્યા
અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં રહેતી એક યુવતીને ડેટિંગ એપ પર લગ્ન માટે લલચાવી, ક્રાઈમ બ્રાંચના સાયબર સેલના નકલી પીએસઆઈની ઓળખ આપીને ₹80,000 પડાવી લેવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. નકલી પોલીસ બનેલો આ ઠગ યુવતી પાસે અવારનવાર વધુ પૈસાની માંગણી કરતો હતો, જેથી યુવતીને શંકા ગઈ હતી. યોગ્ય તપાસ કરાવતા યુવકની પોલ ખુલી ગઈ હતી અને તે પોલીસ નહીં પણ રીઢો ઠગ હોવાનું બહાર આવ્યું હતું. આ મામલે ભોગ બનનાર યુવતીએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ યુનિફોર્મવાળા ફોટા જોઈ યુવતી ભરોસામાં આવી મળતી માહિતી મુજબ, નવરંગપુરા વિસ્તારમાં રહેતી 35 વર્ષીય યુવતી એક પ્રતિષ્ઠિત ઇન્સ્યોરન્સ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. લગ્ન માટે યોગ્ય પાત્રની શોધમાં હોવાથી તેણે એક ડેટિંગ એપ પર એકાઉન્ટ બનાવ્યું હતું. આ દરમિયાન તેની પ્રોફાઈલ 'રોકી પંચાલ' નામના યુવક સાથે મેચ થઈ હતી અને રોકીએ તેને લગ્નનો પ્રસ્તાવ મૂકતો મેસેજ કર્યો હતો. યુવતીએ રોકીની પ્રોફાઈલ ચેક કરી તો તેમાં તેણે પોલીસ યુનિફોર્મ પહેરેલા ફોટા મૂક્યા હતા, જેથી યુવતી તેના પર વિશ્વાસ કરી બેઠી. ત્યારબાદ બંનેએ એકબીજાના ઇન્સ્ટાગ્રામ આઈડી અને ફોન નંબરની આપ-લે કરી હતી. રોકીના સોશિયલ મીડિયા આઈડી પર પણ 'ક્રાઈમ બ્રાંચ સાયબર સેલ ઓફિસર' લખેલું હતું. ઘરે આવીને રડવા લાગ્યો અને મકાનના બહાને ₹80 હજાર પડાવ્યા બંને વચ્ચે ત્રણ-ચાર દિવસ સુધી ફોન, વીડિયો કોલ અને મેસેજ પર વાતચીત થઈ હતી. રોકીએ પોતાની ઓળખ ગુજરાત પોલીસના પીએસઆઈ તરીકે આપી હતી. 16 મેના રોજ રોકી યુવતીને મળવા તેના ઘરે ગયો હતો. ત્યાં જઈને તે ભાવુક થઈને રડવા લાગ્યો હતો અને કહ્યું કે, મારા વતનમાં મકાન બનાવવાનું કામ ચાલુ છે અને હાલ અચાનક પૈસાની ભારે જરૂરિયાત ઊભી થઈ છે. તેની વાતોમાં આવીને યુવતીએ તાત્કાલિક ₹80,000 રોકીના ખાતામાં ટ્રાન્સફર કરી આપ્યા હતા. મોબાઈલ માટે વધુ ₹60 હજાર અને આધાર-પાનકાર્ડ માંગતા શંકા ગઈ બીજા દિવસે બંને ફરીથી વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલા હિલ્લોક ખાતે મળ્યા હતા અને ત્યાંથી એક કેફેમાં ગયા હતા. ત્યાં રોકીએ નવો દાવ ખેલતા કહ્યું કે, મારે પોલીસ ડિપાર્ટમેન્ટના ઓફિશિયલ કામ માટે તાત્કાલિક બે મોબાઈલ ફોનની જરૂર છે. તેણે મોબાઈલ ખરીદવા માટે વધુ ₹60,000ની માંગણી કરી હતી. જોકે, યુવતીએ રોકડા પૈસા આપવાની ના પાડતા રોકીએ લોન પર ફોન ખરીદવાના બહાને યુવતી પાસે તેના આઈડી પ્રૂફ તરીકે આધાર કાર્ડ અને પાનકાર્ડની માંગણી કરી હતી. પરંતુ અવારનવાર પૈસા અને ડોક્યુમેન્ટ્સ માંગવાના કારણે યુવતીને તેના પર સખત શંકા ગઈ હતી, જેથી તેણે ડોક્યુમેન્ટ્સ આપ્યા નહોતા. અસલી નામ 'હિમાંશુ પંચાલ' નીકળ્યું, પોલીસે શરૂ કરી તપાસ યુવતીએ પોતાના સ્તરે ગુપ્ત તપાસ કરાવી તો સામે આવ્યું કે રોકી પંચાલ નામનો કોઈ વ્યક્તિ પોલીસમાં નોકરી કરતો જ નથી અને તેનું અસલી નામ હિમાંશુ પંચાલ છે. હિમાંશુએ પીએસઆઈ તરીકેની ખોટી ઓળખ આપીને, પોલીસના નકલી યુનિફોર્મનો ઉપયોગ કરીને યુવતી સાથે છેતરપિંડી આચરી હતી. આખરે પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનું જણાતા યુવતીએ નવરંગપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે હિમાંશુ પંચાલ વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Read Original Article →