નહેરૂનગર ફાયરિંગ કેસમાં નિવૃત્ત DySP અને સંતાનોની જામીન અરજી રિજેક્ટ:કોર્ટે નોંધ્યું- આરોપીઓ સામે પ્રથમ દૃષ્ટિએ ગંભીર ગુનો, કાયદાના જાણકાર વ્યક્તિએ ફાયરિંગ કર્યું
અમદાવાદના સેટેલાઈટ પોલીસ મથકે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ તેમના પુત્ર સિધ્ધરાજ અને પુત્રી ખ્યાતિ સામે તાજેતરમાં જ સેટેલાઈટ પોલીસ મથકે BNS અને આર્મ્સ એક્ટની કલમો અનુર્ગત ગુનો નોંધાયો છે. તેઓએ જામીન મેળવવા અમદાવાદ સિટી સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જો કે, કોર્ટે આ અરજી નકારી નાખી છે. સ્વબચાવમાં રિવોલ્વરથી જમીન પર ફાયરિંગ કર્યું
અશોકસિંહ ચૌહાણ વતી કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે, અરજદાર તદ્દન નિર્દોષ છે અને તેમને આ કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. અરજદાર નિવૃત્ત DySP છે. તેમની જમીન પર કેટલાક અસામાજિક તત્વોએ ગેરકાયદેસર કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેમના પરિવારના સભ્યોને ધમકાવીને ગાળો આપી હતી. પોલીસને 112 નંબર દ્વારા જાણ કરવા છતાં મદદ સમયસર ન પહોંચતા, અરજદારે પોતાના અને પરિવારના જીવના જોખમને જોતા સ્વબચાવમાં પોતાની લાઇસન્સવાળી રિવોલ્વરથી જમીન પર ફાયરિંગ કર્યું હતું. હત્યાનો ઈરાદો નહોતો માત્ર તોફાની તત્વોને ભગાડવાનો હતો
આ ઘટનામાં કોઈને પણ નાની-મોટી ઈજા થઈ નથી, જે સાબિત કરે છે કે તેમનો ઈરાદો કોઈની હત્યા કરવાનો નહોતો, માત્ર તોફાની તત્વોને ભગાડવાનો હતો. ગુનામાં વપરાયેલું હથિયાર લાઇસન્સવાળું છે અને તે પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દેવામાં આવ્યું હોવાથી હવે કોઈ રિકવરી બાકી રહેતી નથી. અરજદાર સાથે ભાગીદારીમાં ધંધો કરતા હિતેશ નામના વ્યક્તિએ અન્ય લોકો પાસેથી નાણાં પડાવીને અરજદારની છબી ખરડવા અને દબાણ લાવવા માટે આ ખોટી ફરિયાદ ઊભી કરી છે. 2 રાઉન્ડ ફરિયાદીને નિશાન બનાવીને કરવામાં આવ્યા
સામે પક્ષે સરકારી વકીલ અને ફરિયાદીના વકીલે દલીલો કરી હતી કે, આરોપી પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે પોતાની લક્ઝુરિયસ કારમાં આવ્યા હતા અને જાહેર સ્થળે પિસ્તોલમાંથી પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાંથી 2 રાઉન્ડ ફરિયાદીને નિશાન બનાવીને કરવામાં આવ્યા હતા. ઘટનાસ્થળેથી પાંચ ખાલી કારતૂસ પંચોની હાજરીમાં રિકવર કરાયા છે. આ સિવાય CCTV ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનો પરથી સ્પષ્ટ થાય છે કે આરોપીએ ગાળો આપી હતી અને ગુનામાં સક્રિય ભૂમિકા ભજવી હતી. આરોપી સાક્ષીઓને ધમકાવી પુરાવા સાથે છેડછાડ કરી શકે છે
આરોપી ભૂતપૂર્વ પોલીસ અધિકારી હોવાથી અને વગદાર વ્યક્તિ હોવાના કારણે જો તેમને જામીન આપવામાં આવે તો તેઓ સાક્ષીઓને ધમકાવી શકે છે અને પુરાવા સાથે છેડછાડ કરી શકે છે. આરોપી સામે ભૂતકાળમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ પણ ગુનો નોંધાયેલો છે અને તેમની સામે શિસ્તભંગના પગલાં લેવાયા હતા. હાલ આ મામલે તપાસ ખૂબ જ મહત્ત્વના તબક્કામાં હોવાથી જામીન ન આપવા જોઈએ. કોર્ટ આરોપીને નિયમિત જામીન આપવામાં સહમત નથી
બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે નોંધ્યું હતું કે, આરોપી દ્વારા પોતાની લાઇસન્સવાળી પિસ્તોલમાંથી 5 રાઉન્ડ ફાયરિંગ કરવાની ઘટના ખૂબ જ ગંભીર છે. ભલે બચાવ પક્ષ તેને સ્વ-બચાવ ગણાવતો હોય, પરંતુ ફરિયાદી પક્ષના આક્ષેપ મુજબ બે રાઉન્ડ તેમને ટાર્ગેટ કરીને છોડવામાં આવ્યા હતા. આ તબક્કે ગુનાની ગંભીરતા અને હાલમાં ચાલી રહેલી તપાસના મહત્વના તબક્કાને ધ્યાનમાં રાખતા, કોર્ટ પોતાની વિવેકાધીન સત્તાનો ઉપયોગ કરીને આરોપીને નિયમિત જામીન આપવા માટે સહમત નથી. અરજદારને ખોટી રીતે ફસાવવામાં આવ્યા
બીજી તરફ નિવૃત DySP ના સંતાનો દ્વારા કરાયેલી જામીન અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે, અરજદારો સંપૂર્ણપણે નિર્દોષ છે. આ સમગ્ર વિવાદ જમીન સંબંધી બાબતનો છે, જેમાં તેમને બદનામ કરવાના પૂર્વ-આયોજિત કાવતરાના ભાગરૂપે ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. અરજદારો માત્ર 21 અને 25 વર્ષના યુવાનો છે અને બંને વિદ્યાર્થીઓ છે. ઘટનાસ્થળે માત્ર આકસ્મિક રીતે હાજર હોવાને કારણે તેમને આરોપી બનાવવામાં આવ્યા છે, ગુનામાં તેમની કોઈ સક્રિય ભૂમિકા નથી. અરજદારોનો કોઈ ગુનાહિત ઈતિહાસ નથી
કેટલાક તોફાની તત્વો ગેરકાયદેસર મંડળી રચી ગાડીઓમાં આવી વિવાદિત જમીનનો ગેરકાયદે કબજો લેવા આવ્યા હતા અને ત્યાં હાજર અરજદારોને ધમકી આપી ગાળો ભાંડી હતી. પોલીસને ફોન કરવા છતાં પોલીસ સમયસર ન પહોંચતા, નિવૃત DySP પોતાના પરિવારના રક્ષણ માટે લાયસન્સવાળી રિવોલ્વર સાથે આવ્યા હતા. તેમણે માત્ર જમીન પર ફાયરિંગ કર્યું હતું, કોઈને જાનથી મારી નાખવાનો ઈરાદો નહોતો અને આ ઘટનામાં કોઈને સામાન્ય ઈજા પણ થઈ નથી. અરજદારોનો કોઈ ગુનાહિત ઈતિહાસ નથી. પિતાના ગુનાહિત ઈરાદાથી સંપૂર્ણ વાકેફ હતા
સામે સરકારી વકીલ અને ફરિયાદીના વકીલે દલીલો કરી હતી કે, અરજદારોના નામ FIR માં સ્પષ્ટપણે છે. મુખ્ય આરોપી નિવૃત DySP કાયદાથી વાકેફ હોવા છતાં, પૂર્વ-આયોજિત કાવતરાના ભાગરૂપે લક્ઝરી કારમાં આવ્યા હતા અને જાહેર સ્થળે 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાંથી 2 રાઉન્ડ સીધા ફરિયાદી તરફ ટાર્ગેટ કરીને કરાયા હતા. ઘટના સમયે અરજદારોએ ફરિયાદીને ગાળો આપી હતી અને ધમકી આપી હતી કે તેઓના પિતા પિસ્તોલ લઈને આવે છે અને તે બધાને ઉડાવી દેશે. આ દર્શાવે છે કે તેઓ પિતાના હથિયાર સાથે આવવાના ગુનાહિત ઈરાદાથી સંપૂર્ણ વાકેફ હતા. આ ગુનામાં 10 વર્ષ સુધીની સજાની જોગવાઈ
CCTV ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનોથી સાબિત થાય છે કે, આરોપીઓ હાથમાં લોખંડના પાઇપ લઈને ફરતા હતા અને ધમકીઓ આપતા હતા. પંચોની હાજરીમાં લોખંડના રોડ અને ઘટનાસ્થળેથી 5 ખાલી કારતૂસ જપ્ત કરાયા છે. આરોપીના પિતા પોલીસ વિભાગના ભૂતપૂર્વ ઉચ્ચ અધિકારી અને વગદાર વ્યક્તિ હોવાથી, જો આરોપીઓને જામીન આપવામાં આવે તો તેઓ પુરાવા સાથે છેડછાડ કરી શકે છે અને સાક્ષીઓ અથવા ફરિયાદીને ધમકાવી શકે છે. આ ગુનામાં 10 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે અને તપાસ હજુ નાજુક તબક્કામાં છે. કોર્ટે અરજદારોને જામીન આપવાનો ઈનકાર કર્યો
બંને પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટે નોંધ્યું હતું કે, આરોપીઓ સામેના આક્ષેપો પ્રાથમિક દ્રષ્ટિએ ગંભીર પ્રકારના છે. આરોપીઓ ગુનાહિત કૃત્યથી વાકેફ હતા કારણ કે તેમણે ફરિયાદીને અગાઉથી જ પિતા પિસ્તોલ લઈને આવી રહ્યા હોવાની ધમકી આપી હતી. કેસની તપાસ હાલમાં ચાલુ છે અને ખૂબ જ મહત્વના તબક્કામાં છે. ગુનાની ગંભીરતા, પરિસ્થિતિ અને પુરાવાઓને ધ્યાનમાં રાખતા કોર્ટે પોતાની વિવેકાધિન સત્તાનો ઉપયોગ કરીને અરજદારોને જામીન આપવાનો ઈનકાર કર્યો છે.
Read Original Article →