'વચનામૃત' અને 'રિધમ' કાઉ ઘીના નામે ઝેરનો વેપાર:ત્રણ સ્થળેથી 4,850 કિલો શંકાસ્પદ ઘી જપ્ત, રૂ. 31.81 લાખનો જથ્થો સીઝ, આ રીતે ઓળખો અસલી-નકલી ઘી

Gujarat6/9/2026, 11:29:45 AM
'વચનામૃત' અને 'રિધમ' કાઉ ઘીના નામે ઝેરનો વેપાર:ત્રણ સ્થળેથી 4,850 કિલો શંકાસ્પદ ઘી જપ્ત, રૂ. 31.81 લાખનો જથ્થો સીઝ, આ રીતે ઓળખો અસલી-નકલી ઘી
અમદાવાદ શહેરમાં શુદ્ધ ગાયના ઘીના નામે વેચાણ કરવામાં આવી રહેલા શંકાસ્પદ ડુપ્લિકેટ ઘી સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. દક્ષિણ ઝોનના ઇન્દ્રપુરી વોર્ડ વિસ્તારમાં ડેઝિગ્નેટેડ ઓફિસર અને બે ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન શહેરના ત્રણ અલગ-અલગ સ્થળોએથી કુલ અંદાજે 4,850 કિલોગ્રામ શંકાસ્પદ ગાયનું ઘી વેચાણ માટે સીઝ કરવામાં આવ્યું છે. જેની અંદાજિત કિંમત રૂ. 31,81,273 થાય છે. AMCની ટીમે ઇન્દ્રપુરી વિસ્તારમાં લક્ષ્મણભાઈ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, પૂર્વદીપ સોસાયટી પાછળ, સીટીએમ ખાતે આવેલી જગ્યાની તપાસ કરી હતી. આ સ્થળે અરવિંદભાઈ ત્રિકમચંદ નાગર “રિધમ કાઉ ઘી” અને “વચનામૃત કાઉ ઘી”ના સુપર સ્ટોકિસ્ટ તરીકે કામગીરી કરતા હોવાનું સામે આવ્યું હતું. તપાસ દરમિયાન સ્થળ પરથી અંદાજે 3,250 કિલોગ્રામ શંકાસ્પદ ગાયનું ઘી મળી આવ્યું હતું. જેની અંદાજિત કિંમત રૂ. 21,31,785 થાય છે. જ્યારે અન્ય બે વિતરકનો 10,49,488નું ઘી સીઝ કર્યું છે. ઘીનો જથ્થો વેચાણ માટે સ્થગિત કરી સીલ માર્યું ફૂડ સેફ્ટી અધિકારીઓએ ખાદ્ય સુરક્ષા અને ધોરણ અધિનિયમ, 2006 હેઠળ “રિધમ કાઉ ઘી” તથા “વચનામૃત કાઉ ઘી”ના નમૂનાઓ લઈ લેબોરેટરી પરીક્ષણ માટે મોકલ્યા છે. સાથે જ સ્થળ પર રહેલો સમગ્ર જથ્થો વેચાણ માટે સ્થગિત કરવામાં આવ્યો છે અને એકમને સીલ કરી દેવામાં આવ્યું હતું. દસ્ક્રોઈ તાલુકાના પાલડી-કાકંજમાં થતું ઉત્પાદન પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, બંને બ્રાન્ડના ઘીનું ઉત્પાદન દસ્ક્રોઈ તાલુકાના પાલડી-કાકંજ ગામના ઓડે-પીરાણા રોડ ખાતે આવેલા પ્લોટ નંબર 53માં સાર્થક ફૂડ પ્રોડક્ટ્સ દ્વારા કરવામાં આવે છે. આ મામલે વધુ તપાસ અને કાર્યવાહી માટે વિગતો રાજ્ય સરકારના સંબંધિત અધિકારીઓને મોકલવામાં આવી છે. અન્ય બે વિતરકનો જથ્થો પણ સીઝ કર્યો તપાસ દરમિયાન AMCને અમદાવાદ શહેરમાં આ જ ઉત્પાદનોના અન્ય બે વિતરકો અંગે પણ માહિતી મળી હતી. જેમાં વટવા સ્થિત વીરકૃપા ટ્રેડિંગ અને દૂધેશ્વર સ્થિત ત્રિશાલા એજન્સીનો સમાવેશ થાય છે. માહિતી મળતા જ AMC દ્વારા અલગ-અલગ ટીમોને બંને સ્થળોએ મોકલી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન બંને સ્થળોએથી આશરે 1,600 કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો વેચાણ માટે સ્થગિત કરવામાં આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂ. 10,49,488 થાય છે. આમ, AMCના ફૂડ વિભાગ દ્વારા શહેરના ત્રણ અલગ-અલગ સ્થળોએ કરવામાં આવેલી સંયુક્ત કાર્યવાહીમાં કુલ 4,850 કિલોગ્રામ શંકાસ્પદ ગાયનું ઘી વેચાણ માટે સ્થગિત કરવામાં આવ્યું છે, જેની કુલ અંદાજિત કિંમત રૂ. 31,81,273 થાય છે. લેબોરેટરીના પરીક્ષણ અહેવાલ પ્રાપ્ત થયા બાદ સંબંધિત વેપારીઓ અને જવાબદારો સામે ખાદ્ય સુરક્ષા અને ધોરણ અધિનિયમ, 2006 હેઠળ જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ સમાચાર પણ વાંચો 23 એપ્રિલે ‘મુરલીધર ફૂડ પ્રોડક્ટ્સ’ નામે વેચાતું 400 કિલો નકલી ઘી ઝડપાયું હતું 23 એપ્રિલ, 2026ના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ વિભાગે નિકોલ વિસ્તારમાં દરોડા પાડીને લાયસન્સ વગર ગાયનું ડુપ્લીકેટ ઘી બનાવવાનું રેકેટ પકડી પાડ્યું છે. વેજીટેબલ ફેટ અને પામોલીન તેલના મિશ્રણથી બનાવવામાં આવતું આશરે 400 કિલો ભેળસેળિયું ઘી જપ્ત કરી FSSAI અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ એકમ દ્વારા કઠવાડા વેદ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક-2 સ્થિત 'મુરલીધર ફૂડ પ્રોડક્ટ્સ'ને મેન્યુફેક્ચરર તરીકે દર્શાવવામાં આવતા હતા. પેકિંગ પર જે લાયસન્સ નંબરનો ઉલ્લેખ હતો તેની મુદત પણ પૂર્ણ થઈ ચૂકી હતી. ફૂડ વિભાગે સ્થળ પરથી અંદાજિત કિંમત ₹1.60 લાખ કિંમતનો 400 કિલો ગ્રામ (500 ગ્રામ અને 100 મી.લી.ના જાર) ડુપ્લીકેટ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો હતો.(વાંચો સંપૂર્ણ અહેવાલ) એક કિલો શુદ્ધ ઘીમાંથી 15 કિલો 'ઝેર' બનાવતા 16 એપ્રિલ 2026 ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી તરીકે ઓળખાતું સુરત હવે નકલી ખાદ્ય પદાર્થોનું હબ બની રહ્યું હોય તેમ લાગે છે. શહેર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ બાતમીના આધારે સચિન GIDC વિસ્તારમાં એક એવી ફેક્ટરી પર દરોડો પાડ્યો હતો, જે જાણીને કોઈપણ સામાન્ય નાગરિકના હોશ ઉડી જાય. 'સબકા ફૂડ્સ'ના નામે ચાલતી આ ફેક્ટરીમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરી, માત્ર 1 કિલો શુદ્ધ ઘીનો ઉપયોગ કરી તેમાંથી 15 કિલો નકલી 'વિદુર ઘી' તૈયાર કરવામાં આવતું હતું. પોલીસે સ્થળ પરથી લાખોની કિંમતનું નકલી ઘી, મશીનરી અને રોકડ સહિત 35.81 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર
Read Original Article →