વર્ક પરમીટ વિઝાના બહાને છેતરપિંડી:70 લોકો પાસેથી દુબઇની ટોળકીએ 89 લાખ પડાવ્યા, ઉચા વળતર અને ફ્લેટની લાલચ આપી 64 લાખ લઈ લીધા

Gujarat5/21/2026, 2:15:56 PM
વર્ક પરમીટ વિઝાના બહાને છેતરપિંડી:70 લોકો પાસેથી દુબઇની ટોળકીએ 89 લાખ પડાવ્યા, ઉચા વળતર અને ફ્લેટની લાલચ આપી 64 લાખ લઈ લીધા
યુરોપના વિવિધ દેશોમાં વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને કસ્ટમરો પાસેથી દુબઇની ટોળકીએ કુલ 89.57 લાખ પડાવી લીધા છે. જ્યાર ગ્રાહકો VFS ગ્લોબલ કેન્દ્રો ખાતે વિઝા સબમિશન કર્યું, ત્યારે વર્ક પરમિટ અને વિઝા લેટર ખોટા હોવાનો ભાંડો ફૂટ્યો હતો. જ્યારે નિકોલમાં ચાર ગઠિયાઓએ ઓફિસ ખોલી ઊંચા વળતર અને ફ્લેટમાં રોકાણથી નફાની લોભામણી લાલચ આપી નિવૃત હેડ ક્લાર્ક પાસેથી 64 લાખ પડાવ્યા હતા. કૃષ્ણનગર અને નિકોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. યુરોપના પાંચ દેશોમાં વર્ક પરમિટ વિઝા કૃષ્ણનગરમાં રહેતા રાજેશભાઇ સભાગચંદાની પ્રમુખ સ્વામી ઇન્ટરનેશનલ વિઝા કન્સલ્ટન્સીમાં બ્રાન્ચ મેનેજર તરીકે નોકરી કરે છે. વર્ષ 2022માં તેમની મુલાકાત ઇનમીત આચાર્ય અગાઉ રિલાયન્સ કંપનીમાં સાથે નોકરી કરતા હોવાથી જૂની ઓળખાણ હતી. ઇનમીતે પોતે વિદેશ વિઝા કન્સલ્ટિંગનું કામ કરતો હોવાનું અને તેની કંપની ઓરા એઇમ્સ ઓવરસીઝ મુંબઈ તેમજ દુબઈથી સંચાલિત હોવાનું જણાવ્યું હતું. બાદમાં ઇનમીતે તેની કંપની યુરોપના પાંચ દેશો લિથુનીયા, સ્પેન, ફિનલેન્ડ, હંગ્રી અને ઓસ્ટ્રિયામાં વર્ક પરમિટ વિઝા અપાવવાનું કામ કરે છે. કંપનીઓના વર્ક પરમિટ અને ઓફર લેટર મોકલી આપ્યા જેથી રાજેશભાઇ અને તેમની પેઢીના માલિક ધર્મેન્દ્ર વૈષ્ણવે સપ્ટેમ્બર 2023માં અન્ય ભાગીદારો સાથે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ એગ્રીમેન્ટ કરવામાં આવ્યું હતું. એગ્રીમેન્ટ મુજબ યુરોપની વર્ક પરમિટ માટે વ્યક્તિ દીઠ રૂ. 4 લાખ નક્કી થયા હતા. જેથી કન્સલટન્સી દ્વારા કુલ 70 લોકોના વર્ક પરમિટની ફાઇલ મોકલવામાં આવી હતી. જેની સામે કુલ 89.57 લાખ ગ્રાહકો પાસેથી મેળવીને ટ્રાન્સફર કર્યા હતા. આરોપીઓએ ગ્રાહકો માટે ફિનલેન્ડની કંપનીઓના વર્ક પરમિટ તેમજ ઓફર લેટર મોકલી આપ્યા હતા. તમામ વર્ક પરમિટ અને વિઝા લેટર્સ નકલી ગ્રાહકોએ મુંબઈ, જયપુર, દિલ્હી, અમદાવાદ અને બેંગ્લોર જેવા શહેરોમાં VFS ગ્લોબલ કેન્દ્રો ખાતે વિઝા સબમિશન કર્યું, ત્યારે સત્તાવાળાઓ તરફથી જાણવા મળ્યું કે તમામ વર્ક પરમિટ અને વિઝા લેટર્સ નકલી છે. જેથી ભોગ બનનાર ગ્રાહકોએ કન્સલ્ટન્સીનો સંપર્ક કરતા રાજેશભાઇએ દુબઈ સ્થિત પેઢીને મેઇલ કર્યો હતો. રાજેશભાઇએ રૂબરૂ દુબઈ જઈને પૈસાની માંગણી કરી હોવા છતાં આરોપીઓએ કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો અને ફોન ઉપાડવાના પણ બંધ કરી દીધા હતા. આ અંગે કંટાળીને રાજેશભાઇએ ઇનમીત આચાર્ય, નીરજ પટેલ, હિમાંશુ મેહનત, રિક્ષિત મહેનત અને દિવ્યેશ પટેલ સામે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. 1 લાખના રોકાણ સામે દર મહિને 4 હજાર વળતર જ્યારે પાલનપુરમાં રહેતા મણીલાલ પ્રજાપતિ વર્ષ 2021માં જીઇબીમાંથી હેડ ક્લાર્ક તરીકે નિવૃત થયા હતા. ગત સપ્ટેમ્બર-ઓક્ટોબર 2021માં ફેસબુક પર અમદાવાદ બિઝનેસ ગ્રુપ નામના પેજ પર એક જાહેરાત જોઈ હતી. જેમાં અંશ ફંડ એન્ડ ઇન્વેસ્ટર ફાઇનાન્સ એન્ડ માર્કેટિંગ પ્રા. લી. કંપનીમાં 1 લાખ રૂપિયાના રોકાણ સામે દર મહિને 4 હજાર રૂપિયા વળતર મેળવવાની અને ગમે ત્યારે ઉપાડી શકો તેવી લોભામણી સ્કીમ દર્શાવવામાં આવી હતી. 21 લાખના રોકાણ સામે ફ્લેટનો દસ્તાવેજ કરી આપવાનું વચન આપ્યું જાહેરાતના આધારે નિકોલમાં ઓફિસે આવ્યા ત્યાં ગુણવંત રાણપરીયા, ધર્મેશભાઇ કાનાણી, મુકેશભાઇ પંચોલી અને હિતેષ બુલદે નામના શખ્સો મળ્યા હતા. બાદમાં ગઠિયાઓએ તેમની કંપની રિયલ એસ્ટેટ, સરકારી રોડના કોન્ટ્રાક્ટ, શેરબજાર અને રશિયા જેવા દેશોમાં રોકાણ કરીને મોટો પ્રોફિટ મેળવે છે. રોકાણકારોને આકર્ષવા 21 લાખના રોકાણ સામે સિક્યુરિટી તરીકે નરોડા-દહેગામ રોડ પર આવેલા પાવન રેસીડેન્સીમાં ફ્લેટનો દસ્તાવેજ કરી આપવાનું વચન આપ્યું હતું. નિવૃત્ત ક્લાર્કે RTGS થી 63 લાખનું રોકાણ કર્યું જે બાદ નિવૃત્ત ક્લાર્કે નિવૃત્તિના ફંડમાંથી જુદા જુદા ત્રણ સમજુતી કરારો મારફતે ચેક અને RTGS થી કુલ રૂ. 63 લાખનું રોકાણ કર્યું હતું. ઉપરાંત ફ્લેટના રજિસ્ટર વેચાણ દસ્તાવેજ કરાવવાના બહાને આરોપી મુકેશ પંચોલીએ વધુ 7 લાખ રૂપિયા રોકડા લીધા હતા. શરૂઆતના ત્રણ મહિના સુધી આરોપીઓએ નક્કી કર્યા મુજબ માસિક વળતર ચૂકવ્યું હતું. પરંતુ ત્યારબાદ વળતર આપવાનું બંધ કરી દીધું હતું. સિક્યુરિટી પેટે જે ફ્લેટના બાનાખત કરી આપવામાં આવ્યા હતા. બિલ્ડરને આરોપીઓએ બાકીના નાણાં ચૂકવ્યા ન હોવાથી બિલ્ડરે મણીલાલને નોટિસ મોકલી બાનાખત કેન્સલ કરી દીધા હતા અને 6 લાખ રૂપિયા પરત કર્યા હતા. બાકીના 64 લાખ રૂપિયા પરત મેળવવા માટે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતા અને પોતાની ઓફિસ તેમજ રહેઠાણના સરનામા બદલીને ફરાર થઈ ગયા હતા. રાજકોટના લોકોને પણ આ ગઠિયાઓએ ઠગ્યા છે. આ અંગે નિવૃત ક્લાર્કે ચારેય સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોધાવી છે.
Read Original Article →