નેપાળ ટુરના બહાને છેતરપિંડી:ડેન્ટલ ડોક્ટર પાસેથી 5.14 લાખ પડાવી ટુર રદ કરી દીધી, ટ્રાવેલ્સના સંચાલકો સામે પોલીસ ફરિયાદ

Gujarat6/5/2026, 3:09:39 PM
નેપાળ ટુરના બહાને છેતરપિંડી:ડેન્ટલ ડોક્ટર પાસેથી 5.14 લાખ પડાવી ટુર રદ કરી દીધી, ટ્રાવેલ્સના સંચાલકો સામે પોલીસ ફરિયાદ
અમદાવાદ શહેરમાં ગુનાખોરીની બે ચોંકાવનારી ઘટનાઓ પ્રકાશમાં આવી છે. પ્રથમ કિસ્સામાં, નવરંગપુરાની એક ટ્રાવેલ્સ એજન્સીના સંચાલકોએ નેપાળ યાત્રાના નામે એક જાણીતા ડોક્ટર અને તેમના પરિવાર પાસેથી એડવાન્સ રૂપિયા મેળવી લીધા બાદ ટૂર કેન્સલ કરીને રૂ. 5.14 લાખની ઠગાઈ આચરી છે. જ્યારે બીજા કિસ્સામાં, માણેકચોકના સોના-ચાંદીના વેપારીની દુકાનમાં દોઢ વર્ષથી નોકરી કરતા વિશ્વાસુ કર્મચારીએ ટુકડે-ટુકડે રૂ. 40 લાખની કિંમતના સોનાની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. બંને મામલે પોલીસે ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટના-1: નેપાળના છપૈયા-પુલ્હાશ્રમની ટૂરના નામે ડોક્ટર સાથે રૂ.5.14 લાખની છેતરપિંડી નિકોલ વિસ્તારમાં ડેન્ટલ ક્લીનીક ધરાવતા ડોક્ટર દિનેશભાઈ નાકરાણીએ જુલાઈ 2025માં તેમના પરિવારના 26 સભ્યો સાથે નેપાળના છપૈયા-પુલ્હાશ્રમની ધાર્મિક યાત્રા પર જવાનું આયોજન કર્યું હતું. આ માટે તેમણે નવરંગપુરામાં આવેલી ‘ક્રીષ્ના ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ’નો સંપર્ક સાધ્યો હતો. એજન્સીના સંચાલકો આશિક પટેલ અને અવધ પટેલે તેમને કુલ રૂ. 12 લાખનું પેકેજ સમજાવ્યું હતું. સંચાલકોએ એવી પણ ખાતરી આપી હતી કે જો કોઈ સંજોગોમાં ટૂર રદ થશે, તો એર ટિકિટની પૂરેપૂરી રકમ પરત (Refund) કરી દેવામાં આવશે. વિશ્વાસમાં આવીને ડોક્ટરે એડવાન્સ પેટે રૂ.5.14 લાખ ચૂકવી દીધા હતા. ત્યારબાદ, બંને સંચાલકોએ "નેપાળમાં તોફાનો શરૂ થયા છે તેથી ટૂર રદ કરવી પડી છે" તેમ કહીને એક મહિનામાં 50 ટકા રકમ અને એર ટિકિટના પૂરા પૈસા પાછા આપવાનું વચન આપ્યું હતું. જો કે, લાંબો સમય વીતવા છતાં ટ્રાવેલ્સ સંચાલકોએ એક પણ રૂપિયો પરત ન આપી ગલ્લા-તલ્લા શરૂ કર્યા હતા. પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનું જણાતા અંતે ડોક્ટરે નવરંગપુરા પોલીસ મથકમાં આશિક પટેલ અને અવધ પટેલ વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ઘટના-2: માણેકચોકની દુકાનમાંથી વિશ્વાસુ નોકરે જ રૂ. 40 લાખનું સોનું ચોર્યું બીજી ઘટના શહેરના ઐતિહાસિક સોના-ચાંદીના બજાર માણેકચોકમાંથી સામે આવી છે. બોપલ વિસ્તારમાં રહેતા મુકેશભાઈ સોની માણેકચોકમાં દાગીનાનો વ્યવસાય કરે છે. તેમની દુકાનમાં છેલ્લા દોઢ વર્ષથી ધવલ બુરસે (રહે. વસ્ત્રાલ) નામનો યુવક નોકરી કરતો હતો. મુકેશભાઈએ દુકાનનો તમામ હિસાબ-કિતાબ અને સ્ટોક સાચવવાની મુખ્ય જવાબદારી ધવલને જ સોંપી હતી. ગત 29 તારીખે ધવલ અચાનક દુકાને હાજર ન થતાં માલિકે તેને ફોન કર્યો હતો, પરંતુ તેનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ આવ્યો હતો. ધવલનો ફોન બંધ આવતા માલિક મુકેશભાઈને શંકા ગઈ હતી, જેથી તેમણે તુરંત દુકાનના સ્ટોકની ઓડિટ તપાસ કરાવી હતી. તપાસ દરમિયાન માલૂમ પડ્યું કે છેલ્લા કેટલાક મહિનાઓમાં સ્ટોકમાંથી કુલ 280 ગ્રામ સોનું ઓછું હતું. ધવલ પાસે જ તમામ વહીવટ હોવાથી તેણે જ આ આશરે રૂ. 40 લાખના સોનાની ટુકડે-ટુકડે ચોરી કરી હોવાનું સ્પષ્ટ થયું હતું. આ અંગે મુકેશભાઈએ ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં આરોપી ધવલ બુરસેની ધરપકડ કરી લીધી છે.
Read Original Article →