વજન કાંટામાં ટેકનિકલ ચેડા કરી વેપારીને છેતરતી ગેંગ ઝડપાઈ:ચિપથી વજન ઓછું બતાવી લાખોનો ભંગાર સસ્તા ભાવે ખરીદતા, ક્રાઈમ બ્રાન્ચે 7 સાગરીતોને દબોચ્યા

Gujarat4/13/2026, 11:45:13 AM
વજન કાંટામાં ટેકનિકલ ચેડા કરી વેપારીને છેતરતી ગેંગ ઝડપાઈ:ચિપથી વજન ઓછું બતાવી લાખોનો ભંગાર સસ્તા ભાવે ખરીદતા, ક્રાઈમ બ્રાન્ચે 7 સાગરીતોને દબોચ્યા
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વટવા વિસ્તારમાં વજન કાંટામાં ટેકનિકલ ચેડા કરી સ્ક્રેપ ખરીદીમાં કરોડો રૂપિયાની છેતરપિંડી કરતી એક હાઈટેક ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ મામલે 7 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે ગેંગનો માસ્ટર માઈન્ડ સહિત 5 શખ્સો હજુ ફરાર છે. આ ટોળકી છેલ્લા 3 થી 4 વર્ષથી ગુજરાત સહિત મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં સક્રિય હતી. ચિપ અને રિમોટ કંટ્રોલનો ખેલ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં બહાર આવ્યું છે કે, આ ગેંગ વજન કરવાના ઇલેક્ટ્રોનિક કાંટામાં ખાસ પ્રકારની ગેરકાયદેસર ચિપ ફિટ કરતી હતી. આ ચિપને કારણે મશીન પર સ્ક્રેપનું વાસ્તવિક વજન ઓછું દેખાતું હતું. આરોપીઓ પાસે વિશિષ્ટ રિમોટ કંટ્રોલ હતા, જેના દ્વારા તેઓ પોતાની મરજી મુજબ વજન ઘટાડીને ખોટી વજન ચીઠ્ઠી કઢાવતા હતા. ઓછું વજન બતાવી સસ્તા ભાવે સ્ક્રેપ ખરીદી અન્ય વેપારીઓને વેચી દઈ કંપનીઓ અને સ્ક્રેપયાર્ડને મોટું આર્થિક નુકસાન પહોંચાડતા હતા. ગેંગનું માળખું અને કાર્યવિભાજન આ ઠગ ગેંગ વ્યવસ્થિત નેટવર્ક દ્વારા કામ કરતી હતી. વોન્ટેડ માસ્ટર માઈન્ડ રજનીશ કશ્યપ જે ચિપ પૂરી પાડતો હતો. હેમંતકુમાર અને સંકેત રાવલ કંપનીઓનો સંપર્ક કરતા, જ્યારે વિજય ઠાકોર અને મનીષ રબારી ટેન્ડર ભરવાનું કામ કરતા હતા. ઠગાઈથી મેળવેલો સામાન વિનોદ, મુકેશ અને સુનિલ પટણી અન્ય વેપારીઓને વેચી દેતા હતા. પોલીસે 19 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો પોલીસે આરોપીઓ પાસેથી કુલ 19 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં 80 હજારની કિંમતની 4 ઇલેક્ટ્રોનિક ચિપ, 65 હજારની કિંમતના 13 રિમોટ કંટ્રોલ અને 12 મોબાઈલ ફોન અને એક કાર જપ્ત કરી છે.
Read Original Article →