12 વર્ષ એક્ટિંગ કરનાર ગુજરાતી હીરો ખૂની નીકળ્યો:આમિર ખાન સાથે અને ‘જયેશભાઈ જોરદાર’માં કામ કર્યું; હવે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ ‘ફિલ્મ ઉતારશે’

Gujarat5/21/2026, 6:36:55 AM
12 વર્ષ એક્ટિંગ કરનાર ગુજરાતી હીરો ખૂની નીકળ્યો:આમિર ખાન સાથે અને ‘જયેશભાઈ જોરદાર’માં કામ કર્યું; હવે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ ‘ફિલ્મ ઉતારશે’
રૂપેરી પડદા પર નાના મોટા રોલ કરતો, નાટકોમાં અભિનય કરતો અને ફિલ્મી દુનિયામાં ઓળખ ઉભી કરતો એક કલાકાર હકીકતમાં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલો ફરાર કેદી નીકળ્યો છે. વર્ષો સુધી મુંબઈની ફિલ્મી દુનિયામાં ફરતો રહ્યો છતાં કોઈને તેની અસલી ઓળખનો અંદાજ પણ આવ્યો નહીં. પરંતુ આખરે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળેલી એક બાતમીએ આખા ફિલ્મી ચહેરા પાછળ છુપાયેલો ગુનેગાર બહાર લાવી દીધો હતો. ક્રાઇમ બ્રાન્ચે ઘી કાંટા મેટ્રો સ્ટેશન પાસેથી હત્યાના ગુનામાં ફરાર આરોપી હેમંત નગીનદાસ મોદીની ધરપકડ કરી છે જેણે ઠગ્સ ઓફ હિન્દુસ્તાન, જયેશભાઈ જોરદાર સહિતની વિવિધ ફિલ્મોમાં કામ કર્યુ છે, પરંતુ હકીકતમાં તે એક હત્યાનો આરોપી છે જેને કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી હતી. પેરોલ જમ્પ કરી ફરાર થઈ ગયો હેમંત નગીનદાસ મોદીએ વર્ષ 2005માં નરોડા વિસ્તારમાં હત્યાનો ગુનો આચર્યો હતો. કેસ ચાલ્યા બાદ કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી હતી.ત્યારબાદ તેને મહેસાણા જેલમાં મોકલવામાં આવ્યો હતો.જેલમાં સજા ભોગવતા ભોગવતા હેમંત સંપૂર્ણપણે તૂટી ગયો હતો. તેણે પોતાની પત્નીને કહી દીધું હતું કે હવે મારું આખું જીવન જેલમાં જ પસાર થવાનું છે. આ વાત સાથે તેણે પત્નીને છુટાછેડા પણ આપી દીધા હતા, પરંતુ છુટાછેડા બાદ હેમંતના મનમાં ફરીથી જીવન જીવવાનો વિચાર આવ્યો. વર્ષ 2014માં પેરોલ પર બહાર આવ્યા બાદ તેણે જેલમાં પરત જવાની જગ્યાએ સીધો પેરોલ જમ્પ કરી દીધો અને ફરાર થઈ ગયો. મુંબઈ જઈ અભિનેતા બની ગયો ફરાર થયા બાદ હેમંત મુંબઈ પહોંચી ગયો હતો. જ્યાં તેણે પોતાની ઓળખ છુપાવી ફિલ્મ અને નાટ્ય જગતમાં કામ શરૂ કર્યું હતું. ચોંકાવનારી વાત એ છે કે વર્ષો સુધી આરોપી ફિલ્મો, સિરીઝ અને નાટકોમાં અભિનય કરતો રહ્યો છતાં પોલીસ પણ તેને ઓળખી શકી નહોતી.તપાસમાં સામે આવ્યું છે કે હેમંત મોદીએ ઠગ્સ ઓફ હિન્દુસ્તાન, જયેશભાઈ જોરદાર સહિત અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું. સાથે જ અલગ અલગ નાટકો અને સિરીઝમાં પણ તેણે અભિનય કર્યો હતો. ફિલ્મી દુનિયામાં એક સામાન્ય સ્ટ્રગલિંગ એક્ટર તરીકે જીવતો હેમંત હકીકતમાં હત્યાના ગુનામાં સજા પામેલો ફરાર આરોપી હતો. અમદાવાદમાં જોવા મળતાં જ ક્રાઇમ બ્રાન્ચ એક્ટિવ થઈ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે વર્ષોથી ફરાર આરોપી હેમંત મોદી અમદાવાદમાં જોવા મળ્યો છે. બાતમી મળતા જ ક્રાઇમ બ્રાન્ચે તેની હિલચાલ પર નજર રાખવાની શરૂઆત કરી હતી. ટેક્નિકલ સર્વેલન્સ, જૂના સંપર્કો અને ગુપ્ત માહિતીના આધારે આખરે ટીમે ઘી કાંટા મેટ્રો સ્ટેશન પાસે વોચ ગોઠવી હતી.જ્યાંથી હેમંત મોદીને ઝડપી લેવામાં આવ્યો હતો. શરૂઆતમાં તેણે પોતાની ઓળખ છુપાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસની પૂછપરછમાં આખરે સમગ્ર સત્ય બહાર આવી ગયું હતું. કલાકાર ફરી એકવાર જેલના સળિયા પાછળ હેમંત મોદીનું જીવન કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટ જેવું જ છે. એક તરફ હત્યાના ગુનામાં આજીવન કેદની સજા. બીજી તરફ મુંબઈની ચમકદમક ભરેલી ફિલ્મી દુનિયામાં કલાકાર તરીકે નવી ઓળખ. પરંતુ વર્ષો સુધી કાયદાથી ભાગતો આ કલાકાર આખરે ક્રાઇમ બ્રાન્ચની જાળમાંથી બચી શક્યો નહીં અને ફરી એકવાર જેલના સળિયા પાછળ પહોંચી ગયો છે. આરોપીની ફિલ્મી પ્રોફાઇલ જોઈ ક્રાઇમ બ્રાન્ચ ચોંકી ઉઠી હેમંત મોદી વર્ષો સુધી ફિલ્મી દુનિયામાં અભિનય કરતો રહ્યો છતાં પોલીસ પણ તેને ઓળખી શકી નહોતી. એક તરફ ફિલ્મોના સેટ પર કેમેરા સામે એક્ટિંગ કરતો હતો તો બીજી તરફ પોલીસ રેકોર્ડમાં તે આજીવન કેદનો ફરાર આરોપી તરીકે વોન્ટેડ હતો. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પણ આરોપીની ફિલ્મી પ્રોફાઈલ જોઈને ચોંકી ઉઠ્યા હતા.
Read Original Article →