ભાજપના નેતાઓના બોલિવૂડ સોન્ગ પર લટકા-ઝટકા, VIDEO:અમદાવાદમાં ઋણ સ્વીકાર સંમેલનમાં MLA જીતુ ભગતની હાજરીમાં ગીતોની રમઝટ, 'પિયા તું અબ તો આજા' પર કોર્પોરેટર-હોદ્દેદારો ઝૂમ્યા
અમદાવાદના નારણપુરા વિધાનસભાના સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડના કોર્પોરેટરો, પૂર્વ કોર્પોરેટરો અને વોર્ડના હોદ્દેદારો-કાર્યકર્તાઓ બોલિવૂડ સોન્ગ પર ડાન્સ કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલી કામગીરીને બિરદાવા માટે કાર્યકર્તા ઋણ સ્વીકાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. બોલિવૂડ સોન્ગ પર કાર્યકર્તા-હોદ્દેદારો મન મૂકીને ઝૂમી ઉઠ્યા
આ સંમેલનમાં નારણપુરાના ધારાસભ્ય જીતુ ભગત સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા, ત્યારે આ કાર્યક્રમમાં 'સલામે ઇશ્ક મેરી જાન જરા કબૂલ કર લો' જેવા ગીતો પણ ગવાયા હતા. જોકે 'પિયા તું અબ તો આજા, શોલા સા મન દહેકે આકે બુઝા જા' ગીત પર કાર્યકર્તા-હોદ્દેદારો મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા. કોર્પોરેટરોનો વીડિયો વાઈરલ થતા અનેક સવાલો ઉભા થયા
ભાજપના કોર્પોરેટર જીતુ ખચરિયા, રાકેશ પરીખ, વોર્ડ પ્રમુખ પ્રિયાંક ગોર સહિતના ભાજપના હોદ્દેદારો દમ મારો દમ ગીત પર નાચતા જોવા મળ્યા હતા. સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડના ભાજપના કોર્પોરેટર રાકેશ પરીખ કમિટીના ચેરમેન બનવા માટેના દાવેદાર ગણાય છે, ત્યારે તેમનો આ વીડિયો વાઈરલ થતા અનેક સવાલો ઉભા થયા છે. શહેર ભાજપ પ્રમુખ, મહામંત્રી સહિતના દિગ્ગજો હાજર રહ્યા
કાર્યકર્તાના ઋણ સ્વીકાર સંમેલનમાં અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ, મહામંત્રી દર્શક ઠાકર, પ્રદેશ સોશિયલ મીડિયા કન્વીનર મનન દાણી સહિતના નેતાઓ પણ હાજર હતા. આ સંમેલનમાં ગીત-સંગીતનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આ પ્રકારે ગીતો ગાવા અને ડાન્સ કરવા અંગેના વીડિયો વાઇરલ થતા અનેક સવાલ ઉભા થયા છે.
Read Original Article →