વિદેશ મોકલવાની લાલચ આપી યુવક સાથે લાખોની છેતરપિંડી:7.50 લાખનો ખર્ચ બતાવી 4.50 લાખ પડાવ્યા, કન્સલ્ટન્સી કંપનીના ડાયરેક્ટર સહિત ત્રણ સામે ફરિયાદ
અમદાવાદ શહેરમાં વિદેશ મોકલવાના નામે છેતરપિંડીના બનાવો સતત સામે આવી રહ્યા છે. તાજેતરમાં શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતા એક યુવકે તેના ભાઈને લક્ઝમ્બર્ગ મોકલવા માટે સીજી રોડ પર આવેલી એક કન્સલ્ટન્સી કંપનીનો સંપર્ક કર્યો હતો. કંપનીના ડાયરેક્ટર અખિલ ચતુર અને નીતા ચતુરે છ મહિનામાં લક્ઝમ્બર્ગનો વિઝા અપાવી દેવાની બાંયધરી આપી હતી. તેમજ ટોકન રકમ, ઓફર લેટર અને વિઝા પ્રક્રિયાના નામે તબક્કાવાર ચૂકવણી કરવાની શરતો મૂકી હતી. જેથી વિશ્વાસમાં આવીને ફરિયાદી મેહુલકુમાર વાડદોરીયાએ શરૂઆતમાં એક લાખ રૂપિયા ચૂકવ્યા હતા. આરોપીઓએ વિઝા પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવાની ખાતરી આપીને આગળની કાર્યવાહી શરૂ કરાવી હતી. અલગ અલગ બહાના હેઠળ પાંચ લાખ રૂપિયા પડાવી લીધા
ઉમંગી મોદી નામની મહિલાએ ફરિયાદીનો સંપર્ક કરીને લક્ઝમ્બર્ગના બદલે ફિનલેન્ડનો વિઝા ઝડપથી અને સરળતાથી અપાવી શકાય તેવી લાલચ આપી હતી. ફિનલેન્ડનો વિઝા માત્ર 60 દિવસમાં અપાવી દેવાની ખાતરી સાથે કુલ 7.50 લાખ રૂપિયાનો ખર્ચ બતાવવામાં આવ્યો હતો. આરોપીઓએ પીસીસી, મેડિકલ ચેકઅપ અને બાયોમેટ્રિક પ્રક્રિયા પણ કરાવી હતી. ત્યારબાદ ઓફર લેટર આવી ગયું હોવાનું કહીને વધુ એક લાખ રૂપિયા વસૂલવામાં આવ્યા હતા. ત્યારપછી ફિનલેન્ડની એર ટિકિટ અને વિઝાની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ત્રણ લાખ રૂપિયા વધુ લેવામાં આવ્યા હતા. અલગ અલગ બહાનાં હેઠળ કુલ પાંચ લાખ રૂપિયા આરોપીઓએ ફરિયાદી પાસેથી મેળવી લીધા હતા. રૂપિયા પરત માગ્યા તો ફક્ત 50 હજાર પરત કર્યા
જોકે રૂપિયા ચૂકવ્યા બાદ પણ ફરિયાદીના ભાઈને ન તો લક્ઝમ્બર્ગનો અને ન તો ફિનલેન્ડનો વિઝા મળ્યો હતો. એર ટિકિટ કે અન્ય કોઈ પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી નહોતી. પોતે છેતરાયા હોવાની શંકા જતાં મેહુલકુમારે આરોપીઓ પાસે ચૂકવેલી રકમ પરત માંગતાં માત્ર 50 હજાર રૂપિયા જ પરત આપવામાં આવ્યા હતા. બાકીના 4.50 લાખ રૂપિયા પરત આપવા માટે અનેક વખત ઉઘરાણી કરવા છતાં આરોપીઓએ કોઈ જવાબ ન આપતા આખરે મેહુલકુમારે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અખિલ ચતુર, નીતા ચતુર અને ઉમંગી મોદી સામે છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. કસ્ટમર સેલ્સ એક્ઝિક્યુટિવે કન્સ્ટ્રકશન કંપનીની જાણ બહાર 24 લાખની ઉચાપત કરી
અમદાવાદના બિલ્ડર જગતના જાણીતા સાન્વી નિર્માણ ગ્રૂપમાં કામ કરતા કસ્ટમર સેલ્સ એક્ઝિક્યુટિવ દ્વારા લાખો રૂપિયાની ઉચાપત આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બોડકદેવ વિસ્તારમાં ઓફિસ ધરાવતા સાન્વી નિર્માણ ગ્રૂપની ચાંદલોડિયા ખાતે આરંભ વિસ્તારા નામની 480 ફ્લેટ અને 29 દુકાનની યોજનામાં બુકિંગ કરાવનાર ગ્રાહકો પાસેથી વકીલ ફી અને સ્ટેમ્પ ડ્યૂટીની રકમ વસૂલવાની જવાબદારી ભાવિન સોની નામના કર્મચારીને સોંપવામાં આવી હતી. ગત માર્ચ મહિનામાં કેટલાક ગ્રાહકોએ બિલ્ડરની ઓફિસે પહોંચી રજૂઆત કરી હતી કે તેઓએ જરૂરી ચાર્જ ચૂકવી દીધા હોવા છતાં તેમના દસ્તાવેજ કરવામાં આવ્યા નથી. ફરિયાદ બાદ કંપનીએ આંતરિક તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન સેલ્સ કલેક્શન મેનેજરે ભાવિન સોની પાસે હિસાબ માંગતા તેણે બે-ત્રણ દિવસમાં વિગતો આપવાની ખાતરી આપી હતી, પરંતુ ત્યારબાદ નોકરીએ આવવાનું બંધ કરી દીધું હતું અને ફોનનો પણ જવાબ આપ્યો નહોતો. વધુ તપાસમાં સામે આવ્યું કે આરોપીએ છ ગ્રાહકો પાસેથી મેળવેલા 13.18 લાખ રૂપિયા તેમજ 58 ફ્લેટ ધારકો પાસેથી દસ્તાવેજ માટે વસૂલેલી 11.60 લાખ રૂપિયાની વકીલ ફી સહિત કુલ 24.78 લાખ રૂપિયા કંપનીમાં જમા કરાવ્યા નહોતા. સમગ્ર મામલે સાન્વી નિર્માણમાં સેલ્સ કલેક્શન મેનેજર તરીકે ફરજ બજાવતા પાવનભાઈ લીમ્બડીયાએ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ન્યૂ મણિનગરના રહેવાસી ભાવિન સોની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ અને વધુ તપાસ શરૂ કરી છે.
Read Original Article →