સોલા પોલીસના કોન્સ્ટેબલે 70 હજારની લાંચ માંગી:ચિટિંગ કેસમાં વહેલી ચાર્જશીટ કરી બીજો ગુનો ન નોંધવા કોન્સ્ટેબલ વતી લાંચ લેતો વચેટિયો ઝડપાયો
અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં જેલમાં રહેલા આરોપીને વધુ હેરાન ન કરવા અને નવો ગુનો દાખલ ન કરવાના બદલામાં ₹70 હજારની લાંચ માંગનાર કોન્સ્ટેબલ લક્ષ્મણ મોરી વતી વચેટિયો બ્રિજેશ શ્રીમાળી ₹50 હજાર લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયો છે. એસીબીએ સરખેજ સર્કલ પાસે છટકું ગોઠવી વચેટિયાની ધરપકડ કરી છે, જ્યારે આરોપી કોન્સ્ટેબલ હાલ ફરાર થઈ ગયો છે. ગુનો દાખલ ન કરવાના બહાને ₹1.20 લાખની માંગ કરી
ઘટનાની વિગતો મુજબ, સોલા પોલીસ સ્ટેશનમાં નાણાકીય છેતરપિંડીના એક ગુનામાં આરોપીની ધરપકડ કરી તેને સાબરમતી જેલ મોકલી દેવામાં આવ્યો હતો. આ કેસમાં તપાસ કરી રહેલા કોન્સ્ટેબલ લક્ષ્મણ મોરીએ આરોપીના ભાઈ પાસે ચાર્જશીટ ઝડપથી ફાઇલ કરવા, જામીન અપાવવામાં મદદ કરવા અને અન્ય કોઈ ગુનો દાખલ ન કરવાના બહાને કુલ ₹1.20 લાખની માંગણી કરી હતી. અંતે રકઝક બાદ ₹70 હજાર આપવાનું નક્કી થયું હતું. ₹20,000 ફોન પે મારફતે વચેટિયાને ચૂકવ્યા
આ સોદાબાજીના ભાગરૂપે આરોપીના ભાઈએ અગાઉ ₹20,000 ફોન પે (PhonePe) મારફતે વચેટિયા બ્રિજેશ શ્રીમાળીને ચૂકવી દીધા હતા. બાકીના ₹50,000 આપવા માંગતા ન હોવાથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ ફરિયાદના આધારે સરખેજ સર્કલ નજીક આવેલા 'ઉપસરપંચ ટી સ્ટોલ' પર છટકું ગોઠવ્યું હતું. કોન્સ્ટેબલ વતી ₹50,000 સ્વીકારવા બ્રિજેશ ઝડપાયો
બ્રિજેશ શ્રીમાળી જ્યારે કોન્સ્ટેબલ વતી બાકીના ₹50,000ની રોકડ રકમ સ્વીકારવા આવ્યો ત્યારે એસીબીએ તેને રંગેહાથ ઝડપી લીધો હતો. આ કાર્યવાહીની ગંધ આવી જતાં મુખ્ય આરોપી કોન્સ્ટેબલ લક્ષ્મણ મોરી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. હાલ એસીબીએ વચેટિયા વિરુદ્ધ કાર્યવાહી કરી ફરાર કોન્સ્ટેબલને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
Read Original Article →