રસ્તો રોકવાનો પ્રયાસ કરતાં કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત:'પેપર ચોર ગાદી છોડ'ના નારા સાથે કેન્દ્રીય શિક્ષણમંત્રીના રાજીનામાની માગ, કોંગ્રેસનો બાપુનગરમાં હલ્લાબોલ
દેશભરમાં વધતી જતી મોંઘવારી અને NEET પરીક્ષામાં થયેલા કથિત ગોટાળાના મુદ્દે કોંગ્રેસે ભાજપ સરકાર સામે મોરચો ખોલ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આહ્વાન પર અમદાવાદના બાપુનગર વિધાનસભા વિસ્તારમાં કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા હતા. કોંગ્રેસના કાર્યકર્તાઓએ રસ્તા પર ઉતરી 'પેપર ચોર ગાડી છોડ, લૂંટનો કારોબાર ભાજપ બંધ કરો' ના પોસ્ટર સાથે કોંગ્રેસે દેખાવો કર્યો હતો. કેન્દ્રીય શિક્ષણમંત્રી રાજીનામાની અને ભાવ વધારો પરત ખેંચવા માટે માગ કરી હતી. રસ્તો રોકીને વિરોધ કરવાનો પ્રયાસ કરતા પોલીસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. સરકાર જનતાના પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળ:કોંગ્રેસ
દેશ અને ગુજરાતમાં સતત વધી રહેલી મોંઘવારી તેમજ NEET પેપર લીક અને પરીક્ષા રદ થવા મુદ્દે કોંગ્રેસે ભાજપ સરકાર સામે આક્રમક વલણ અપનાવ્યું છે. કોંગ્રેસ દ્વારા રાજ્યભરની દરેક વિધાનસભામાં વિરોધ પ્રદર્શન કરવાની સૂચના આપવામાં આવી હતી. જેના ભાગરૂપે અમદાવાદના બાપુનગર વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે દેશભરમાં બેરોજગારી અને મોંઘવારી સતત વધી રહી છે, પરંતુ સરકાર જનતાના પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળ રહી છે. 'ભાજપ હાય હાય'ના નારા લગાવી કેન્દ્રીય શિક્ષણમંત્રીનું રાજીનામું માંગ્યું
NEET પરીક્ષામાં પેપર લીક અને પરીક્ષા વ્યવસ્થામાં થયેલી ગેરરીતિઓના કારણે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું હોવાનું કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. કોંગ્રેસના કાર્યકર્તાઓએ 'ભાજપ હાય હાય'ના નારા લગાવી કેન્દ્રીય શિક્ષણમંત્રી જવાબદારી સ્વીકારીને રાજીનામું આપે તેવી માંગણી કરી હતી. પરીક્ષામાં ભ્રષ્ટાચાર ભાજપે શિષ્ટાચાર બનાવ્યો, પેપર ચોર ગાદી છોડ અને લૂંટનો કારોબાર ભાજપ બંધ કરો જેવા લખાણ ધરાવતા પોસ્ટરો સાથે સરકાર વિરુદ્ધ રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. રસ્તો રોકવાનો પ્રયાસ કરતાં કાર્યકર્તાઓની અટકાયત
પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનો વિરોધ કાર્યક્રમમાં જોડાયા હતા. કાર્યકર્તાઓએ રસ્તા પર ઉતરીને વિરોધ કરવાનો પ્રયાસ કરવા જતા પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે બાદ પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ વિરોધ કરતા રસ્તો રોકવા જતા પોલીસ દ્વારા તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. 'ભાજપ પેપર લીક કરનારાઓને રોકવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે'
પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ અમદાવાદ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલે જણાવ્યું હતું કે, ભાજપના શાસનમાં દેશમાં અને રાજ્યના લાખો યુવાનો NEETની પરીક્ષા માટે મહિનાઓ સુધી મોંઘવારીમાં ખાનગી ટ્યુશન કરીને અભ્યાસ કરતા હતા. માતા પિતાએ પેટે પાટા બાંધીને દીકરાના અભ્યાસ માટેની ફી ચૂકવતા હોય અને જ્યારે પરીક્ષા રદ થાય અને પેપર લીક થાય તો લાખો વિદ્યાર્થીઓને અસર થતી હોય છે. પેપર લીક થવાથી લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મૂકાતું હોય છે. ભાજપ પેપર લીક કરનારાઓને રોકવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. જેથી કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ જવાબદારી સ્વીકારી રાજીનામું આપી દેવું જોઈએ માત્ર અધિકારીઓના માથે દોષનો ટોપલો ના ઢોળવો જોઈએ. મોંઘવારી અને NEET પરીક્ષામાં ગોટાળા સહિતના મુદ્દે વિરોધ
વધુમાં હિંમતસિંહ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપના શાસનમાં મોંઘવારી સતત વધી રહી છે. અન્ય દેશોમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તા છે. ત્યારે આપણા દેશમાં પેટ્રોલ અને ડીઝલમાં છાસવારે ભાવ વધારો કરવામાં આવે છે. તો બીજી તરફ ખેડૂતોને પણ ખેતી કરવા માટે પૂરતું ડીઝલ મળતું નથી. તેમજ શહેરમાં રહેતા લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે. ગેસ સિલિન્ડર સહિત તમામ વસ્તુના ભાવ આસમાને પહોંચી ગયા છે. તો ફિક્સ પગારમાં પણ યુવાનોનું શોષણ કરવામાં આવે છે જેથી તેના વિરોધમાં આ દેખાવો કરી રહ્યા છીએ.
Read Original Article →