હીરાવાડીમાં કોંગ્રેસે મોંઘવારીનો વરઘોડો કાઢી દેખાવો કર્યો:ભાજપ સત્તામાં મસ્ત ને જનતા ત્રસ્ત હોવાનો આક્ષેપ, બળદગાડા-સાયકલ પર ગેસ સિલિન્ડર અને ખાલી તેલના ડબ્બા લઈ રસ્તા પર ઉતર્યા
અમદાવાદના હીરાવાડી વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. વધતી જતી મોંઘવારીને લઈને અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા દેખાવો કર્યો હતો. બળદગાડા અને સાયકલ લઈને ઠક્કરબાપાનગર વિધાનસભાના કાર્યકર્તાઓએ મોંઘવારીનો વરઘોડો કાઢ્યો હતો. ભાજપ સત્તામાં મસ્ત અને જનતા ભાવ વધારામાં ત્રસ્ત હોવાના બેનર લઈને ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા. ગેસ સિલિન્ડર અને ખાલી તેલના ડબ્બા લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા હતા. પેટ્રોલ, ડીઝલ સહિતની વસ્તુઓમાં કરેલો ભાવ વધારો પરત ખેંચવા માંગ કરી છે. 'ભાજપ સત્તામાં મસ્ત અને જનતા ત્રસ્ત'ના સૂત્રોચ્ચાર
હીરાવાડી વિસ્તારમાં પુસ્કર કોર્નર પાસે વધતી જતી મોંઘવારી સામે અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓએ બળદગાડા અને સાયકલ સાથે મોંઘવારીનો વરઘોડો કાઢીને કેન્દ્ર અને રાજ્ય સરકારની નીતિઓ સામે રોષ વ્યક્ત કર્યો હતો. પ્રદર્શન દરમિયાન કાર્યકર્તાઓએ હાથમાં 'ભાજપ સત્તામાં મસ્ત અને જનતા ભાવ વધારામાં ત્રસ્ત' લખેલા બેનરો લઈને સૂત્રોચ્ચાર કર્યા હતા. હીરાવાડીથી શરૂ થયેલા આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા હતા અને રસ્તા પર ઉતરીને મોંઘવારીના મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. કાર્યકર્તાઓ ગેસ સિલિન્ડર, ખાલી તેલના ડબ્બા સાથે પહોંચ્યા
વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓ ગેસ સિલિન્ડર, ખાલી તેલના ડબ્બા અને અન્ય ઘરવપરાશની વસ્તુઓ સાથે પહોંચ્યા હતા. કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે, સતત વધી રહેલી મોંઘવારીના કારણે સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોનું માસિક બજેટ ખોરવાઈ ગયું છે. રોજિંદા જીવનમાં ઉપયોગી ખાદ્ય ચીજવસ્તુઓ, રસોઈ ગેસ, પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવના કારણે લોકો પર આર્થિક બોજ વધી રહ્યો છે. સરકાર ભાવ નિયંત્રણમાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ હોવાનો આક્ષેપ કર્યો છે. ભાવ વધારો પરત ખેંચવાની માંગ કરી
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલા વધારાની સીધી અસર પરિવહન ખર્ચ પર પડે છે, જેના કારણે બજારમાં વિવિધ ચીજવસ્તુઓના ભાવ પણ વધે છે. પરિણામે સામાન્ય નાગરિકને રોજિંદા ખર્ચ ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. કોંગ્રેસે સરકાર પાસે ઇંધણ સહિતની આવશ્યક ચીજવસ્તુઓમાં કરાયેલો ભાવ વધારો પરત ખેંચવાની માંગ કરી હતી. વિરોધ દરમિયાન કાર્યકર્તાઓએ ભાજપ સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યો હતો. કોંગ્રેસે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી
તેમજ કોંગ્રેસે દ્વારા NEET પરીક્ષા વિવાદનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે NEET પરીક્ષા રદ થતા અને ફરીથી 22 લાખ જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષા ફરીથી લેવાનો નિર્ણય લેવામાં આવતા વિદ્યાર્થીઓ માનસિક યાતનાઓનો ભોગ બન્યા છે. ઠક્કરબાપાનગર વિધાનસભા કોંગ્રેસ પક્ષના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા અને મોંઘવારી તેમજ વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને સરકાર સામે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. જો આગામી દિવસોમાં મોંઘવારી નિયંત્રણમાં નહીં લેવામાં આવે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી કોંગ્રેસે ઉચ્ચારી છે.
Read Original Article →