AMCમાં વિપક્ષના નેતા પદ માટે કોંગ્રેસમાં ખરાખરીનો જંગ:શહેઝાદખાન પઠાણ અને નીરવ બક્ષી વચ્ચે સીધી રેસ; 26મીએ મેયર સહિત 5 મુખ્ય પદોની જાહેરાત થશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર સહિતના મુખ્ય 5 પદાધિકારીઓના નામોની જાહેરાત આગામી તારીખ 26 મે, મંગળવારના રોજ થવાની છે. શાસક પક્ષ ભાજપમાં તો તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ વિપક્ષ કોંગ્રેસમાં 'નેતા વિપક્ષ'ના પદને લઈને હજી પણ ભારે અસમંજસ અને આંતરિક ખેંચતાણની સ્થિતિ પ્રવર્તી રહી છે. ગત ટર્મમાં વિપક્ષના નેતાની વરણી માટે બે જૂથો વચ્ચે આશરે 1 વર્ષ સુધી ગજગ્રાહ ચાલ્યો હતો, ત્યારે આ વર્ષે પણ નેતા પદ મેળવવા માટે પૂર્વ-વર્તમાન ધારાસભ્યો અને સિનિયર કોર્પોરેટરો સામસામે પાસા ફેંકી રહ્યા છે. કોંગ્રેસના 32માંથી 18 લઘુમતી કોર્પોરેટરો, જાતિગત સમીકરણો પર જોર
વર્ષ 2026ની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આ વખતે માત્ર ભાજપ અને કોંગ્રેસ એમ બે જ પક્ષના ઉમેદવારો ચૂંટાઈ આવ્યા છે. કોંગ્રેસ પક્ષના કુલ 32 કોર્પોરેટરો જીત્યા છે, જેમાંથી લઘુમતી સમાજના જ 18 જેટલા કોર્પોરેટરો છે. આ સમીકરણો વચ્ચે વિપક્ષના નેતા પદ માટે હાલમાં મુખ્ય ચાર નામો રેસમાં છે, જેમાં દાણીલીમડા વોર્ડના કોર્પોરેટર શહેઝાદખાન પઠાણ, નીરવ બક્ષી, મહિલા ઉમેદવાર તરીકે કામિનીબેન ઝા અને અગાઉ કોર્પોરેટર રહી ચૂકેલાં અર્ચનાબેન મકવાણાનો સમાવેશ થાય છે. જોકે, વાસ્તવિક ટક્કર શહેઝાદખાન પઠાણ અને નીરવ બક્ષી વચ્ચે હોવાનું ચર્ચાઈ રહ્યું છે.Z જૂના દાવેદારોની હાર બાદ શહેઝાદખાનને રિપીટ કરવા માટે લોબિંગ
ઇતિહાસ પર નજર કરીએ તો, વર્ષ 2021ની ચૂંટણીમાં કોંગ્રેસના માત્ર 24 કોર્પોરેટરો ચૂંટાયા હતા. તે સમયે સિનિયર કોર્પોરેટર રાજશ્રી કેસરી, કમળાબેન ચાવડા, ઈકબાલ શેખ અને નીરવ બક્ષી વચ્ચે નેતા બનવા ભારે લોબિંગ થયું હતું. પ્રદેશ પ્રમુખની 2 દિવસની મેરેથોન બેઠકો બાદ છેવટે શહેઝાદખાન પઠાણના નામ પર મહોર મારવામાં આવી હતી અને તેઓ સળંગ 3 વર્ષ સુધી આ પદ પર રહ્યા હતા. ચાલુ વર્ષે અગાઉના મોટાભાગના દાવેદારો ચૂંટણી હારી ગયા હોવાથી અનુભવી કોર્પોરેટર તરીકે શહેઝાદખાન પઠાણને જ ફરીથી રિપીટ કરવામાં આવે તે માટે કેટલાક ધારાસભ્યો અને કોર્પોરેટરો દ્વારા હાઈકમાન્ડ સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે. એસી ચેમ્બર અને લક્ઝુરિયસ કારના વૈભવ માટે ધારાસભ્યો પણ સક્રિય
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા પદની સાથે એર-કંડિશન્ડ ચેમ્બર, લક્ઝુરિયસ સરકારી મોટરકાર અને અન્ય પ્રોટોકોલ સહિતના મોટા લાભો જોડાયેલા છે. આ આકર્ષક વૈભવ અને પાવર મેળવવા માટે કોંગ્રેસના વર્તમાન હોદ્દેદારો જ નહીં, પરંતુ પક્ષના 2 પૂર્વ ધારાસભ્યો અને 2 વર્તમાન ધારાસભ્યો પણ પોતાના નજીકના કોર્પોરેટરને આ ખુરશી પર બેસાડવા પડદા પાછળ અત્યંત સક્રિય બન્યા છે. નેતાઓ અને જૂથોની આ કાવાદાવાની રાજનીતિને કારણે જ કોંગ્રેસ હજી સુધી મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષના નેતાનું નામ સત્તાવાર રીતે જાહેર કરી શકી નથી.
Read Original Article →