અદાણી CNGના ભાવમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો:નવો ભાવ 88ને પાર, છેલ્લા બે મહિનામાં 6 રૂપિયા વધી જતા રિક્ષાચાલકોની ચક્કાજામની ચીમકી
પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNGએ પણ લોકોની મુશ્કેલી વધારી દીધી છે. અમદાવાદમાં અદાણી ગેસ દ્વારા ફરી એક વખત CNGના ભાવમાં 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા બે મહિનામાં અંદાજે 6 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. અમદાવાદમાં અદાણી CNGના ભાવ 86.02 રૂપિયાથી હવે 88.02 રૂપિયા પહોંચી ગયા છે. વધતા જતા CNGમાં ભાવ વધારાની સૌથી વધુ અસર રિક્ષાચાલકો પર જોવા મળી રહી છે. કારણ કે રિક્ષા ચાલકોએ છેલ્લા ત્રણ વર્ષથી ભાડામાં વધારો કર્યો નથી જ્યારે બીજી તરફ CNG ના ભાવમાં સતત વધારો થતા હવે રિક્ષાચાલકો આંદોલનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. અદાણી CNGનો નવો ભાવ પ્રતિ કિલો 88.02 પૈસા
અમદાવાદ સહિત ગુજરાતના અનેક શહેરોમાં ફરી એક વખત CNGના ભાવમાં વધારો થયો છે. CNGના ભાવમાં સતત વધારો થતા વાહનચાલકોની સાથે ખાસ કરીને રિક્ષાચાલકોની ચિંતા વધી ગઈ છે. અદાણી ગેસ કંપની દ્વારા CNGના ભાવમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. નવા ભાવ મુજબ અમદાવાદમાં CNG હવે 86.02થી વધીને 88.02 પ્રતિ કિલો થઈ ગયું છે. છેલ્લા બે મહિનાની અંદર અંદાજે 6 જેટલો વધારો થતા વાહનચાલકોના માસિક ખર્ચમાં સીધી અસર જોવા મળી રહી છે. CNGમાં સતત ભાવ વધારો થતા રિક્ષાચાલકોની માઠી બેઠી
એક તરફ પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે ત્યારે હવે CNG પણ મોંઘું બનતા મધ્યમવર્ગ અને રોજબરોજ વાહન ચલાવતા લોકો માટે ખર્ચનો બોજ વધ્યો છે. ખાસ કરીને રોજના 8થી 10 કલાક રસ્તા પર રહેતા રિક્ષાચાલકો માટે હાલની સ્થિતિ વધુ મુશ્કેલ બની રહી છે. કારણ કે CNGના સતત વધતા ભાવ સામે સૌથી વધુ અસર ઓટોરિક્ષા ક્ષેત્ર પર જોવા મળી રહી છે. અમદાવાદમાં હજારો રિક્ષાચાલકો રોજિંદી આવક પર નિર્ભર છે. પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી રિક્ષાના ભાડામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. બીજી તરફ CNG, વાહન મેન્ટેનન્સ, ઈન્સ્યોરન્સ અને સ્પેર પાર્ટ્સના ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી હવે સામાન્ય રિક્ષાચાલક માટે પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની જશે. અગાઉ પણ CNGના ભાવમાં વધારો થતા રિક્ષાચાલકોએ સરકાર સમક્ષ રજૂઆત કરી હતી અને ભાવ ઘટાડવા અથવા ભાડામાં વધારો કરવાની માંગ કરી હતી. જોકે હજુ સુધી કોઈ સકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો નથી. જેથી ફરી એક વખત ભાવવધારો થતા રિક્ષાચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આગામી સમયમાં ભાવ ઘટાડો નહીં કરવામાં આવે અથવા સરકાર દ્વારા ભાડામાં વધારો નહીં કરવામાં આવે તો આગામી પહેલી તારીખે ગાંધીનગર કૂચ કરવાની અને ચક્કાજામ કરવાની જિંદગી વિચારવામાં આવી છે. ભાવવધારો પરત ખેંચવા માગ
અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયનના પ્રમુખ વિજય મકવાણાએ જણાવ્યું હતું કે, CNG ના ભાવમાં સતત વધારો થતા અમારી સ્થિતિ ખૂબ જ વિકટ બની છે. એક તરફ મોંઘવારીએ માઝા મૂકી છે બીજી તરફ ગેરકાયદેસર રીતે ટુ વ્હીલર ફરી રહી છે. છાશવારે CNG ના ભાવમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા બે મહિનામાં છ થી આઠ રૂપિયાનો ભાવ વધારો થઈ ગયો છે. રિક્ષા ચાલકોને એક દિવસમાં 4થી 5 કિલ્લો CNGનો વપરાશ થતો હોય છે. જેથી એક રૂપિયો પણ ભાવ વધારો થતો હોય તો ખૂબ અસર થતી હોય છે. જેથી અમારી એક જ માંગણી છે કે CNG નો ભાવ વધારો પાછો ખેંચવામાં આવે. 1 જૂને ચક્કાજામ કરી ગાંધીનગર કૂચ કરવાની રિક્ષાચાલકોની ચીમકી
વધુમાં વિજય મકવાણાએ જણાવ્યું હતું કે, અદાણી કંપની દ્વારા CNG ના જે પણ ભાવ વધારો કરવામાં આવ્યો છે તે પરત ખેંચવામાં આવે તેવી માંગણી છે. જો ભાવમાં ઘટાડો કરવામાં આવશે તો અમે ઓછા ભાડામાં મુસાફરોને બેસાડી શકીશું. મોંઘવારી પણ સતત વધી રહી છે. જેથી રીક્ષા ચાલકોનું ભાડું પણ વધવું જોઈએ તે અમારી માંગણી છે. જો ભાવ વધારો કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ચક્કાજામ કરીશું, ગાંધીનગર સુધી રિક્ષા લઈને કૂચ કરીશું તેમજ જરૂર પડશે તો હડતાળ પણ કરીશું. રિક્ષા ચાલક છાનાભાઈએ જણાવ્યું હતું કે, સતત ભાવ વધારો થવાથી કેટલી મુશ્કેલી થઈ રહી છે તે અમે લોકો જ જાણીએ છીએ. અદાણી દ્વારા દર બે દિવસે ભાવ વધારો કરવામાં આવે છે. જો ભાવ ઘટાડો કરવામાં આવે તો જ અમારી શાંતિ થાય છે. અદાણી દ્વારા મનમાની કરવામાં આવી રહી છે. ભાવ વધારો કરતા સમયે સરકાર પાસે પણ પરવાનગી લેવામાં આવતી નથી. ભાડાનું ઘર, રિક્ષાની EMI અને આટલી મોંઘવારીમાં ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે. જ્યાં સુધી ભાવ ઘટાડો નહીં કરવામાં આવે ત્યાં સુધી અમને મુશ્કેલી થતી રહેશે.
Read Original Article →