અમદાવાદ શહેરનો ડ્રોપ આઉટ રેશિયો ચિંતાજનક:41 હજાર બાળકો અનટ્રેક હતા જેમાંથી 12 હજાર બાળકોને ટ્રેક કરાયા, બાળકોએ ભણવાનું ના પાડી અભ્યાસ છોડ્યો હતો

Gujarat6/5/2026, 1:18:16 PM
અમદાવાદ શહેરનો ડ્રોપ આઉટ રેશિયો ચિંતાજનક:41 હજાર બાળકો અનટ્રેક હતા જેમાંથી 12 હજાર બાળકોને ટ્રેક કરાયા, બાળકોએ ભણવાનું ના પાડી અભ્યાસ છોડ્યો હતો
શિક્ષણ એ દરેક વ્યક્તિનો અધિકાર છે અને સરકાર દ્વારા RTE (રાઇટ ટુ એજ્યુકેશન) હેઠળ ગરીબ તેમજ મધ્યમ વર્ગના બાળકોને મફત શિક્ષણ પણ આપવામાં આવે છે આમ છતાં, શિક્ષણ વિભાગ માટે હાલમાં સૌથી મોટો પડકાર ‘ડ્રોપ આઉટ રેશિયો’ (અભ્યાસ અધૂરો છોડવાનું પ્રમાણ) ઘટાડવાનો છે. અમદાવાદ શહેરમાં ધોરણ-1થી 8નો અભ્યાસ કર્યા બાદ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ગાયબ થઈ ગયા હોવાનું એટલે કે અનટ્રેક હોવાનું સામે આવતાં શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. તંત્રના આંકડા મુજબ, અમદાવાદ શહેરમાં આશરે 41 હજાર જેટલા બાળકો અનટ્રેક મળ્યા છે, જેમાંથી 12 હજાર જેટલા વિદ્યાર્થીઓએ સદંતર અભ્યાસ છોડી દીધો હોવાનું તપાસમાં ખુલ્યું છે. આ ડ્રોપઆઉટ રેશિયો ઝીરો કરવા માટે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા ખાસ ટીમની રચના કરીને ઓપરેશન શરૂ કરાયું છે. વાલીઓ સુધી પહોંચી 12 હજાર બાળકો શોધી કઢાયા અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા હાથ ધરવામાં આવેલા ખાસ અભિયાન અંતર્ગત, ગાયબ થયેલા 41 હજાર વિદ્યાર્થીઓમાંથી અત્યાર સુધીમાં 12 હજાર વિદ્યાર્થીઓના વાલીઓ સુધી ટીમ પહોંચવામાં સફળ રહી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ઘણા બાળકો ધોરણ-8 કે 10 પછી આગળ ભણવાને બદલે ITI અથવા ડિપ્લોમા કોર્સમાં જોડાઈ ગયા છે. કેટલાક કિસ્સાઓમાં પરિવારોના સ્થળાંતર (Migration)ના કારણે બાળકો અનટ્રેક થયા હતા. જોકે, 12 હજાર જેટલા બાળકો એવા મળ્યા છે જેમણે આર્થિક, સામાજિક કે અન્ય કૌટુંબિક કારણોસર અભ્યાસ અધૂરો મૂકી દીધો છે. આ સિવાય ધોરણ-10માં નાપાસ થયા હોય એવા બાળકોની સંખ્યા પણ આશરે 7 હજાર જેટલી છે. શિક્ષકો બનશે ‘મેન્ટર’, 8મી જૂનથી ઘરે-ઘરે જશે ટીમ ટ્રેક થયેલા આ બાળકો ફરીથી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડાય તે માટે અમદાવાદ શહેર DEO દ્વારા શિક્ષકોને ‘મેન્ટર’ તરીકેની વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. આગામી 8મી જૂનથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે. આ દિવસથી જ મેન્ટર શિક્ષકો ટ્રેક થયેલા બાળકોના ઘરે રૂબરૂ જશે અને તેમના વાલીઓ સાથે કાઉન્સેલિંગ કરશે. જે બાળકોએ અભ્યાસ છોડી દીધો છે, તેમને કાં તો તેમની જૂની શાળામાં અથવા નજીકની સરકારી શાળામાં ફરીથી પ્રવેશ (Re-admission) અપાવવા માટેના સઘન પ્રયાસો કરવામાં આવશે. વર્ષ 2030 સુધીમાં 100% એડમિશનનો લક્ષ્યાંક અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, "નવી શિક્ષણ નીતિ (NEP 2020) અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા આ બાબતે ખાસ સતર્કતા દાખવવામાં આવી છે. અમારો લક્ષ્યાંક વર્ષ ૨૦૩૦ સુધીમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો (GER) 100 ટકા કરવાનો છે. એટલે કે, ધોરણ ૧માં દાખલ થનારું પ્રત્યેક બાળક ધોરણ ૧૨ સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તેવું આયોજન છે." ભવિષ્યમાં આવી સ્થિતિ ફરી ન સર્જાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા અત્યારથી જ ‘પ્રિ-સર્વે’ શરૂ કરવામાં આવ્યો છે. ચાલુ વર્ષે જે બાળકો જે તે ધોરણમાં ભણી રહ્યા છે, તેઓ ચોક્કસપણે આગામી ધોરણમાં પ્રવેશ મેળવે તે માટે ટ્રેકિંગ સિસ્ટમ વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે.
Read Original Article →