બેંક છેતરપિંડી કેસમાં CBI કોર્ટે સજા ફટકારી:3 નિવૃત્ત અધિકારી સહિત 9ને દોષિત ઠેરવીને 2 વર્ષની સખત કેદ અને પ્રત્યેકને 1 લાખનો દંડ

Gujarat4/10/2026, 3:29:03 PM
બેંક છેતરપિંડી કેસમાં CBI કોર્ટે સજા ફટકારી:3 નિવૃત્ત અધિકારી સહિત 9ને દોષિત ઠેરવીને 2 વર્ષની સખત કેદ અને પ્રત્યેકને 1 લાખનો દંડ
CBI કોર્ટ અમદાવાદ દ્વારા આજે પંજાબ નેશનલ બેંકના નિવૃત્ત આસિસ્ટન્ટ જનરલ મેનેજર ગુરિન્દર સિંઘ, નિવૃત્ત ચીફ મેનેજર કે.જી.સી.એસ. અય્યર અને નિવૃત્ત સીનિયર મેનેજર કે.ઈ. સુરેન્દ્રનાથ તેમજ અન્ય ખાનગી વ્યક્તિઓ સંજય પટેલ, સતીષ ડાવરા, હિતેશ ડોમડિયા, વૈશાલી ડાવરા, રમીલાબેન ભીકાડિયા અને મેસર્સ જલ્પા એન્ટરપ્રાઈઝ પ્રાઇવેટ લિમિટેડને બેંક છેતરપિંડીના કેસમાં દોષિત ઠેરવી સજા ફટકારવામાં આવી છે. 2 વર્ષની સખત કેદ અને પ્રત્યેકને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો ગુરિન્દર સિંઘ, કે.જી.સી.એસ. અય્યર અને કે.ઈ. સુરેન્દ્રનાથને 2 વર્ષની સખત કેદ અને પ્રત્યેકને 1 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. જ્યારે ખાનગી વ્યક્તિઓ સંજય પટેલને ત્રણ વર્ષની સખત કેદ અને 50 હજારનો દંડ કરવામાં આવ્યો છે. હિતેશ ડોમડિયાને ત્રણ વર્ષની સખત કેદ અને 01 લાખનો દંડ કરવામાં આવ્યો છે. સતીષ ડાવરાને બે વર્ષની સખત કેદ અને 50 હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. વૈશાલી ડાવરાને બે વર્ષની સખત કેદ અને 50 હજારનો દંડ કરવામાં આવ્યો છે. રમીલા ભીકાડિયાને બે વર્ષની સખત કેદ અને 50 હજારનો દંડ કરવામાં આવ્યો છે. મેસર્સ જલ્પા એન્ટરપ્રાઈઝને 50 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. 3.70 કરોડની લોન અને 40 લાખની કેશ ક્રેડિટ લિમિટ માટે અરજી કરી હતી CBIએ 22 ઓગસ્ટ, 2016 ના રોજ આરોપી શૈલેષ સતાસીયા સંજય પટેલ, સતીષ ડાવરા અને અન્ય અજાણ્યા ખાનગી વ્યક્તિઓ તથા સરકારી કર્મચારીઓ વિરુદ્ધ આ કેસ નોંધ્યો હતો. તેઓની ઉપર આરોપ હતો કે મેસર્સ શ્રી કાલી ટેક્સટાઈલ્સના પ્રોપરાઈટર શૈલેષ સતાસીયાએ 44 વોટર જેટ લૂમ મશીનોની ખરીદી અને સામાન્ય વ્યાપારિક કામગીરી માટે 10 જુલાઈ, 2011 ના રોજ 3.70 કરોડની ટર્મ લોન અને 40 લાખની કેશ ક્રેડિટ લિમિટ માટે અરજી કરી હતી. AGM ગુરિન્દર સિંઘે આ લોન મંજૂર કરી હતી આરોપી સીનિયર મેનેજર કે.ઈ. સુરેન્દ્રનાથ અને ચીફ મેનેજર કે.જી.સી.એસ. અય્યરની ભલામણ બાદ, 29 જુલાઈ, 2011 ના રોજ તત્કાલીન AGM ગુરિન્દર સિંઘ દ્વારા આ લોન મંજૂર કરવામાં આવી હતી. આ લોન માટે 44 મશીનોને પ્રાથમિક સુરક્ષા તરીકે અને વિવિધ પ્લોટ્સ તથા રહેણાંક ફ્લેટ્સને કોલેટરલ સિક્યુરિટી તરીકે રાખવામાં આવ્યા હતા. પંજાબ નેશનલ બેંક સુરતને 1.57 કરોડનું નુકસાન થયું હતું તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપી શૈલેષ સતાસીયા અને અન્ય ખાનગી વ્યક્તિઓએ છેતરપિંડીના ઈરાદે બનાવટી દસ્તાવેજો રજૂ કર્યા હતા. આરોપી સરકારી કર્મચારીઓએ બેંકની માર્ગદર્શિકાનું પાલન કર્યા વિના, આ ખોટા દસ્તાવેજોને સાચા તરીકે સ્વીકારી લોન વિતરિત કરી હતી. જેના કારણે આરોપીઓને ગેરકાયદે લાભ થયો હતો અને પંજાબ નેશનલ બેંક સુરતને 1.57 કરોડનું નુકસાન થયું હતું. CBI એ તપાસ પૂર્ણ કર્યા બાદ 29 જૂન, 2016 ના રોજ આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી.
Read Original Article →