મોતીલાલ ઓસવાલ કંપનીના નામે રોકાણની લાલચ:શેરબજારમાં રોકાણના નામે બિઝનેસમેન સાથે ₹1.07 કરોડની છેતરપિંડી, 4 સામે ફરિયાદ

Gujarat4/9/2026, 7:15:57 AM
મોતીલાલ ઓસવાલ કંપનીના નામે રોકાણની લાલચ:શેરબજારમાં રોકાણના નામે બિઝનેસમેન સાથે ₹1.07 કરોડની છેતરપિંડી, 4 સામે ફરિયાદ
શેરબજારમાં રોકાણના નામે બિઝનેસમેન સાથે 1.07 કરોડ રૂપિયાની ઠગાઈ થઈ હોવની ઘટના સામે આવી છે. યુવકે તેના પરિવારના નામે કંપની ઉભી કરી અને ત્યારબાદ બિઝનેસમેનને વિશ્વાસમાં લઈને 1.38 કરોડ રૂપિયા શેરબજારમાં રોકાણ કરાવ્યા હતા. રૂપિયા પરત નહીં આપતા બિઝનેસમેને તપાસ કરાવી તો યુવકે શેરબજારની કંપનીના તેમજ સ્ટોક લેઝરના ખોટા ડોક્યુમેન્ટ બનાવીને છેતરપિંડી આચરી હતી. ગઠિયાએ ચીટિંગમાં બિઝનેસમેનને 26.49 લાખ રૂપિયા પરત પણ આપી દીધા હતા. સેટેલાઈટ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ફરિયાદી 14 વર્ષથી મેનેજર તરીકે કામ કરે છે નારોલ વિસ્તારમાં આવેલા સંઘાણી પ્લેટિનયમમાં રહેતા નિતિન સિંગે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં મિહિર પરીખ, ધારા પરીખ, ગીતા પરીખ (તમામ રહે, ઈન્સેપ્ટમ બિલ્ડિંગ, સેટેલાઈટ) અને હેમરાજસિંહ રાણા (રહે, ખોડીયારનગર) વિરૂદ્ધ એક કરોડથી વધુની છેતરપિંડીની ફરિયાદ કરી છે. નિતિન સિંગ સંયુક્ત પરિવારમાં રહે છે અને છેલ્લા 14 વર્ષથી આર્કેડિયર ઈન્ટરનેશલ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં ઓપરેશન મેનેજર તરીકે નોકરી કરે છે. આઠ વર્ષ પહેલાં ફરિયાદી સાથે ઓળખ થઈ હતી આ કંપનીના માલિક વિવેક અગ્રવાલ અને તેની પત્નિ શ્રુતિ અગ્રવાલ છે. વિવેક અને શ્રીતિ સાથે યુવકે પત્ની, માતા અને પરિચિત સાથે મળીને ચીટિંગ આચર્યુ છે, જેના વતી નિતિન સિંગે ફરિયાદ કરી છે. આર્કેડિયર ઈન્ટરનેશનલ કંપનીના કર્મચારીઓના જુના વિમા ઉતારવા માટે અલગ-અલગ ફાયનાન્સિયલ કંપનીઓ સાથે કરાર કરતા હોય છે. જે અનુસંધાને એમ.પી.ગ્રુપ ઓફ કંપનીના ભાગીદાર મિહિર પરીખ સાથે 8 વર્ષ પહેલા નિતિનની ઓળખાણ થઈ હતી. મિહિર ઈન્સ્યોરન્સ તેમજ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણનું કામ કરે છે અને ટુર્સ એન્ડ ટ્રાવેલન્સનો પણ વ્યવસાય કરે છે. વિવેક અગ્રવાલે તેમના પોતાના નામથી તેમજ પરિવારના સભ્યોના નામથી મિહિર પાસે અલગ-અલગ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરાવ્યુ હતું. 1.35 કરોડની લોન મંજૂર કરાવી રોકાણ દરમિયાન મિહિરે વિવેકને જણાવ્યુ હતું કે, આ મ્યુચ્યુઅલ ફંડ ઉપર તમને લોન પણ મળશે, તમારે જરૂરીયાત હોય ત્યારે આ લોન વાપરી શકો છો. વિવેક સહિતના લોકોએ મિહિરની વાત પર વિશ્વાસ રાખ્યો હતો. દરમિયાનમાં વિવેકે મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોની સામે લોન લેવાની તૈયારી દર્શાવી હતી અને મિહિરને કહ્યુ હતું. મિહિરે કંપનીના કર્મચારીઓને મોકલ્યા હતા અને વિવેકના મ્યુચ્યુઅલ ફંડની સામે 55,28,435ની લોન તેમજ શ્રૂતિના નામે 79,82,831ની લોન કરાવી હતી. બન્નેની થઈને કુલ 1,35,11,266 રૂપિયાની લોન મંજુર થઈ હતી. વર્ષમાં 15થી 20 ટકા વળતરની લાલચ આપી 2025માં મિહિરે નિતિન સહિત વિવેકને જણાવ્યુ હતું કે, મારી એમ.પી.ફિનકોર્પ સર્વિસિસ નામની ભાગીદારી પેઢી છે, જે ગ્રાહકોના પૈસા શેર બજારમાં રોકાણ કરાવી સારૂ વળતર અપાવે છે. ગ્રાહકોના રૂપિયા મોતિલાલ ઓસ્વાલ નામની પ્રતિષ્ઠીત કંપની મારફતે શેરબજારમાં રોકાણ કરીશુ, જેથી તમારા ફંડમાં કોઈ ગેરરીતી નહીં થાય. આ રોકાણ સામે તમારે વાર્ષિક 15થી 20 ટકા જેટલુ રિટર્ન મળશે. વિવેક અગ્રવાલે રૂપિયા આપવાનો ઈન્કાર કરી દેતા મિહિરે તેમને જણાવ્યુ હતું કે, તમારા મ્યુચ્યુઅલ ફંડ સામે જે લોન મંજુર થઈ હતી, તે રૂપિયા મને આપો તો હું મોતીલાલ ઓસ્વાલ કંપની મારફતે શેર બજારમાં રોકાણ કરાવીને વર્ષના 15થી 20 ટકા વળતર આપીશ. વિવેકને વિશ્વાસમાં લેવા માટે મિહિરે કહ્યુ હતું કે, તમારે લોનમાં દસ ટકા વ્યાજની ચુકવણી કરવી પડે છે. જો તમે મને રૂપિયા આપશો તો પ્રોફિટમાં તમારુ વ્યાજ નીકળી જશે અને ઉપરાંત બીજા પાંચથી દસ ટકાનો પ્રોફિટ મળશે. પૈસા પરત ન આપતા ચાર સામે ફરિયાદ ડબલ વળતર મળશે તેવુ કહીને મિહિરે વિવેકનો વિશ્વાસ જીતી લીધો હતો. વિવેક મિહિર અને તેની ભાગીદારી પેઢીમાં 1.34 કરોડ રૂપિયા રોકાણ કર્યુ હતું. થોડા સમય બાદ વિવેક અગ્રવાલને રૂપિયાની જરૂરીયાત ઉભી થતા તેણે મિહિર સાથે વાત કરી હતી. મિહિરે રૂપિયા નહીં આપીને વિવેક અગ્રવાલ કહ્યુ હતું કે, બે ત્રણ દિવસમાં શેરબજારમાંથી વિડ્રો કરીને તમારા ખાતામાં જમા કરાવી દઈશું. રૂપિયા નહીં આવતા વિવેક અગ્રવાલ અને તેમની ટીમે તપાસ શરૂ કરી હતી. જેમાં સામે આવ્યુ હતું કે, મોતીલાલ ઓસ્વાલ કંપનીમાં મિહિરે કોઈ રૂપિયા શેરબજારમાં ઈન્વેસ્ટ કર્યા નથી. મિહિરે રૂપિયા પોતાના અંગત કામ માટે ઉપયોગ કરતા અંતે નિતિને વિવેક વતી સેટેલાઈટ પોલીસ સ્ટેસનમાં ફરિયાદ કરી છે.
Read Original Article →