'કોઈ અન્યની પત્નીના નામે લક્ઝરી બ્રાન્ડની કાર શા માટે ખરીદે?':અમદાવાદમાં બ્રોકરે મર્સિડિઝ ચોરીની FIR કરી ને માલિકીનો જંગ હાઇકોર્ટ પહોંચ્યો, સેશન્સ કોર્ટમાં શું શું થયું?
અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે લક્ઝરી મર્સિડીઝ-બેન્ઝ SUVનો કબજો તેના રજિસ્ટર્ડ માલિકને સોંપવાનો આદેશ કર્યો છે. આ સાથે જ કોર્ટે પ્રહલાદનગરના એક પ્રોપર્ટી બ્રોકરના એ દાવા પર શંકા વ્યક્ત કરી છે, જેમાં તેણે જણાવ્યું હતું કે તેણે આ વાહન તેના મિત્રની પત્નીના નામે ખરીદ્યું હતું અને 07 વર્ષ સુધી તેનો ઉપયોગ કર્યો હતો. મર્સિડીઝ-બેન્ઝ GLS 350D અંગેના વિવાદમાં રિવિઝન અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે નોંધ્યું હતું કે, જે બાબત શંકાસ્પદ જણાય છે તે એ છે કે કોઈ વ્યક્તિ કોઈ અન્યની પત્નીના નામે લક્ઝરી બ્રાન્ડની કાર શા માટે ખરીદે? બ્રોકરે કોર્ટને જણાવ્યું હતું કે, તેણે વર્ષ 2019માં આ SUV ખરીદી હતી, પરંતુ તેને તેના મિત્રની પત્નીના નામે રજિસ્ટર કરાવી હતી કારણ કે તેનો મિત્ર દસ્તાવેજો સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યો હતો અને પોતાના નામે ગાડી ખરીદી શકે તેમ નહોતો. તેણે દાવો કર્યો હતો કે રજિસ્ટ્રેશન અન્યના નામે હોવા છતાં, લોનના હપ્તા તેણે ચૂકવ્યા હતા અને વાહનનો કબજો પોતાની પાસે રાખ્યો હતો. બ્રોકરે ચોરીની ફરિયાદ કરી ને પોલીસે કાર જપ્ત કરી
આ વિવાદ ડિસેમ્બર, 2024માં પ્રકાશમાં આવ્યો હતો. જ્યારે આનંદનગર પોલીસે બ્રોકરના નિવાસ સ્થાનેથી SUVની કથિત ચોરી અંગે FIR નોંધી હતી. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે બ્રોકરના મિત્રએ કથિત રીતે ડુપ્લિકેટ ચાવીનો ઉપયોગ કરીને વાહન લઈ લીધું હતું. જેથી તેની સામે ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો હતો. બાદમાં એક સર્વિસ સ્ટેશનના મેનેજરે કથિત રીતે વાહન બ્રોકરના ઘરે પહોંચાડ્યા પછી પોલીસે SUV જપ્ત કરી હતી. બન્નેએ વચગાળાના કબજા માટે મેજિસ્ટ્રેટ કોર્ટનો સંપર્ક કર્યો
બ્રોકર અને મિત્રની પત્ની બંનેએ વચગાળાના કબજા માટે મેજિસ્ટ્રેટ કોર્ટનો સંપર્ક કર્યો હતો. મેજિસ્ટ્રેટે શરૂઆતમાં મહિલાની અરજી ફગાવી દીધી હતી અને બ્રોકરના કબજા તેમજ હપ્તાની ચુકવણીને ધ્યાનમાં રાખીને કબજો બ્રોકરને સોંપ્યો હતો. મેજિસ્ટ્રેટે ફરીથી બ્રોકરની તરફેણમાં ચુકાદો આપ્યો
મહિલાએ આ આદેશને સેશન્સ કોર્ટમાં પડકાર્યો અને દાવો કર્યો કે તે જ કાયદેસરની માલિક છે. સેશન્સ કોર્ટે બ્રોકરની સ્પષ્ટતા સામે સવાલ ઉઠાવ્યા અને નોંધ્યું કે સર્વિસ સ્ટેશનના મેનેજરનું નિવેદન પ્રસ્તુત રહેશે, તેથી મેનેજરની સુનાવણી કર્યા બાદ આ મામલે નવેસરથી વિચારણા કરવા માટે કેસ મેજિસ્ટ્રેટને પરત મોકલ્યો હતો. પુનઃવિચારણા બાદ મેજિસ્ટ્રેટે ફરીથી બ્રોકરની તરફેણમાં ચુકાદો આપ્યો અને અવલોકન કર્યું કે વાહન મહિલાના નામે રજિસ્ટર્ડ હોવા છતાં તેનું ફાઇનાન્સ બ્રોકરે કર્યું હતું. ‘બ્રોકરે 2019થી વાહન પોતાના નામે ટ્રાન્સફર કરવા કોઈ પ્રયાસો કર્યા નહોતા’
મહિલાએ ફરીથી સેશન્સ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. એડિશનલ સેશન્સ કોર્ટે નોંધ્યું હતું કે વ્હીકલ લોન મહિલાના નામે મંજૂર કરવામાં આવી હતી અને લોન ક્લોઝર સર્ટિફિકેટ પણ તેની તરફેણમાં જ જાહેર કરવામાં આવ્યું હતું. કોર્ટે એ પણ નોંધ્યું કે બ્રોકરે 2019થી વાહન પોતાના નામે ટ્રાન્સફર કરવા માટે કોઈ પ્રયાસો કર્યા નહોતા. ‘માત્ર ફિઝિકલ કબજો હોવો એ કાયદેસરની માલિકી કરતાં ચડિયાતો ન હોય શકે’
કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે કોર્ટે એ જોવાનું રહે છે કે વાહન જપ્ત કરવામાં આવ્યું તે સમયે માત્ર કોની પાસે તેનો ફિઝિકલ કબજો હતો તેના બદલે પ્રથમ દ્રષ્ટિએ કોણ કાયદેસર રીતે વાહનનો કબજો મેળવવા માટે હકદાર છે? જપ્તીના સમયે માત્ર ફિઝિકલ કબજો હોવો એ કાયદેસરની માલિકી કરતાં ચડિયાતો ન હોય શકે, ખાસ કરીને જ્યારે અરજદારે રજિસ્ટ્રેશન તેમજ ઉપર ચર્ચા કરેલા દસ્તાવેજો રજૂ કરીને પ્રથમ દ્રષ્ટિએ પોતાની માલિકી સાબિત કરી હોય. ત્યારબાદ સેશન્સ કોર્ટે વાહનનો કબજો રજિસ્ટર્ડ માલિકને સોંપવાનો નિર્દેશ આપ્યો હતો. આ વિવાદ હવે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે, જેણે 31 ઓગસ્ટ સુધી વાહનના કબજાની ફેરબદલ પર સ્ટે લગાવ્યો છે અને તે તારીખે વધુ સુનાવણી હાથ ધરવાનું નક્કી કર્યું છે.
Read Original Article →