અમદાવાદના એક વોર્ડમાં ભાજપના 12 નામ નક્કી થશે:ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં નામો નક્કી કરાશે, આજથી ઘરે ઘરે પત્રિકા વિતરણ કરી પ્રચારના શ્રીગણેશ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા ઉમેદવારો નક્કી કરવા માટેની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.અમદાવાદ મહાનગરપાલિકા માટે શહેર ભાજપ દ્વારા સંકલન સમિતિની બેઠક બોલાવવામાં આવી છે. જેમાં વિધાનસભા મુજબ આવતા વોર્ડના ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવી રહ્યા છે.આજે 5 એપ્રિલના રોજ બીજા દિવસે પણ સંકલન સમિતિની બેઠક મળશે.જેમાં પશ્ચિમ વિસ્તારના નામો માટે ચર્ચા કરવામાં આવશે.એક વોર્ડમાં 12 જેટલા નામની પેનલ તૈયાર કરવામાં આવશે.આજથી ભાજપ દ્વારા પ્રચારની શરૂઆત કરી દેવામાં આવી છે અને ઘરે ઘરે પત્રિકા વિતરણ કરવામાં આવ્યું છે. ઉમેદવાર માટે 12 નામની પેનલ તૈયાર કરવામાં આવી રહી છે
ભાજપના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે શહેરના 48 વોર્ડમાંથી 192 બેઠક માટે 2364 જેટલા દાવેદારો દ્વારા દાવેદારી નોંધાવવામાં આવેલી છે. ઉમેદવારોના બાયોડેટા મેળવ્યા બાદ ભાજપ દ્વારા ગઈકાલે 4 એપ્રિલથી સંકલન સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી.ઉમેદવારોના નામની ગુપ્તતા જળવાઈ રહે તેના માટે ભાજપ દ્વારા ગુપ્ત સ્થળે બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં શહેર પ્રમુખ, મહામંત્રીઓ પ્રદેશના હોદ્દેદારો અને ધારાસભ્યો સહિતના નેતાઓ દ્વારા ઉમેદવારોના બાયોડેટાની ચકાસણી કરી અને એક ઉમેદવાર માટે ત્રણ નામ એમ એક વોર્ડમાં ચાર ઉમેદવાર માટે 12 નામની પેનલ તૈયાર કરવામાં આવી રહી છે. શહેરમાં સંકલન બેઠક બાદ પ્રદેશ સંકલન સમિતિની બેઠક મળશે જેમાં આ તમામ ઉમેદવારોના નામની પેનલ પર ચર્ચા કર્યા બાદ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં ચર્ચા થશે.
9 કે 10 એપ્રિલે ભાજપ મનપાના ઉમેદવાર જાહેર કરી શકે
ગુજરાતમાં યોજાના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની શહેર અને પ્રદેશ સંકલન સમિતિની બેઠક બે દિવસમાં પૂર્ણ કરવામાં આવશે જેમાં સમગ્ર ગુજરાતમાં મહાનગરપાલિકા નગરપાલિકા અને જિલ્લા તેમજ તાલુકા પંચાયતની ચૂંટણીઓ માં જે દાવેદારોએ દાવેદારી કરી છે તેના બાયોડેટા ની તપાસ કરીને અલગ અલગ નામોની પેનલ તૈયાર કરી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં મૂકવામાં આવશે.ગુજરાત ભાજપ પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક 6 એપ્રિલથી 8 એપ્રિલ સુધીમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને મળશે.પાર્લામેન્ટરી બોર્ડમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારોના નામ ઉપર અંતિમ મહોર મારવામાં આવશે જે બાદ 9 અથવા 10 એપ્રિલના રોજ ગુજરાત ભાજપ દ્વારા મહાનગરપાલિકાની બેઠકો માટે ચૂંટણીની યાદી જાહેર કરવામાં આવશે. પ્રચાર અભિયાન, પત્રિકાઓનું સોસાયટી અને ફ્લેટમાં વિતરણ
ગુજરાત ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્ય અને મહાનગરપાલિકાની ચૂંટણીઓને લઈને આજથી પ્રચાર અભિયાન શરૂ કરવામાં આવશે. આજે 5 એપ્રિલથી ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત લોકોમાં પત્રિકા વિતરણ કરવામાં આવી રહ્યું છે.
ગુજરાતના તમામ નેતાઓ કાર્યકર્તાઓને ભૂત પ્રમુખો દ્વારા ઘરે ઘરે જઈને ભાજપ દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યોની પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં અને છેલ્લા પાંચ વર્ષમાં વિસ્તારમાં થયેલા વિકાસ કાર્યોની તમામ માહિતી લોકો સુધી પહોંચે તેના માટેની પત્રિકાઓ દરેક બુથ પ્રમુખો સુધી પહોંચાડવામાં આવી છે અને તેમના દ્વારા સોસાયટી અને ફ્લેટોમાં વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.
Read Original Article →