મનપાની ટિકિટ ફાળવણીથી ભાજપમાં કહી ખુશી કહી ગમ!:અનેકના પત્તા કપાતા કાર્યકરોમાં ભારે રોષ, પરિવારવાદ અને ધારાસભ્યના લોબિંગથી જાણો કેટલાને લોટરી લાગી!
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપમાં ભારે ખેંચતાણ બાદ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. ભાજપ દ્વારા 10 એપ્રિલે મોડી રાત્રે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવ્યા બાદ અનેક વોર્ડમાં કાર્યકર્તાઓ અને પૂર્વ હોદ્દેદારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ભાજપ દ્વારા અનેક સિનિયર અને અનુભવી કોર્પોરેટરોની ટિકિટ કાપી નાખવામાં આવી હતી. ધારાસભ્યો અને પ્રદેશના હોદ્દેદારોના હઠાગ્રહના કારણે અનેક લોકોના પત્તા કપાયા હતા. ત્યારે હવે ભાજપમાં ખૂબ જ આંતરિક ભડકો ઉભો થયો છે. ભાજપ દ્વારા પરિવાર વાદ પણ ચલાવવામાં આવ્યો છે. મહાનગરપાલિકામાં પૂર્વ કોર્પોરેટરોના દીકરા, દીકરી અને પત્નીને ટિકિટ આપવામાં આવી છે. કહી ખુશી કહી ગમ!
નરોડા વિધાનસભામાં આવતા સરદારનગર અને નરોડા વોર્ડ માટે પ્રદેશ પાર્લામેન્ટ્રીમાં ખૂબ ચર્ચા થઈ હતી. નરોડા વોર્ડમાંથી ભાજપમાંથી કામ કરતા કાર્યકર્તાઓને ટિકિટ આપવાની જગ્યાએ ગાડીઓ લઈને ફરવા વાળા લોકોને ટિકિટ આપવામાં આવતા સોશિયલ મીડિયામાં બળાપો કાઢવામાં આવ્યો છે. ભાજપના ધારાસભ્યએ પોતાનું લોબીંગ કરીને માણસોને ટિકિટ અપાવી હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે અને કેટલાક લોકોએ રાજીનામાં પણ આપી દીધા છે. પાલડીમાં પ્રતિશ મહેતાની ટિકિટ કપાઈ
AMCમાં ખૂબ જ અનુભવી અને સિનિયર ગણાતા એવા પાલડી વોર્ડમાંથી પ્રતિશ મહેતાને ટિકિટ મળી નથી. પૂર્વ ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીના ચેરમેન રહી ચૂકેલા પ્રીતિશ મહેતાએ લાલ દરવાજામાં આવેલા ભદ્ર પરિસરમાં રહેલા દબાણને દૂર કરવા માટે ખૂબ જ મહેનત કરી અને છેલ્લે સુધી લડત આપી ભદ્ર પરિસરને દબાણ મુક્ત કર્યુ હતું. જો કે તેમની મહેનત હોવા છતાં પણ છેવટે તેમની ટિકિટ કાપી નાખવામાં આવી છે. પાલડીમાંથી જૈનને ટિકિટ આપવાની હોવાને લઈને પ્રીતિશ મહેતાને કાપી પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટની ભત્રીજી ક્રિમિ ગાંધીને ટિકિટ આપવામાં આવી છે. પ્રકાશ ગુર્જરના સ્થાને નવા ચહેરાને તક
બાપુનગર વોર્ડમાંથી જીતેલા અને પૂર્વ લીગલ કમિટી ચેરમેન પ્રકાશ ગુર્જરની ટિકિટ પણ કાપી નાખવામાં આવતા ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે. ગત ટર્મમાં લીગલ કમિટી ખૂબ જ નબળી રહી હતી જેને ફરીથી જાગૃત કરી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષોથી બાકી રહેલા પેન્ડિંગ કેસો અને લીગલ વિષયોને ફરીથી ઉપાડીને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લીગલ કેસોમાં સફળતા અપાવી હતી પરંતુ લીગલ કમિટીના ચેરમેન તરીકે તેમની કામગીરી અને બાપુનગરમાં સેવાકીય સંસ્થા દ્વારા પોતાની કામગીરી સારી હોવા છતાં તેમની ટિકિટ કાપી નાખવામાં આવી છે. વિરોધ વચ્ચે યુવા આગેવાન વિરલ વ્યાસને ટિકિટ ન મળી
રાણીપ વોર્ડમાં સૌથી સક્રિય, યુવા અને પૂર્વ કોર્પોરેટર વિરલ વ્યાસની પણ ટિકિટ કાપી નાખવામાં આવી છે. સાબરમતીના ધારાસભ્ય દ્વારા વિરલ વ્યાસનું નામ મુકવામાં આવ્યું હતું. સૂત્રો મુજબ પૂર્વ ધારાસભ્ય અને કેટલાક હોદ્દેદારોના વિરલ વ્યાસને ટિકિટ આપવાને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. તેને ટિકિટના આપવા રજૂઆત કરવામાં આવી હતી. જેના પગલે તેમની ટિકિટ કાપી નાખવામાં આવી છે. સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડમાં પણ રેવન્યુ કમિટીના પૂર્વ ડેપ્યુટી ચેરમેન અને બે ટર્મ કોર્પોરેટર રહી ચૂકેલા પ્રદીપ દવે અને બે ટર્મના કોર્પોરેટર રહી ચૂકેલા મુકેશ મિસ્ત્રી બંનેની ટિકિટ કાપી નાખવામાં આવી છે. અને તેમના સ્થાને માત્ર એક જ મહિલા ઉમેદવારને રીપીટ કરવામાં આવ્યા છે. સિનિયર બંને કોર્પોરેટર હોવા છતાં પણ નવા કોર્પોરેટરોને સ્થાન આપવામાં આવ્યું છે. પૂર્વ મહિલા કોર્પોરેટરે કામ કર્યું છતાં અવગણના
અમરાઈવાડી વોર્ડમાં સૌથી યુવા કોર્પોરેટર રહી ચૂકેલા પ્રતિભા દુબેને પણ ટિકિટ આપવામાં આવી નથી. અમરાઈવાડીમાં સૌથી સક્રિય કોર્પોરેટર તરીકે સ્લમ વિસ્તારમાં સ્થાનિક લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે કામગીરી કરવામાં આવતી હતી. મહિલા કોર્પોરેટર તરીકે સક્રિય બની કામગીરી કરતા હતા. જો કે ભાજપના જ કેટલાક લોકો દ્વારા તેમની કામગીરીને લઈને હેરાનગતિ કરવામાં આવતી હોવા અંગેની ફરિયાદ પણ મહિલા કોર્પોરેટરને કરવી પડી હતી. સક્રિય મહિલા કોર્પોરેટર હોવા છતાં પણ તેમની ટિકિટ ધારાસભ્યના કારણે કાપવામાં આવ્યું હોવાની ચર્ચા છે. વસ્ત્રાલમાં પાટીદાર ફેક્ટરના આધારે ટિકિટ
રેવન્યુ કમિટીના પૂર્વ ચેરમેન રહી ચૂકેલા અનિરુદ્ધસિંહ ઝાલાની પણ વસ્ત્રાલમાંથી ટિકિટ કાપી નાખવામાં આવી છે. અનુભવી અને જૈનિક વકીલ દ્વારા રેવન્યુ કમિટીને ફરીથી જાગૃત કરવામાં આવી હતી અને તેને વધારે સારી રીતે ચલાવી અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઐતિહાસિક ટેક્સની આવક લાવવા માટે અનેક નિર્ણયો લીધા હતા. જો કે અનિરુદ્ધસિંહ ઝાલાની પણ ટિકિટ કાપી અને હોસ્પિટલના પૂર્વ ચેરમેન પરેશ પટેલને ટિકિટ આપવામાં આવી છે. પાટીદાર ફેક્ટર હોવાથી તેમને ટિકિટ આપી દેવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારો માટે ધારાસભ્યોનું લોબિંગ સૌથી વધારે ફળી ગયું છે. મહાનગરપાલિકાની ચૂંટણી માટે ધારાસભ્યોએ પોતાના માણસોને ટિકિટ અપાવવા માટે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં ખૂબ જ રજૂઆતો કરી હતી અને પ્રદેશના નેતાઓએ તેમની રજૂઆતો સાંભળી હતી. ક્યાંકને ક્યાંક ટિકિટ ન આપવા માટે અને પોતાના માણસોને સેટ કરવા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી ત્યારે પ્રદેશના નેતાઓએ છેવટે ધારાસભ્યોના માણસોને ટિકિટ આપી છે. જો કે કેટલાક લોકોએ ધારાસભ્યોના માણસોને ટિકિટ ન આપવા રજૂઆત કરી હતી. જેમાં પણ કેટલીક જગ્યાએ ધારાસભ્યોના માણસોને કાપવાની જગ્યાએ શહેરના હોદ્દેદારોને ગોઠવી દીધા છે. શહેર સંગઠનમાં સ્થાન મેળવેલા લોકોને ટિકિટ આપી દેવામાં આવી છે. વિરોધ વચ્ચે પણ સન્ની ખાનચંદાણી રિપીટ
નરોડા વિધાનસભામાં સન્ની ખાનચંદાણીનો ખૂબ મોટો વિરોધ હતો. તેમ છતા વિરોધની વચ્ચે તેમને ફરીથી રિપીટ કરી દેવામાં આવ્યા છે. પરંતુ તેમની સાથે ધારાસભ્યના ખૂબ જ નજીક ગણવામાં આવતા ડિમ્પલ વરીનદાનીની ટિકિટ કાપવામાં આવી છે. અસારવા વોર્ડમાં પણ ધારાસભ્યના ખૂબ જ નજીક ગણવામાં શાહીબાગ વોર્ડના પ્રમુખ ગિરીશ વણઝારા, કોર્પોરેટર સુમન રાજપુત અને ઉપ-પ્રમુખ અનસુયાબેન પટેલને ટિકિટ આપી દેવામાં આવી છે. મણીનગર વિધાનસભામાં પણ એનલ પટેલના પત્ની પલક પટેલને ટિકિટ આપવામાં આવી છે. પૂર્વ કોર્પોરેટરોના દીકરા-દીકરીઓ ફાવી ગયા!
અમદાવાદ મહાનગરપાલિકામાં સિનિયર પૂર્વ કોર્પોરેટરો અને કાર્યકર્તાઓને બાજુમાં મૂકી અને ગત ટર્મના પૂર્વ કોર્પોરેટરોને ફરીથી રિપિટ કરવાની જગ્યાએ તેમના દીકરા-દીકરીઓ અને પત્નીને ટિકિટ આપવામાં આવી છે. જેને લઈને પણ કાર્યકર્તાઓમાં ભારે રોષ ફેલાયો છે. ખાડિયા વોર્ડમાંથી પૂર્વ કોર્પોરેટર ઉમંગ નાયકના પત્ની હેતલબેન નાયક ને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે થલતેજ વોર્ડમાંથી પૂર્વ કોર્પોરેટર સમીર પટેલના પત્ની દેવળબેન પટેલને ટિકિટ આપવામાં આવી છે.
Read Original Article →