બલોલનગર ‘મોત’નો ઓવરબ્રિજ, વધુ એકનું મોત:અમદાવાદમાં વળાંક પર બાઈક ચાલક ડિવાઇડર સાથે અથડાઈ નીચે પડતા મોત, 10 દિવસમાં બીજો બનાવ
અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલો બલોલનગર રેલવે ઓવરબ્રિજ હવે મોતનો ઓવરબ્રિજ બની ગયો છે. બલોલનગર રેલવે ઓવરબ્રિજ પર ગઇકાલે(14 મે) મોડી રાત્રે ઓવર સ્પીડમાં બાઈક ચાલક જઈ રહ્યો હતો ત્યારે વળાંક પર બાઈક ડિવાઇડર સાથે અથડાયું હતું અને બાઈક ચાલક બ્રિજ પરથી નીચે પડ્યો હતો. બાઈક ચાલકનું ઘટનાસ્થળ પર જ મૃત્યુ થયું હતું. છેલ્લા 10 દિવસમાં બલોલનગર બ્રિજના વળાંક પર અકસ્માત થઈને નીચે પડવાનો આ બીજો બનાવ છે. 7 મેના રોજ બનેલા અકસ્માતના બનાવ બાદ પણ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર અને ટ્રાફિક પોલીસની આંખ ઉઘડી નહીં અને ફરી એકવાર બનાવ બન્યો છે. પાડોશીએ જાણ કરી કે ભાઈનો અકસ્માત થયો
રાણીપ વિસ્તારમાં આવેલા ગણેશ પ્લાઝામાં મહેશભાઈ પંચાલ તેમના પરિવાર સાથે રહે છે. મહેશભાઈની સાથે તેમના નાનાભાઈ અતુલભાઇ પણ રહે છે અને તેઓ ગાંધીનગર ખાતે આવેલી કંપનીમાં સિનિયર મેનેજર તરીકે નોકરી કરતા હતા. ગઇકાલે મોડી રાત્રે મહેશભાઈ અને તેમનો પરિવાર ઘરે સુતા હતા ત્યારે રાત્રે પોણા બે વાગ્યાની આસપાસ પાડોશમાં રહેતા વ્યક્તિએ મહેશભાઈને આવીને જાણ કરી હતી કે તમારા નાના ભાઈ અતુલભાઈનો બલોલનગર બ્રિજ ઉપર અકસ્માત થયો છે જેથી મહેશભાઈ તાત્કાલિક બ્રિજ ખાતે પહોંચ્યા હતા. બ્રિજ પરથી નીચે પડતા મોત
બલોલનગર રેલવે ઓવરબ્રીજ ઉપર અતુલભાઈનું બાઈક પડેલું હતું અને તેમના ભાઈ બ્રિજની નીચે પડેલા હતા. તેઓએ ત્યાં જઈને જોતા તેમના માથાના ભાગે અને શરીરના અલગ અલગ ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી અને તેમનું સ્થળ પર જ મૃત્યુ થઈ ગયું હતું. અતુલભાઈ રાત્રે સવા એક વાગ્યાની આજુબાજુ તેમનું બાઈક લઈને ન્યુ રાણીપથી રાણીપ તરફ આવી રહ્યા હતા ત્યારે બલોલનગર બ્રિજ ઉપર બેલેન્સ ન રહેતા બાઈક ડિવાઇડર સાથે અથડાઈને તેઓ ઉછળીને બ્રિજ પરથી નીચે પડ્યા હતા અને માથાના ભાગે ઇજાઓ થતા તેમનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું. પોલીસ ઘટનાસ્થળે પહોંચી
એલ ડિવિઝન ટ્રાફિક પોલીસને જાણ કરવામાં આવતા તાત્કાલિક પોલીસ પણ રાત્રે સ્થળ ઉપર પહોંચી હતી. બલોલનગર રેલવે ઓવરબ્રિજ પર અકસ્માત મામલે મૃતક અતુલભાઇના ભાઈની ફરિયાદના આધારે બેદરકારી રીતે વાહન ચલાવી અને અકસ્માત સર્જી મોતને ભેટનાર અતુલભાઇ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. 10 દિવસમાં બીજો અકસ્માત
રાણીપ વિસ્તારમાં બનાવવામાં આવેલો બલોલનગર રેલવે ઓવરબ્રિજ હવે મોતનો ઓવરબ્રિજ બની ગયો છે. 7 મેના રોજ પણ એક બાઈક ચાલક બાઈક લઈને બલોલનગર રેલવે ઓવરબ્રિજ પરથી ન્યુ રાણીપથી રાણીપ તરફ આવી રહ્યો હતો ત્યારે વળાંક પાસે બાઈકનું બેલેન્સ ન રહેતા ડિવાઇડર સાથે અથડાયો હતો. બાઈક ડિવાઇડર સાથે અથડાતા બાઈક ચાલક બ્રિજ પરથી નીચે પડ્યો અને તેનું મૃત્યુ થયું હતું. 10 દિવસમાં જ આ જગ્યા પર બીજી ઘટના બની છે. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર અને ટ્રાફિક પોલીસની હજી સુધી આંખ ઉઘડી નથી. કોર્પોરેશને સેફટી ગાર્ડ અથવા નોઈસ બેરિયર લગાવવાનો નિર્ણય લીધો નહીં
એક અઠવાડિયા પહેલા થયેલા અકસ્માતની ઘટના બાદ પણ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર અને ટ્રાફિક પોલીસ દ્વારા રેલવે ઓવરબ્રિજ ઉપર કોઈ સેફટી ગાર્ડ લગાવવા અથવા નોઈસ બેરિયર લગાવવા માટે નિર્ણય લીધો નહીં અને ફરી એકવાર અકસ્માતમાં એક વ્યક્તિએ જીવ ગુમાવવો પડ્યો છે. આ રેલવે ઓવરબ્રિજ પર વળાંક જોખમી છે જેના કારણે અકસ્માત થઈ રહ્યા છે અને લોકો પૂરપાટ ઝડપે પણ વાહન ચલાવી રહ્યા છે ત્યારે ટ્રાફિક પોલીસ અને પ્રિન્સિપલ કોર્પોરેશન તંત્રએ આ બાબતે સર્વે કરી કામગીરી કરવાની જરૂરિયાત હોવા છતાં પણ કોઈ ધ્યાન ન આપ્યું જેના કારણે ફરી એકવાર અકસ્માત સર્જાયો છે. ડિવાઇડર સાથે અથડાઈને બ્રિજ પરથી પટકાતા બાઇક ચાલકનું મોત 8 મેના રોજ અમદાવાદના બલોલનગર બ્રિજ ઉપર પૂરઝડપે જઈ રહેલો બાઇક ચાલક ડિવાઇડર સાથે અથડાઈને બ્રિજની પાળી સાથે અથડાઈ બ્રિજ પરથી નીચે પટકાયો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા સંજય મકવાણા નામના બાઇક ચાલકને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર બેરિયર વિનાના બલોલનગર બ્રિજના જીવ લેતા જોખમી વળાંકો અમદાવાદ શહેરના ન્યુ રાણીપ વિસ્તારમાં બલોલનગર પાસે રેલવે ઓવરબ્રિજ પર અકસ્માતના બનાવો હવે વધી રહ્યા છે. અકસ્માતમાં બ્રિજ પરથી નીચે પડવાના બનાવો બનતા તાજેતરમાં જ 3 લોકોના મૃત્યુ થયા હતા. બલોલનગર બ્રિજ પર જોખમી વળાંકમાં ઓવરસ્પીડમાં વાહન ચલાવવાના કારણે અકસ્માત થવાની સંભાવના વધી જાય છે. ભૂતકાળમાં અકસ્માતની ઘટના બાદ પણ ટ્રાફિક પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન ઉંઘતા રહેતા 14 મેના રોજ એક યુવક બ્રિજ પરથી પટકાયો હતો. 30 જાન્યુઆરીથી 8 મે સુધીમાં બે અકસ્માત થયા છે. જેમાં લોકોના મોત થઈ ચૂક્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બ્રિજ નોઈસ બેરિયર (બન્ને તરફ લગાવાતા પતરા) લગાવવામાં આવ્યા નથી. તેમજ બ્રિજના બંને તરફના છેડા ઉપર લગાવેલા સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે. જ્યારે જ્યાં અકસ્માતની સંભાવના વધુ છે ત્યાં જ સીસીટીવી લગાવવામાં આવ્યા નથી.
Read Original Article →