બાંગ્લાદેશીઓને પકડવાના ઓપરેશનની ઈનસાઈડ સ્ટોરી:રાત્રે હર્ષ સંઘવીની બેઠક બાદ સવારે જ ક્રાઈમ JCP શરદ સિંઘલના સુપરવિઝનમાં ઓપરેશન શરૂ થયું, 24 કલાકમાં 166 ઝડપાયા
1 જૂને રાતના સમયે ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સાયબર માફીયાઓ માટે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 ની શરૂઆત થઈ હતી.આ બેઠક બાદ માત્ર ઓપરેશન મ્યુલ હંટ જ નહિ પરંતુ બાંગ્લાદેશીઓ વિરુદ્ધ પણ ઓપરેશન શરૂ થયું હતું.બેઠક બાદ 2 જૂને સવારના સમયે અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકની સૂચનાથી ક્રાઈમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ માટેનું ઓપરેશન ફરી એક વાર શરૂ કર્યું હતું. આ ઓપરેશનમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની 10 ટીમ, એસઓજી,સાઇબર ક્રાઇમ અને EOW 20 જેટલી ટીમ એમ કુલ 30 એજન્સીની ટીમ અને સ્થાનિક પોલીસ સાથે મળીને ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશો વિરુદ્ધ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.આ સમગ્ર ઓપરેશનનું સુપર વિઝન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલ કરી રહ્યા હતા. સવારથી જ પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી
અલગ અલગ ટીમ શહેરના અલગ-અવી વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી.જ્યાં બાંગ્લાદેશીઓ રહેતા હોય અથવા તો કામ કરતા હોય તેવી જગ્યાએ પોલીસની ટીમ પહોંચી હતી. પોલીસની ટીમે જે પણ શકમંદ વ્યક્તિ દેખાયા તેમના પાસે ઓળખપત્ર માંગ્યા હતા.ઓળખપત્ર માંગતા કેટલાક પોલીસને જવાબ ના આપી શક્યા તો કેટલાક પાસે ડુપ્લીકેટ આધાર કાર્ડ મળી આવ્યા.પોલીસે તરત જ બાંગ્લાદેશીઓની ઓળખ કરી અને સવારથી જ જેટલા લોકો પકડાય તેમને તાત્કાલિક ક્રાઈમ બ્રાન્ચ રવાના કરવામાં આવી રહ્યા હતા. પોલીસ જ્યારે બાંગ્લાદેશીઓને શોધી રહી હતી ત્યારે કેટલાક બાંગ્લાદેશીઓને જાણ થઈ જતા તેઓ રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેન્ડ ભાગીને પહોંચી ગયા હતા,ત્યારે પોલીસની ટીમોએ રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ પરથી પણ કેટલાક બાંગ્લાદેશીઓની અટકાયત કરી હતી. 3 જૂને રાતના 2 વાગ્યા સુધી લગભગ 290 થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી.આ તમામની મોડી રાત સુધી પૂછપરછ ચાલી ત્યારે 166 જેટલા વ્યક્તિઓ બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું હતું. અન્ય કેટલાક લોકો શકમંદ હોય તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. સવારે 10 વાગ્યા સુધી પોલીસની અલગ અલગ ટીમ દ્વારા 300થી વધુની અટકાયત કરીને ક્રાઈમ બ્રાન્ચ લાવવામાં આવી રહ્યા હતા. લગભગ 600 થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ આ કામગીરીમાં લાગ્યા હતા. સવારે જ્યારે ઓપરેશન પૂર્ણ થયું ત્યારે જેથી જેસીપી શરદ સિંઘલે આ તમામ વિગતો અમદાવાદ પોલીસ કમિશનરને પહોંચાડી હતી.પોલીસ કમિશનર દ્વારા આ ઓપરેશનની તમામ વિગતો ગૃહ વિભાગને આપવામાં આવી હતી. 95 બાંગ મહિલાઓ મળી આવી, મોટાભાગની સ્પા અને દેહવ્યાપારના ધંધા સાથે જોડાયેલી
આ સમગ્ર ઓપરેશનમાં 95 મહિલાઓ 41 પુરુષ અને 30 બાળકો મળી આવ્યા છે.પોલીસે શહેરના અલગ અલગ વિસ્તારના સ્પા અને દેહવેપારની પ્રવૃત્તિ ચાલતી હોય ત્યાં પણ દરોડા કર્યા હતા,તો ત્યાંથી મોટી સંખ્યામાં બાંગ્લાદેશી યુવતી અને મહિલાઓ મળી આવી હતી.આ તમામ મહિલાઓ અમદાવાદમાં દેહવેપાર અને સ્પા સાથે જોડાયેલી હતી,જ્યારે પુરુષોની પૂછપરછ કરવામાં આવી ત્યારે આ પુરુષો છૂટક મજૂરી કરતા હતા. આ તમામ લોકો અહીંયા કેવી રીતે આવ્યા તે અંગે પૂછપરછ કરતા કેટલાક એજન્ટોના નામ પણ સામે આવ્યા છે, ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા એજન્ટની પણ શોધખોળ ચાલી રહી છે, તો બીજી તરફ એ પણ જાણવા મળ્યું હતું કે બાંગ્લાદેશીઓ અહીંયા જે પણ કમાતા હતા તે કેટલાક આંગડિયા મારફતે તો કેટલાક મોબાઈલ એપ્લિકેશન મારફતે પૈસા બાંગ્લાદેશ મોકલતા હતા તેની પણ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
Read Original Article →