આંગડીયા પેઢીમાંથી 80 લાખના દાગીના લઈ ફરાર:અમદાવાદમાં 11 દિવસમાં કર્મચારીએ જ લાખોનો ચૂનો લગાવ્યો, ફોન સ્વીચઓફ આવતા ભાંડો ફૂટ્યો
અમદાવાદ શહેરમાં ફરી એકવાર આંગડીયા પેઢીમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાણીપ વિસ્તારમાં આવેલી ન્યુરાજહંસ સોસાયટીમાં રહેતા અંકીત પારેખે પોતાના જ કર્મચારી વિરુદ્ધ લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના લઈને ફરાર થઈ જવાની ફરિયાદ નોંધાવતા વેપારી વર્તુળમાં ભારે ખળભળાટ મચી ગયો છે. સમગ્ર મામલે કાલુપુર પોલીસ સ્ટેશન પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. જીગરસિંહને પાર્સલ ડિલિવરીનું કામ કરતો
રાણીપમાં રહેતા અંકીત પારેખ કાલુપુર વિસ્તારમાં આંગડીયા પેઢી ચલાવે છે અને તેમની પેઢીની રાજ્યભરમાં કુલ 12 શાખાઓ આવેલી છે. વેપારીઓના કિંમતી પાર્સલ સુરક્ષિત રીતે એક શહેરથી બીજા શહેર સુધી પહોંચાડવાનું કામ આ પેઢી દ્વારા કરવામાં આવે છે. અંકીતની પેઢીમાં જયંતી પટેલ નામનો કર્મચારી લાંબા સમયથી કામ કરે છે, જ્યારે જીગરસિંહ વિહોલા નામના યુવકને માત્ર 11 દિવસ પહેલાં જ નોકરી પર રાખવામાં આવ્યો હતો. જીગરસિંહને પાર્સલ ડિલિવરીનું કામ સોંપવામાં આવ્યું હતું. વેપારીઓ પાસેથી આવતાં કિંમતી દાગીના અને ચાંદીના માલને યોગ્ય સ્થળે પહોંચાડવાની તેની જવાબદારી હતી. શરૂઆતના થોડા દિવસોમાં તેણે સામાન્ય રીતે કામ કર્યું હોવાથી કોઈને તેના પર શંકા ગઈ નહોતી. જીગરસિંહનો મોબાઈલ સ્વીચઓફ આવતો હતો
6 તારીખના રોજ અલગ અલગ વેપારીઓએ સોના-ચાંદીના દાગીના અને ચાંદીની પાટો ડિલિવરી માટે આંગડીયા પેઢીમાં મોકલ્યા હતા. જેમાં ભુજ સ્થિત કચ્છી જ્વેલર્સના માલિક કિશોર મોરબીયાએ પણ મોટી કિંમતની ચાંદીની પાટો મંગાવી હતી. આ તમામ કિંમતી માલ ભુજ પહોંચાડવાની જવાબદારી જીગરસિંહને સોંપવામાં આવી હતી. જીગરસિંહ લાખો રૂપિયાના માલ સાથે બસમાં બેસીને ભુજ જવા માટે નીકળ્યો હતો. ભુજ ખાતે આંગડીયા પેઢીનો કર્મચારી તેને લેવા માટે સ્ટેશન પર પહોંચ્યો હતો, પરંતુ લાંબા સમય સુધી રાહ જો્યા છતાં જીગરસિંહ ત્યાં આવ્યો નહોતો. શરૂઆતમાં એવું માનવામાં આવ્યું કે કદાચ બસ મોડે પહોંચી હશે અથવા સંપર્કમાં કોઈ ટેકનિકલ સમસ્યા હશે. જોકે ત્યારબાદ જ્યારે જીગરસિંહને વારંવાર ફોન કરવામાં આવ્યો ત્યારે તેનો મોબાઈલ સ્વીચઓફ આવતો હતો. કાલુપુર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ
સમય પસાર થવા છતાં જીગરસિંહનો કોઈ સંપર્ક ન થતા અને માલ પણ ન પહોંચતા આખરે આંગડીયા પેઢીના સંચાલકોને શંકા ગઈ હતી. તપાસ કરતાં જાણવા મળ્યું કે અંદાજે 80.56 લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીના અને ચાકસો ગાયબ છે. આ જાણ થતાં જ આંગડીયા પેઢીમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અંકીત પારેખે કાલુપુર પોલીસ સ્ટેશનમાં જીગરસિંહ વિહોલા વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધીને ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.
Read Original Article →