સંજય ગઢવીનું નામ ખોખરા વોર્ડની મતદાર યાદીમાં ઉમેરવા હાઇકોર્ટનો હુકમ:SIRમાં AMCની મતદાર યાદીમાં નામ નહીં, 11 એપ્રિલ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ; મળતી માહિતી મુજબ કોંગ્રેસના ઉમેદવાર
ગુજરાત હાઇકોર્ટમાં અમદાવાદથી સંજયભાઈ ગઢવી દ્વારા સ્ટેટ ઇલેક્શન કમિશન સહિત અન્ય ઓથોરિટીને પક્ષકાર બનાવીને અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં અરજદારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી ચૂંટણીમાં ભાગ લેવા માટે ખોખરાના વોર્ડ નંબર 44ની મતદાર યાદીમાં પોતાનું નામ ઉમેરવા વિનંતી કરી હતી. અરજદાર વતી રજૂઆત કરવામાં આવી હતી કે, તેનું નામ અગાઉ મણિનગર વિધાનસભા મતવિસ્તારની યાદીમાં હતું, પરંતુ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન - SIR દરમિયાન તે નીકળી ગયું હતું. ત્યારબાદ તેમણે 12 માર્ચ, 2026ના રોજ નામ ઉમેરવા ઓથોરાઇઝ અધિકારીને અરજી કરી હતી, જે સફળતાપૂર્વક સ્વીકારવામાં આવી હતી. જેનો SMS પણ તેમને મોબાઈલ ઉપર મળ્યો હતો. તેમની પાસેના EPIC કાર્ડ મુજબ તેઓ મણિનગર વિધાનસભા વિસ્તારના મતદાતા છે. આ જ વિધાનસભા વિસ્તાર અંતર્ગત ખોખરા વોર્ડ આવે છે. નામાંકન પત્ર ભરવાની છેલ્લી તારીખના 10 દિવસ પહેલા નામ ઉમેરી શકાય નહીં
સ્ટેટ ઇલેક્શન કમિશને દલીલ કરી હતી કે, 17 ફેબ્રુઆરી 2026ની સુધારેલી યાદીમાં અરજદારનું નામ ન હોવાથી 23 માર્ચ, 2026 ની પ્રાથમિક યાદીમાં તેમનો સમાવેશ થઈ શક્યો નથી. 6 એપ્રિલના રોજ અરજદારની અરજી ઓથોરિટીએ નકારી નાખી હતી. નિયમો મુજબ નામાંકન પત્ર ભરવાની છેલ્લી તારીખના 10 દિવસ પહેલા નામ ઉમેરી શકાય નહીં. જોકે, કોર્ટે નોંધ્યું કે હતું કે પ્રાથમિક યાદી બહાર પડ્યા પહેલા જ અરજદારનું નામ મણિનગર વિધાનસભા મતવિસ્તારમાં સામેલ કરવામાં આવ્યું હતું. જો નામ વિધાનસભાની યાદીમાં હોય તો મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટેની યાદીમાં પણ તેમનો અધિકાર બને છે. આથી અરજદારનું નામ ખોખરાના વોર્ડ નંબર-44ની મતદાર યાદીમાં સામેલ કરવામાં આવે. આ સાથે અરજદારને આગામી ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવાની છૂટ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મળતી માહિતી મુજબ સંજય ગઢવી કોંગ્રેસ પક્ષના અમદાવાદ મહાનગરપાલિકા અંતર્ગતની ચૂંટણીના ખોખરા વોર્ડના ઉમેદવાર પૈકીના એક છે.
Read Original Article →