અમદાવાદને મળ્યા માલદાર મેયર, 88 જગ્યાએ જમીન, 110 કરોડની સંપત્તિ:57 તોલા સોનુ, રિવોલ્વર અને થારના માલિક; AMCના પદાધિકારીઓની પસંદગી પાછળની ઈન્સાઇડ સ્ટોરી
જેની કાગડોળે રાહ જોવાતી હતી તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડકની નિમણૂક ચૂંટણી પરિણામના એક મહિના પછી(26 મે) કરી દેવાઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે લોકો પદાધિકારી બન્યા છે, તેમને ભાજપે બનાવેલા નિયમોના કારણે એક સમયે ટિકિટ મળશે કે નહીં તે એક સવાલ હતો. પણ પાર્ટીએ તેમની પર વિશ્વાસ કર્યો અને તેમની ગુજરાતની સૌથી અમીર કોર્પોરશનમાં સૌથી મહત્વના પદ પર વરણી પણ કરી. તો આવો જાણીએ AMCના પદાધિકારીઓને ટિકિટ મળી તેની ઈન્સાઇડ સ્ટોરી… સાથે જ અમદાવાદના મેયર હિતેશ બારોટે ચૂંટણી સમયે જમા કરાવેલા એફિડેવિટનું દિવ્ય ભાસ્કરે એનાલિસિસ કર્યું હતું. જેનો અભ્યાસ કરતા જાણવા મળ્યું કે આ વખતે અમદાવાદને માલદાર મેયર મળ્યા છે. અમદાવાદ અને આસપાસની 88 જગ્યાએ 228 વિઘા જમીન, 57 તોલા સોનું, થાર ગાડી, રિવોલ્વર સહિત પતિ-પત્નીની મળીને કુલ 110 કરોડની સંપત્તિ છે. મેયર બંગલાનો ઉપયોગ નહીં કરું: હિતેશ બારોટ
અમદાવાદના પ્રથમ નાગરિક એવા મેયર હિતેશ બારોટે પદગ્રહણ કરતા જ મેયર બંગલાનો ઉપયોગ નહીં કરવાનો અને ભેટ નહીં સ્વીકારવાનો મહત્વનો નિર્ણય લીધો હતો. હિતેશ બારોટે જણાવ્યું હતું કે મેયર તરીકે હું કોઈ સુવિધાઓ લઇશ નહી. આજ દિન સુધી બધા પદ પર રહ્યો છું, ક્યાય પણ મેં કોઈ સુવિધા લીધી નથી. આજે મેયર તરીકે પદગ્રહણ કર્યું છે ત્યારે જૂના મેયર કિરીટ પરમાર અગાઉ એક જ રૂમમાં રહેતા હતા અને તેમણે પણ બંગલાનો ઉપયોગ નહોતો કર્યો. ત્યારે હું પણ મારા નિવાસ્થાન પર જ રહીશ અને મેયર બંગલાનો ઉપયોગ કરીશ નહીં. દંપતી પાસે કુલ 109.40 કરોડની સંપત્તિ
હિતેશ બારોટ અને તેમની પત્નીની સંયુક્ત સંપત્તિની વાત કરીએ તો રોકડ, થાપડ, શેર-બોન્ડ, LIC પોલિસી, વાહન, ઘરેણા, હથિયાર, ખેતી-બિનખેતીની જમીન, કોમર્શિયલ પ્રોપર્ટી અને મકાન સહિત કુલ 109.40 કરોડની સંપત્તિ દંપતી પાસે છે. 88 જગ્યાએ 228 વિઘા જમીન
મેયર હિતેશ બારોટ પાસે 88 જગ્યાએ 228 વિઘા જમીન છે. જેમાં પોતાના નામે ખેતી-બિનખેતીની 2,11,228 ચો.મીટર જમીન છે, જ્યારે પત્નીના નામે ખેતી-બિનખેતીની 1,57,839 ચો.મીટર જમીન છે. આમ દંપતીના નામે 95.60 કરોડની જમીન છે. ઓગણજ, બોડકદેવ સહિતના વિસ્તારમાં ખેતીની જમીન
હિતેશ બારોટના નામે કુંડલ, લીલાપુર, ઓગણજ, ધામતવાણ, બોરિસણા અને બોડકદેવ વિસ્તારમાં 1,04,475 ચો.મીટર ખેતીની જમીન આવેલી છે. 1,06,753 ચો.મીટર બિનખેતીની જમીન
કુંડલ, થલતેજ, નાંદોલ, દહેગામ, ગોરજ, મગોડીમાં મેયરના નામે 1,06,753 ચો.મીટર બિનખેતીની જમીન આવેલી છે. કુલ 551.15 ચો.મીટરની કોમર્શિયલ પ્રોપર્ટી
હિતેશ બારોટના નામે કુલ 551.15 ચો.મીટરની કોમર્શિયલ પ્રોપર્ટી છે. જેમાં બોડકદેવના મિલી કોમ્પલેક્સમાં દુકાન અને પીવીઆર આર્વેદ રાણીપનો સમાવેશ થાય છે. મેયર હિતેશ બારોટના પત્ની રંજનબેનના નામે કુંડલ, લીલાપુર, ઓગણજ, બોડકદેવમાં 85,501 ચો.મીટર ખેતીની જમીન છે. રંજનબેનના નામે થલતેજ, કુંડલ, લીલાપુરમાં કુલ 72,338 ચો.મીટર બિનખેતીની જમીન છે. પત્નીના નામે કુલ 551.15 ચો.મીટર કોમર્શિયલ પ્રોપર્ટી છે. જેમાં મેગ્નીફીકો ઓફિસ, શુકન ટાવરમાં દુકાન અને પીવીઆર આર્વેદ રાણીપનો સમાવેશ થાય છે. ડે.મેયર પાસે કુલ 2.39 કરોડની સંપત્તિ
અમદાવાદ મનપામાં ડેપ્યુટી મેયર અંજુ શાહની સંપત્તિની વાત કરીએ તો રોકડ, થાપણ, શેર-બોન્ડ, પીપીએફ, વાહન, ઘરેણા, બિન ખેતીની જમીન સહિત કુલ 2.39 કરોડની સંપત્તિ દંપતી પાસે છે. સ્ટેન્ડિંગ ચેરમેન પાસે કુલ 1.71 કરોડની સંપત્તિ
અમદાવાદ મનપામાં સ્ટેન્ડિંગ ચેરમેન કમલેશ પટેલની સંપત્તિની વાત કરીએ તો રોકડ, થાપણ, શેર-બોન્ડ, પીપીએફ/વીમો, વાહન, ઘરેણા, મકાન સહિત કુલ 1.71 કરોડની સંપત્તિ દંપતી પાસે છે. મેયર હિતેશ બારોટની સંપત્તિમાં છેલ્લાં પાંચ વર્ષમાં પોણા ત્રણ ગણાનો વધારો થયો છે. વર્ષ 2021માં તેમની સંપત્તિ 38.66 કરોડ હતી, જે 2026માં વધીને 109 કરોડ એટલે કે 282%નો વધારો નોંધાયો હતો. જ્યારે સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન કમલેશ પટેલની સંપત્તિ 2021માં 46.80 લાખ હતી, જે વર્ષ 2026માં વધીને 1.70 કરોડ થઈ હતી. એટલે કે તેમની સંપત્તિમાં સાડા ત્રણ ગણો (363%) વધારો થયો છે. અત્યાર સુધી આપણે મેયર, ડે.મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેને ચૂંટણી સમયે જમા કરાવેલા એફિડેવિટનું એનાલિસિસ કર્યું, હવે આપણે જાણીએ AMCના પદાધિકારીઓને ટિકિટ મળી તેની ઈન્સાઇડ સ્ટોરી… જનરલ બેઠક પર જનરલ ઉમેદવારને જ લડાવાના હતા
મેયર તરીકે વરણી કરવામાં આવેલા થલતેજ વોર્ડના કોર્પોરેટર હિતેશ બારોટની બીજી ટર્મ છે. વર્ષ 2021માં હિતેશ બારોટને સૌપ્રથમ વખત ચૂંટણી લડાવવામાં આવી હતી જે જનરલ બેઠક પરથી લડાવવામાં આવી હતી. જ્યારે વર્ષ 2026માં થલતેજ વોર્ડમાં SC અનામત અને પુરુષ અનામત બેઠક આવી હતી. દરેક વોર્ડમાં હવે OBC અનામત બેઠક હોવાના કારણે દરેક ઓબીસી જ્ઞાતિમાંથી આવનારા લોકોને ત્યાંથી જ લડાવવાનો નિર્ણય પાર્ટીએ લીધો હતો અને જનરલ બેઠક ઉપરથી જનરલ જ્ઞાતિના જ લોકોને લડાવવાના હતા. જનરલ બેઠક પર લડાવ્યા
થલતેજ વોર્ડમાં અનામત બેઠક હોવા છતાં પણ વર્ષ 2021માં ચૂંટાયેલા અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રહી ચૂકેલા હિતેશ બારોટને ફરીથી થલતેજ વોર્ડમાંથી જ જનરલ બેઠક પરથી ચૂંટણી લડાવવામાં આવી હતી. દરેક વોર્ડમાં અનામત મુજબ જ ચૂંટણી લડાવવાના હતા. જોકે થલતેજ વોર્ડમાં ઓબીસી અનામત ના હોવા છતાં પણ તેઓને જનરલ બેઠક પરથી ચૂંટણી લડાવવામાં આવી હતી. ‘કેન્દ્રીય ગૃહમંત્રીના ખૂબ નજીકના ગણવામાં આવે છે’
ડેપ્યુટી મેયર તરીકે વરણી કરવામાં આવેલા સાબરમતી વોર્ડના કોર્પોરેટર અંજુબેન શાહને ફરીથી રિપીટ કરવામાં આવ્યા છે. સાબરમતી વોર્ડમાં વર્ષ 2021માં અંજુબેન શાહ કોર્પોરેટર તરીકે રહી ચૂક્યા હતા અને ત્યારબાદ વર્ષ 2026ની ચૂંટણીમાં સ્થાનિક સાબરમતીના જૈનો દ્વારા ભાજપમાંથી પુરુષ જૈન ઉમેદવારને ટિકિટ આપવામાં આવે એવી માગ ઉઠી હતી. જોકે ભાજપે ફરીથી અંજુબેન શાહને જ રિપીટ કર્યા હતા. અંજુબેન શાહ મહિલા છે અને મૂળ મુંબઈના રહેવાસી છે. જોકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ખૂબ નજીકના તેઓને ગણવામાં આવે છે અને શિક્ષિત મહિલા હોવાના કારણે તેમજ સમાજમાં પણ સારું એવું સ્થાન ધરાવતા હોવાના કારણે તેમને ફરીથી રીપીટ કરવામાં આવ્યા અને ડેપ્યુટી મેયર તરીકે પદ આપવામાં આવ્યું છે. વિશ્વકર્માના વિશ્વાસુ સ્ટેન્ડિગ ચેરમેન બન્યા
ખોખરા વોર્ડમાંથી ચૂંટાયેલા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનેલા કમલેશ પટેલને પણ ફરીથી રિપીટ કરવામાં આવ્યા છે. કમલેશ પટેલ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના અત્યંત નજીકના અને વિશ્વાસુ વ્યક્તિઓમાંથી એક ગણવામાં આવે છે. ભાજપ દ્વારા જે વોર્ડમાં રહેતા હોય તે જ વોર્ડમાંથી ટિકિટ આપવાનો નિર્ણય લીધો હતો. જોકે કમલેશ પટેલનું અમરાઈવાડી વોર્ડમાં ઘર આવેલું છે અને તેમની સામેની સોસાયટી ખોખરા વોર્ડમાં આવેલી છે. કમલેશ પટેલનું ઘર અમરાઈવાડી અને ખોખરા એમ બંને વોર્ડની બોર્ડર ઉપર આવેલું છે. બાદમાં ખોખરા વોર્ડમાંથી જીત મેળવ્યા બાદ તેઓ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા છે. સંગઠનમાં થોડા સમય માટે નિમણૂક આપી ફરીથી ચૂંટણી લડાવી
શાહીબાગ વોર્ડમાંથી ચૂંટાયેલા અને રિપીટ કરાયેલા કોર્પોરેટર જશુ ઠાકોરને શાસક પક્ષના નેતા તરીકે નિમણૂક આપવામાં આવી છે. જશુ ઠાકોર શાહીબાગ વોર્ડમાં વર્ષ 2021માં કોર્પોરેટર તરીકે ચૂંટાયા બાદ અમદાવાદ શહેર ભાજપની વર્ષ 2026ની નવી સંગઠનની ટીમ બની તેમાં શહેર મહામંત્રી તરીકેનો હોદ્દો આપવામાં આવ્યો હતો. જોકે મહામંત્રી તરીકે ત્રણ મહિના રહ્યા બાદ તેમને રાજીનામું અપાવી ફરીથી શાહીબાગ વોર્ડમાંથી જ ચૂંટણી લડાવી અને શાસક પક્ષના નેતા તરીકે મૂકવામાં આવ્યા છે. સંગઠનમાં થોડા સમય માટે નિમણૂક આપી અને ફરીથી ચૂંટણી લડાવી તેમને હોદ્દેદાર બનાવવામાં આવ્યા છે. કોંગ્રેસના ઉમેદવારે ગેરકાયદે બાંધકામને લઇને સવાલ ઉઠાવ્યા તેમણે દંડક બનાવ્યા
દંડક તરીકે નિમણૂક પામેલા ચાંદખેડા વોર્ડના કોર્પોરેટર અતુલ મિશ્રા સૌપ્રથમ વખત ચૂંટણી લડ્યા અને તેઓને દંડક તરીકે હોદ્દો આપવામાં આવ્યો છે. અતુલ મિશ્રા પ્રદેશમાં અન્ય ભાષા-ભાષી સેલના સંયોજક રહી ચૂક્યા છે. ચાંદખેડા વોર્ડમાં ટિકિટ માટે સૌથી વધારે માથાકૂટ સર્જાઇ હતી. ચાંદખેડા વોર્ડમાં હરિ પ્રકાશ શર્માને ટિકિટ આપવા માટે ખૂબ જ ખેંચતાણ થઈ હતી. ચાંદખેડા વોર્ડમાં આવતા ડીકેબીનમાંથી ફરી પ્રકાશ શર્માને ટિકિટ આપવા માટે બેનરો પણ લાગ્યા હતા અને અતુલ મિશ્રાનો વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના ઉમેદવારે તેમના ગેરકાયદે બાંધકામને લઇને સવાલ ઉઠાવ્યા હતા. તેમ છતાં પણ તેમને પાર્ટીએ ટિકિટ આપી અને વોર્ડમાંથી સૌથી વધારે મત મેળવીને જીત્યા હતા. વિરોધ વચ્ચે પણ ટિકિટ લાવી જીત મેળવ્યા બાદ તેમને દંડક તરીકે નિમણૂક આપવામાં આવી છે.
Read Original Article →