AMCમાં એકપણ EV નહીં, કોન્ટ્રાક્ટ પૂર્ણ થતાં ધૂળ ખાય છે:PMની અપીલ છતાં કોર્પોરેશન માત્ર પેટ્રોલ અને ડીઝલની જ ગાડીઓ દોડાવે છે
મધ્ય-પૂર્વના દેશોમાં ચાલી રહેલા યુદ્ધના કારણે આખા દેશમાં પેટ્રોલ ડીઝલના જથ્થાને લઈને અસર થઈ છે, ત્યારે પીએમ મોદીએ પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ ઘટાડવા પર નાગરિકોને અપીલ કરી છે અને ઇલેક્ટ્રીક વાહનોનો ઉપયોગ વધારવા જણાવ્યું છે. જોકે રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા એવી અમદાવાદ મહાનગરપાલિકામાં પેટ્રોલ ડીઝલના વાહનોનો ઉપયોગ કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. કારણ કે મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે એક પણ ઈલેક્ટ્રીક ગાડી નથી. તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓ પેટ્રોલ અને ડીઝલથી ચાલતી જ ગાડીઓનો ઉપયોગ કરી રહ્યા છે. એક પણ ઈલેક્ટ્રીક વ્હીકલ ન હોવાના કારણે પેટ્રોલ અને ડીઝલની બચત અધિકારીઓ અને કર્મચારીઓ કરી શકે તેમ નથી. 'ટૂંક સમયમાં નવી ઈલેક્ટ્રીક 8 જેટલી ગાડીઓ ખરીદાશે'
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સેન્ટ્રલ વર્કશોપ વિભાગનો હવાલો સંભાળતા અધિકારી વિજય મિસ્ત્રીએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઈલેક્ટ્રીક ગાડીઓનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ ગયો છે અને સ્ક્રેપમાં ગાડીઓ રાખવામાં આવેલી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી ટૂંક જ સમયમાં નવી ઈલેક્ટ્રીક 8 જેટલી ગાડીઓ ખરીદવામાં આવશે. હાલમાં કોર્પોરેશન દ્વારા ઈ- રીક્ષા ચલાવવામાં આવે છે. EV ગાડીઓનો કોન્ટ્રાક્ટ પૂરો થતાં ધૂળ ખાઈ રહી છે
15000 કરોડથી વધુનું બજેટ ધરાવનારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક પણ ઈલેક્ટ્રીક વ્હીકલ નથી. જેના કારણે થઈને તમામ અધિકારીઓ અને કર્મચારીઓને ફરજિયાત પેટ્રોલ અને ડીઝલથી ચાલતી ગાડીઓનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. એક વર્ષ પહેલાં મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે 25 થી વધુ ઈલેક્ટ્રીક ગાડીઓ હતી. જેનો અધિકારીઓ ઉપયોગ કરી રહ્યા હતા .પરંતુ વર્ષ 2025ના ઓગસ્ટ મહિનામાં ઈલેક્ટ્રીક ગાડીઓનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો હોવાના કારણે હવે ગાડીઓ સ્ક્રેપમાં ધૂળ ખાઈ રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બે વર્ષ પહેલા ઈલેક્ટ્રીક ગાડીઓનો વપરાશ કરવામાં આવતો હતો. જેમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરો અને અન્ય વિભાગના અધિકારીઓને ઈલેક્ટ્રીક ગાડી ફાળવવામાં આવી હતી. જે ગાડીઓનો વપરાશ થતો હતો. જો કે કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ ગયા બાદ જમાલપુર સેન્ટ્રલ વર્કશોપ ખાતે 20 જેટલી ઇલેક્ટ્રીક ગાડીઓ પરત મૂકી દેવામાં આવી હતી. સવારથી રાત સુધી રાઉન્ડ માટે પેટ્રોલ-ડીઝલ ગાડીઓ જ દોડી રહી છે
ઈલેક્ટ્રીક ગાડીઓનો વ્યાપ ધીમે ધીમે વધી રહ્યો છે અને નાગરિકો ઇલેક્ટ્રીક ગાડીઓ ચલાવી રહ્યા છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર ઈલેક્ટ્રીક ગાડીઓના ચાર્જિંગ સ્ટેશન ઉભા કરી રહી છે. પરંતુ ખુદ કોર્પોરેશન પોતે જ ઈલેક્ટ્રીક ગાડીઓનો ઉપયોગ કરતું નથી જેના કારણે હવે પેટ્રોલ અને ડીઝલની બચત કરી શકે તેમ નથી અને તમામ અધિકારીઓ અને કર્મચારીઓ સવારે રાઉન્ડથી લઈ રાત સુધી પેટ્રોલ ડીઝલ થી ચાલતી ગાડીઓનો જ ઉપયોગ કરશે.
Read Original Article →