AMC સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની સૂચના:ચોમાસા પહેલાં સાત દિવસમાં ખાડા પૂરી દો, પ્રસિધ્ધિ માટે કોફી ટેબલ બુક બનાવવા 16 લાખ ખર્ચાશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આજે 4 જૂનના રોજ મળેલી પ્રથમ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આગામી ચોમાસાને લઈ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલે સ્પષ્ટ વાત કરી હતી કે 15 જૂનની આસપાસ અમદાવાદમાં ચોમાસુ બેસે તેવી શક્યતાઓ છે, જેથી આવનારા સાત દિવસમાં જે પણ જગ્યાએ ખાડા છે તે પૂરી દેવાની સૂચના આપી છે અને નવા કોઈ ખોદકામને આજથી મંજૂરી આપવામાં આવશે નહીં. જ્યાં પણ ખોદકામ કરવામાં આવે ત્યાં મજબૂત બેરી કેડિંગ લગાવવા માટે પણ જાણવામાં આવ્યું છે. જે જગ્યાએ કોઈ લાઇનમાં ભંગાણ પડ્યું હોય અને તાત્કાલિક ધોરણે રીપેરિંગ કરવાની જરૂરિયાત ઉભી થાય તેમાં જ ખોદકામ કરવા માટેની મંજૂરી આપવામાં આવશે તેના સિવાય કોઈ પણ કંપનીને અથવા તો કામગીરી માટે ખોદકામ ન કરવા માટેની સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે. 16 લાખ ચૂકવવાની દરખાસ્તને મંજૂરી આપી
અમદાવાદ શહેરમાં હાથ ધરાયેલાં વિવિધ પ્રકારનાં વિકાસ કાર્યોને પ્રકાશિત કરવાનાં નામે મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો એ સ્વપ્રસિદ્ધિ માટે કોફી ટેબલ બુક તૈયાર કરાવવા માટે કન્સલન્ટન્ટને 16 લાખ ચૂકવવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. જેમાં માત્ર આ ડિઝાઇનના જ પૈસા ચૂકવવામાં આવશે. પ્રિન્ટિંગનો ખર્ચ અલગથી કરવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા 2025-26 નાં વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે, આ વર્ષ અંતર્ગત અમલમાં મુકાયેલાં વિવિધ પ્રોજેક્ટ માટે કોફી ટેબલ બુક તૈયાર કરવા માટે બારોબાર એચપીસી ડિઝાઇન, પ્લાનીંગ એન્ડ મેનેજમેન્ટ પ્રા.લિ. નામની એજન્સીની પાસેથી પ્રપોઝલ મંગાવવામાં આવી હતી. આ એજન્સીએ કોફી ટેબલ બુક તૈયાર કરી આપવા માટે 16 લાખ રૂપિયા વત્તા જીએસટીનાં જે કોઇ નાણાં થાય તે ફી પેટે વસુલ કરવાની દરખાસ્ત મોકલી હતી. જેને મંજૂરી આપવામાં આવી છે. જોકે માત્ર આ ડિઝાઇન તૈયાર કરવાનો ખર્ચ છે પ્રિન્ટિંગનો ખર્ચ અલગથી કરવામાં આવશે. અધિકારીઓને કોર્પોરેટરોના ફોન ઉપાડાવા સૂચના
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે કોઈપણ કોર્પોરેટરના ફોન ઉપાડવામાં આવે. ભૂતકાળમાં અનેક અનુભવ થયા છે કે કોર્પોરેટરના ફોન અધિકારીઓ ઉપાડતા નથી. જેથી દરેક કોર્પોરેટરના નંબરો રાખી અને તેમના ફોન ઉપાડવામાં આવે. જો કોઈ અધિકારી મિટિંગમાં હોય તો એક કલાક અથવા તેમના સમયની અનુકૂળતાએ ફોન કરી અને તેમના પ્રશ્ન કે કોઈ ફરિયાદ હોય તો તેને સાંભળવા માટેની પણ સૂચના આપી છે.
Read Original Article →