પેટમાં છુપાવી હેરોઈન લાવનાર આરોપીને 20 વર્ષની સજા:કોર્ટે નોંધ્યું- સ્કૂલ-કોલેજમાં જતા કિશોર-કિશોરીઓ નશીલા પદાર્થની ટેવના કારણે પોતાની યુવાવસ્થા નાશ કરે છે
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ડીઆરઆઈએ 943 ગ્રામ હેરોઈનની 86 કેપ્સ્યુલો પકડેલ યુગાન્ડાના નાગરિક ડેવીડ મેસેમ્બી કબાલી સ્ટીવનના પેટમાંથી કબજે કરી હતી. જેની સામેનો કેસ ચાલી જતા એનડીપીએસની ખાસ કોર્ટના જજ વી.બી.રાજપૂતે આરોપી ડેવીડ મેસેમ્બી કબાલી સ્ટીવનને ગુનેગાર ઠરાવીને વીસ વર્ષની સખ્ત કેદની સજા અને કુલ રૂ. 4 લાખનો દંડ ફ્ટકાર્યો છે. કોર્ટે નોંધ્યું હતું કે, નશીલા પદાર્થોની હેરાફેરીના કિસ્સાઓ વધી રહ્યા છે. જેના લીધે જાહેર જનતાનો એક વર્ગ, ખાસ કરીને કિશોરો અને વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વ્યસનનું કારણ બની રહ્યું છે. ડ્રગ્સની આડઅસરની સમાજ ઉપર ઘાતક અસર પડી રહી છે. ત્યારે આરોપીએ પોતાના આર્થિક ફાયદા માટે જીવને જોખમમાં મૂકેલ છે. આમ, આરોપી માદક પદાર્થની આંતરરાષ્ટ્રીય હેરાફેરીમાં સંકળાયેલ છે, જે વ્યક્તિગત હિત કરતા દેશનું હિત વધુ મહત્વનું જણાય છે. કોઈ વિદેશી નાગરિકને ડ્રગ્સની હેરાફેરીના ગુનામાં દોષિત ઠેરવાયો હોય તેવો ગુજરાતનો આ ચોથો કિસ્સો છે. ઉલ્લેખનીય છે કે, આરોપી એક આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટ માટે 'કેરિયર' તરીકે કામ કરતો હતો. DRIએ 943 ગ્રામની 86 કેપ્સ્યુલ સાથે યુગાન્ડાના નાગરિકને ઝડપ્યો હતો
આ કેસની વિગત એવી છે કે, સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી યુગાન્ડામાં રહેતા ડેવીડ મેસેમ્બી કબાલી સ્ટીવન ગત તા. 13 - 2 - 2022ના રોજ શારજહાથી ફ્લાઇટ દ્વારા અમદાવાદ એરપોર્ટ પર ઉતરતા ડીઆરઆઈના અધિકારીઓએ પેટમાં શંકા જતાં કોર્ટની પરવાનગીથી સીટી સ્કેન અને એક્સ-રે કરાવવા માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જ્યાં આરોપી ડેવીડ મેસેમ્બી કબાલી સ્ટીવનના પેટમાંથી કુલ 943 ગ્રામ વજનની હેરોઈનની કુલ 86 કેપ્સ્યુલો મળી આવી હતી. ડીઆરઆઈના ખાસ સીનિયર સરકારી વકીલ સુધીર ગુપ્તાએ પૂરતા 11 સાક્ષી તપાસી અને 38 દસ્તાવેજી પુરાવા રજૂ કરતા કોર્ટને જણાવ્યું હતું કે, આવા ઘણા કિસ્સા બહાર આવ્યા છે, આરોપી વિદેશમાંથી ડ્રગ્સ ઘુસાડી રહ્યો હતો. આખોય કેસ નિઃશંક પણે પુરવાર થાય છે, આવા કિસ્સા વધી રહ્યાં છે, જેના કારણે યુવાધન નશાના રવાડે ચઢી બરબાદ થઈ રહ્યું છે, ત્યારે સમાજમાં દાખલો બેસે અને આવા આરોપીઓમાં કાયદાનો ભય રહે તે હેતુને ધ્યાને રાખી આરોપીને સખ્તમાં સખ્ત સજા કરવી જોઈએ. ત્યારબાદ કોર્ટે આરોપીને ગુનેગાર ઠરાવીને 20 વર્ષ કેદની સજા અને કુલ રૂ. 4 લાખનો દંડ ફ્ટકાર્યો છે. કોર્ટે નોંધ્યું- ડ્ર્ગ્સના કારમે અનેક કુંટુંબો આર્થિક રીતે પાયમાલ બન્યા
કોર્ટે વિદેશી નાગરિકને ગુનેગાર ઠરાવતા નોંધ્યું છે કે, પ્રવર્તમાન સમયમાં નશીલા પદાર્થોની થતી હેરાફેરી ખૂબ જ ગંભીર અને પડકારજનક મુદ્દો છે. આવા આરોપી નશીલા પદાર્થનું રેકેટ ચલાવતા હોવાના કારણે ઘણા કુટુંબો આર્થિક રીતે પાયમાલ બને છે. સ્કૂલ-કોલેજમાં જતા કિશોર-કિશોરીઓ આવા નશીલા પદાર્થની ટેવના કારણે પોતાની યુવાવસ્થા નાશ કરે છે. હાલમાં સૌથી વધુ 18 થી 35 વર્ષની ઉંમરની વ્યક્તિઓ જ નહીં પરંતુ આ ડ્રગ્સનું ચલણ 13 થી 17 વર્ષ સુધીની કુમળી વયના બાળકોમાં પણ વધ્યું હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું છે. ડ્રગ્સની લત છોડાવવા સરકારી તેમજ ખાનગી નશામુક્તિ કેન્દ્રોમાં અમદાવાદ શહેરમાં મહિને 600 થી વધુ યુવાનોની લાઈનો લાગેલી છે. આ સિવાય રાજ્યમાં તથા દેશમાં નશામાં સપડાયેલ યુવાનોનો અસલ આંકડો આનાથી અનેકગણો વધારે છે. જેના લીધે દેશનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે.
Read Original Article →